________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૪૨
૧૯૩
અહીં પ્રશ્ન થાય કે ગુણવાનને પરતંત્ર થવું એ ગુણ છે, કાળના દોષના કારણે એકલા રહેવું ઉચિત નથી અને સ્વપક્ષથી થનારા દોષોને કારણે પણ એકલા રહેવું ઉચિત નથી; આમ છતાં સમુદાયમાં નિર્દોષ ભિક્ષાઆદિ સંભવિત ન હોય. તેથી સંયમની શુદ્ધિ કરવા અર્થે કોઈ સાધુ સમુદાયનો ત્યાગ કરીને સંયમશુદ્ધિમાં યત્ન કરે તો શું વાંધો ? તેથી ગાથાના ઉત્તરાર્ધથી કહે છે
ભિક્ષાચર્યાના વિષયમાં કારણ અને યતનાને આશ્રયીને ચાર ભાંગા થાય છે, અને તેમાંથી પ્રથમના ત્રણ ભાંગાથી પણ આહારઆદિના ગ્રહણની અનુજ્ઞા સાધુને “પ્રકલ્પગ્રંથમાં આપી છે. તેથી એ પ્રાપ્ત થાય કે દોષનું સેવન કરવું પડે તો તે કરવું પણ ગુરુકુળવાસનો ત્યાગ કરવો ઉચિત નથી, એ “પ્રકલ્પગ્રંથ'થી ફલિત થાય છે. તે ચાર ભાંગા આ પ્રમાણે છે :
(૧) કારણે યતનાથી અશુદ્ધ આહાર આદિ ગ્રહણ કરે, (૨) કારણે યતના વગર અશુદ્ધ આહાર આદિ ગ્રહણ કરે, (૩) નિષ્કારણ યતનાથી અશુદ્ધ આહાર આદિ ગ્રહણ કરે અને (૪) નિષ્કારણ અયતનાથી અશુદ્ધ આહાર આદિ ગ્રહણ કરે.
આ ચાર ભાંગામાં પ્રથમ ભાંગો શુદ્ધ છે. તેથી એ ફલિત થાય કે સાધુને નિર્દોષ ભિક્ષાઆદિમાં ઉત્સર્ગથી યત્ન કરવાનો છે, આમ છતાં ઉત્સર્ગથી સંયમનો નિર્વાહ થતો ન હોય તો અપવાદથી દોષિત આહાર પણ ગ્રહણ કરે, અને તે દોષિત આહારગ્રહણ પણ ભિક્ષાની અપ્રાપ્તિના કારણે હોવાથી અને યતનાપૂર્વક હોવાથી સંયમની શુદ્ધિ રહે છે. તેથી પ્રથમ ભાંગો શુદ્ધ છે; પરંતુ બાકીના ત્રણ ભાંગાથી આહાર ગ્રહણ કરે તો સંયમની શુદ્ધિ રહે નહિ. આમ છતાં ગુરુકુળવાસને છોડીને એકલા રહીને નિર્દોષ આહારઆદિની શુદ્ધિમાં યત્ન કરવો તેના કરતાં વિષમકાળમાં પ્રથમના ત્રણ ભાંગાથી પણ આહાર ગ્રહણ કરીને સમુદાયમાં રહે. વળી, તે ચાર ભાંગા આ પ્રમાણે છે
(૧) કારણે યતનાથી અશુદ્ધ આહાર આદિ ગ્રહણ કરે.
આ પ્રથમ ભાંગો શુદ્ધ છે. કોઈ સાધુ સમુદાયમાં રહીને અપ્રમાદભાવથી નિર્દોષ ભિક્ષાઆદિમાં યત્ન કરે, પરંતુ નિર્દોષ ભિક્ષાઆદિની અપ્રાપ્તિના કારણે સંયમમાં ઉદ્યમ થઈ શકતો ન હોય ત્યારે શાસ્ત્રવિધિ અનુસાર યતનાથી દોષિત આહાર લાવે તો કોઈ દોષ નથી, જે ચાર ભાંગામાંથી પ્રથમ ભાંગા રૂપ છે, અને આ પ્રથમ ભાંગો સંયમશુદ્ધિનું કારણ છે, તેમ પ્રકલ્પગ્રંથમાં કહ્યું છે.
(૨) કારણે યતના વગર અશુદ્ધ આહાર આદિ ગ્રહણ કરે.
આ બીજો ભાંગો યતના વગર દોષિત આહારઆદિના ગ્રહણરૂપ હોવાથી શુદ્ધ નથી. કોઈ સાધુ સમુદાયમાં રહીને અપ્રમાદભાવથી નિર્દોષ ભિક્ષાઆદિમાં યત્ન કરે, પરંતુ જ્યારે નિર્દોષ ભિક્ષાઆદિની અપ્રાપ્તિથી સંયમમાં ઉદ્યમ થઈ શકતો નથી, ત્યારે ભિક્ષાની અપ્રાપ્તિના કારણે શાસ્ત્રવિધિ અનુસાર યતનાપૂર્વક દોષિત આહાર ગ્રહણ કરવાને બદલે યતના વગર દોષિત આહાર લાવે તો તે દોષરૂપ છે. અહીં બીજા ભાંગામાં સભ્ય યતના નથી તેથી તે અશુદ્ધ ભાંગો છે, આમ છતાં પ્રકલ્પગ્રંથમાં તે ભાંગાથી ભિક્ષા લાવવાની અનુજ્ઞા આપેલ છે; કેમ કે વિષમકાળમાં દોષિત આહાર ગ્રહણ કરીને પણ ગુરુકુળવાસમાં રહેવું ઉચિત છે.