________________
૨૩૪
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૭૧ થી ૧૭૫ ૧૩. સૌભાગ્ય : સૌભાગ્યવાળા હોય અર્થાત્ તેમના સૌભાગ્યના કારણે પણ યોગ્ય જીવોને યોગમાર્ગમાં પ્રવર્તાવી શકે એવા સાધુ ગુરુપદને યોગ્ય છે.
૧૪. પોતાના ગુરુ વડે અનુજ્ઞાત પદમાં સમ્યગુ અવસ્થાન : પોતાની યોગ્યતાને જોઈને પોતાના ગુરુથી પોતાને જે પદ અપાયેલું હોય તે પદને શોભે તેવી ઉચિત પ્રવૃત્તિવાળા હોય એવા સાધુ ગુરુપદને યોગ્ય છે.
૧૫. પરલોકમાં અવિષાદ : પરલોકમાં અવિષાદવાળા હોય અર્થાતુ પરલોકને સાધવા માટે અતિ કષ્ટપ્રદ એવા યોગમાર્ગને સાધવામાં યત્ન કરતા હોય તોપણ તે પ્રવૃત્તિની કષ્ટમયતાને જોઈને લેશ પણ વિષાદ વગરના હોય, જેથી અપ્રમાદભાવથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે, એવા સાધુ ગુરુપદને યોગ્ય છે.
૧૬. (i) સ્થિરહસ્તલબ્ધિઃ સ્થિરહસ્તલબ્ધિવાળા હોય અર્થાત્ કોઈ જીવ યોગમાર્ગમાં શિથિલ થયો હોય તેને સ્થિર કરી શકે તેવી લબ્ધિવાળા હોય એવા સાધુ ગુરુપદને યોગ્ય છે. | (i) ઉપકરણલબ્ધિ: ઉપકરણલબ્ધિવાળા હોય અર્થાત્ સંયમને ઉપયોગી વસ્ત્ર-પાત્ર નિર્દોષ પ્રાપ્ત કરી શકે તેવા લાભાંતરાયના ક્ષયોપશમવાળા હોવાથી સંયમને ઉચિત એવા ઉપકરણોની નિર્દોષ પ્રાપ્તિ કરી શકે તેવી શક્તિવાળા હોવાથી શિષ્યોને સંયમની વૃદ્ધિમાં પ્રબળ કારણ બની શકે એવા સાધુ ગુરુપદને યોગ્ય છે. | (ii) ઉપશમલબ્ધિ : ઉપશમલબ્ધિવાળા હોય અર્થાત કષાયોનો સ્વયં ઉપશમ કરેલો હોય, અને અન્યને કષાયોનો ઉપશમ કરાવી શકે તેવી લબ્ધિવાળા હોય એવા સાધુ ગુરુપદને યોગ્ય છે.
૧૭. નિપુણ ધર્મકથિતપણું: નિપુણ ધર્મકથા કરી શકે તેવી શક્તિવાળા હોય જેથી શિષ્યવર્ગને સંયમની વૃદ્ધિ કરાવીને સંયમના આગળ આગળના કંડકોમાં પહોંચાડી યાવતુ અસંગભાવની પ્રાપ્તિ કરાવી શકે, એવા સાધુ ગુપદને યોગ્ય છે.
૧૮. ગંભીરપણું ઇત્યાદિ ગુણોઃ ગંભીર હોય જેથી પોતે ઉતાવળથી કોઈ નિર્ણય ન કરે પરંતુ સંયોગોનો વિચાર કરીને એકાંતે જે ઉચિત હોય તેવો નિર્ણય કરે, ઇત્યાદિ ગુણોવાળા સાધુ ગુરુપદને યોગ્ય છે.
૧૯. ઉભયજ્ઞ ઉત્સર્ગ-અપવાદના જાણનારા હોય, કલ્મ શું છે અને અકલ્પ શું છે તેના જાણનારા હોય અને નિશ્ચયનય અને વ્યવહારનયને ઉચિતસ્થાને જોડીને ઉચિત પ્રવૃત્તિ કરી શકે તેવા બોધવાળા હોય તે ઉભયજ્ઞ સાધુ શિષ્યોને યોગમાર્ગમાં પ્રવર્તાવી શકે, તેવા સાધુ ગુરુપદને યોગ્ય છે.
૨૦. ક્રિયામાં પર ઃ સંયમ ગ્રહણ કર્યા પછી પાંચ મહાવ્રતરૂપ મૂળગુણ અને પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિ આદિરૂપ ઉત્તરગુણોની આરાધનામાં બદ્ધકક્ષ હોય અર્થાત્ અપ્રમાદભાવવાળા હોય તેવા સાધુ ગુરુપદને યોગ્ય છે.
૨૧. દઢપ્રવચનઅનુરાગી ઃ જિનપ્રવચન પ્રત્યે અત્યંત બહુમાનવાળા હોય, જેથી હંમેશાં જિનવચનનું ઉલ્કાસન કરનારા હોય એવા સાધુ ગુરુપદને યોગ્ય છે.
૨૨. સ્વસમયના પ્રરૂપકઃ સંયમને અનુકૂળ ચરણ-કરણાદિ ક્રિયારૂપ સ્વસમયના પ્રરૂપક હોય અર્થાત્ શિષ્યોને તે તે ઉપાય દ્વારા ચરણ-કરણાદિનું સ્વરૂપ બતાવે જેથી શિષ્યો તેનું સમ્યગુ સેવન કરી શકે એવા સાધુ ગુરુપદને યોગ્ય છે.