________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૧૮
૧૬૭
સંઘયણનું આલંબન લઈને પોતાની શારીરિક શક્તિને અનુરૂપ ઉચિત અનુષ્ઠાનમાં યત્ન કરે છે, તેમના સંયમની વૃદ્ધિ થાય છે.
વળી, કેટલાક સાધુઓ શિથિલ પરિણામવાળા હોવાને કારણે વિચારે છે કે આ દુર્ભિકાળ છે માટે ભગવાને અપવાદથી દોષિત આહારઆદિની અનુજ્ઞા આપેલી છે. આ પ્રકારનું આલંબન લઈને નિર્દોષ ભિક્ષાનો ઉદ્યમ કરતા નથી, તેથી સંયમનો નાશ કરે છે. તેને બદલે જે સાધુઓ શક્ય આરંભ કરનારા છે તેઓ કાળ દુર્મિક્ષ હોય તો વિચારે કે જ્યાં સુધી સંયમમાં ઉદ્યમની શિથિલતા ન થતી હોય ત્યાં સુધી ભગવાને નિર્દોષ આહારઆદિની ગવેષણા માટે આજ્ઞા કરી છે. તેથી “ભિક્ષા મળશે તો સંયમની વૃદ્ધિ થશે અને નહિ મળે તો તપની વૃદ્ધિ થશે”, એ પ્રકારે આત્માને ભાવિત કરીને સમતાની વૃદ્ધિમાં ઉદ્યમ કરે છે. આમ છતાં ભિક્ષા ન મળે અને તપની વૃદ્ધિમાં યત્ન કરવાથી સંયમયોગમાં યત્ન સિદાતો જણાય ત્યારે ભગવાનની આજ્ઞા વિચારી સંયમયોગમાં દઢ યત્નના અર્થી એવા સાધુ દોષિત આહાર પણ યતનાપૂર્વક પ્રહણ કરે છે. આ પ્રકારે ભગવાનના વચનનું અવલંબન લઈને યતનાપૂર્વક દોષિત આહાર ગ્રહણ કરે તેવા સાધુઓને કાળનું આલંબન પણ સંયમવૃદ્ધિનું કારણ બને છે.
વળી, “પ્રાયઃ કરીને પાંચમા આરાના સાધુઓમાં માનસવૃતિબળ ઓછું હોય છે, તેથી પૂર્વના મહાત્માઓની જેમ અભિગ્રહ આદિ કરી શકતા નથી” એ પ્રકારે શાસ્ત્રવચન છે. આ શાસ્ત્રવચનનું અવલંબન લઈને સંયમમાં શિથિલ પરિણામવાળા સાધુ પોતાની શારીરિક શક્તિ અનુસાર શક્ય અભિગ્રહ ગ્રહણ કરવામાં પણ યત્ન કરતા નથી, અને શક્તિ હોવા છતાં શાતાના અર્થી બનીને અભિગ્રહની ઉપેક્ષા કરે છે અને પોતાના સંયમના પરિણામનો નાશ કરે છે. તેને બદલે જે સાધુ શક્ય આરંભ કરનારા છે તેઓ આ શાસ્ત્રવચનનું અવલંબન લઈને વિચારે છે કે પાંચમા આરાના જીવોમાં ધૃતિબળ ઓછું છે માટે મારા તિબળનો નાશ ન થાય એવું શક્ય અનુષ્ઠાન મારે કરવું જોઈએ. એમ વિચારીને પોતાની શક્તિને ગોપવ્યા વિના શક્ય અનુષ્ઠાનમાં ધૃતિને ફોરવે છે, જેથી વર્તમાનમાં અલ્પ ધૃતિ હોવા છતાં શક્તિ અનુસાર તે ધૃતિના બળથી જ સંયમની વૃદ્ધિ કરે છે.
વળી, કેટલાક શિથિલાચારવાળા સાધુઓ વિચારે કે વર્તમાનમાં દુષમ આરો છે અને ભગવાને આ કાળને ક્લિષ્ટ કાળ કહ્યો છે અને અમે પણ રોગથી આક્રાન્ત છીએ, એમ વિચારીને પોતાની શક્તિ સમભાવની વૃદ્ધિમાં ફોરવવાને બદલે ક્લિષ્ટ કાળનું અવલંબન લઈને સંયમની ઉચિત ક્રિયાઓમાં પ્રસાદ કરે છે, અને પોતાની શરીર આદિની શક્તિ હોવા છતાં સંયમના ભારને વહન કરતા નથી, તેઓ સંયમનો નાશ કરે છે. તેને બદલે જે સાધુઓ શક્ય આરંભ કરનારા છે તેઓ શાસ્ત્રવચનનું અવલંબન લઈને વિચારે છે કે આ દુષમ આરો છે તેથી સંયમ માટે ઘણા વિપરીત સંયોગો પ્રાપ્ત થાય છે, માટે તેવા સંયોગોમાં પણ હું શક્તિને ગોપવ્યા વિના ઉચિત યત્ન કરું. તેમ વિચારીને પોતાનું શરીર રોગથી આક્રાન્ત હોય તોપણ શક્તિને ગોપવ્યા વિના શક્તિ અનુસાર શક્ય અનુષ્ઠાન કરીને પોતાના સંયમસ્થાનની વૃદ્ધિ થાય તે રીતે અપ્રમાદભાવ કરે છે, જેથી રોગના કારણે પણ તેમના સંયમમાં હાનિ થતી નથી. ./૧૧૮