________________
૧૯૪
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૧૪૨-૧૪૩
(૩) નિષ્કારણ યતનાથી અશુદ્ધ આહાર આદિ ગ્રહણ કરે.
ત્રીજો ભાંગો નિષ્કારણ યતનાથી અશુદ્ધ આહાર આદિ ગ્રહણરૂપ હોવાથી શુદ્ધ ભાંગો નથી. કોઈ સાધુ સમુદાયમાં રહીને નિર્દોષ ભિક્ષાઆદિની ગવેષણા કરવામાં પ્રમાદી હોય, તેથી નિર્દોષ ભિક્ષાઆદિની ગવેષણા કર્યા વિના, નિષ્કારણ, અશુદ્ધ આહારને શાસ્ત્રવિધિ અનુસાર યતનાપૂર્વક ગ્રહણ કરે, તોપણ દોષરૂપ છે. અહીં ત્રીજા ભાંગામાં સમ્યગ્ યતનાપૂર્વક આહાર ગ્રહણ કરે છે, પરંતુ અશુદ્ધ આહાર ગ્રહણનું કોઈ કારણ નહિ હોવા છતાં દોષિત આહાર ગ્રહણ કરે છે, તેથી તે અશુદ્ધ ભાંગો છે. આમ છતાં પ્રકલ્પગ્રંથમાં ગુરુકુળવાસમાં રહેનારા સાધુને આ ત્રીજા ભાંગાથી પણ ભિક્ષા લાવવાની અનુજ્ઞા આપેલ છે; કેમ કે વિષમકાળમાં, યતનાથી નિષ્કારણ દોષિત આહાર ગ્રહણ કરીને પણ ગુરુકુળવાસમા રહેવું વધુ ઉચિત છે.
(૪) નિષ્કારણ અયતનાથી અશુદ્ધ આહાર આદિ ગ્રહણ કરે.
ચોથો ભાંગો નિષ્કારણ અયતનાથી અશુદ્ધ આહાર આદિ ગ્રહણરૂપ હોવાથી શુદ્ધ ભાંગો નથી. કોઈ સાધુ સમુદાયમાં રહીને નિર્દોષ ભિક્ષાઆદિની ગવેષણા માટે યત્ન કરે તો નિર્દોષ ભિક્ષાઆદિ પ્રાપ્ત થાય તેમ છે, આમ છતાં પ્રમાદી હોવાના કારણે નિર્દોષ ભિક્ષાઆદિની ગવેષણા કરવામાં યત્ન કરતા નથી. વળી, અશુદ્ધ આહાર આદિ ગ્રહણનું કોઈ કારણ ન હોવા છતાં નિષ્કારણ દોષિત આહાર ગ્રહણ કરે છે. વળી, દોષિત ગ્રહણ કરવામાં શાસ્ત્રવિધિ અનુસાર સમ્યગ્ યતના પણ કરતા નથી. તેઓની નિષ્કારણ યતના વગરની દોષિત ભિક્ષા આદિનું ગ્રહણ સંયમનાશનું કારણ બને છે. તેથી પ્રકલ્પગ્રંથમાં આ ચોથા ભાંગાથી આહારઆદિ ગ્રહણ કરવાની અનુજ્ઞા આપેલ નથી.
પ્રથમના ત્રણ ભાંગાથી અશુદ્ધ આહાર આદિ ગ્રહણ કરીને પણ સાધુ સમુદાયમાં રહે તેમ પ્રકલ્પગ્રંથમાં કહ્યું છે. પ્રથમ ભાંગો શુદ્ધ છે, જ્યારે બીજા અને ત્રીજા ભાંગામાં સંયમની શુદ્ધિ પૂર્ણ નથી. બીજા ભાંગામાં યતના વગર અશુદ્ધ આહાર આદિનું ગ્રહણ છે, તેથી બીજો ભાંગો દોષિત છે, જ્યારે ત્રીજા ભાંગામાં યતનાપૂર્વક નિષ્કારણ અશુદ્ધ આહાર આદિનું ગ્રહણ છે, તેથી ત્રીજો ભાંગો પણ દોષિત છે. આમ છતાં, બીજા અને ત્રીજા ભાંગામાં વ્રતસાપેક્ષતા હોવાથી સંયમનો નાશ થતો નથી પરંતુ અતિચારની પ્રાપ્તિ થાય છે, અને આરાધક સાધુ તે દોષોનું સેવન કરીને પણ અતિચારની શુદ્ધિ કરે તો સંયમ શુદ્ધ થઈ શકે. તેથી ગુરુકુળવાસ છોડીને નિર્દોષ ભિક્ષાઆદિ ગ્રહણ કરવા કરતાં આ ત્રણ ભાંગાથી દોષિત આહાર ગ્રહણ કરીને પણ ગુરુકુળવાસમાં રહેનારા સાધુને ભલા કહ્યા છે. ચોથો ભાંગો સંયમનાશનું કારણ છે. તેથી તેના સેવનનો નિષેધ છે. ગુરુકુળવાસમાં રહીને પ્રથમના ત્રણ ભાંગાથી પણ યત્ન કરીને સંયમનું રક્ષણ કરવું ઉચિત છે, પરંતુ નિર્દોષ ભિક્ષાઆદિના અર્થે ગુરુકુળવાસનો ત્યાગ કરીને સ્વછંદપણે વિચરવું ઉચિત નથી. ૧૪૨॥
અવતરણિકા :
ગાથા-૧૪૦માં ગુરુકુળવાસ એ સર્વગુણોની નિષ્પત્તિનું મૂળ છે, તેમ બતાવીને અન્વયથી તેની પુષ્ટિ ગાથા-૧૪૧-૧૪૨માં કરી. હવે ગુરુકુળવાસ એ સર્વગુણોની નિષ્પત્તિનું મૂળ છે તેની પુષ્ટિ વ્યતિરેકથી કરતાં કહે છે –