________________
૧૭૮
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૧૨૯
ગાથા :
करुणावसेण नवरं, ठावइ मग्गंमि तं पि गुणहीणं । अच्चंताजुग्गं पुण, अरत्तदुट्ठो उवेहे ॥ १२९ ॥ करुणावशेन नवरं स्थापयति मार्गे तमपि गुणहीनम् । अत्यन्तायोग्यं पुनररक्तद्विष्ट उपेक्षेत ॥ १२९ ॥
ગાથાર્થ :
કેવળ કરુણાના વશથી ગુણહીન એવા તેને પણ=સ્વજનશિષ્યાદિને પણ, માર્ગમાં સ્થાપન કરે છે. વળી, અવષ્ટિ મધ્યસ્થ એવા સાધુ, અત્યંત અયોગ્યની ઉપેક્ષા કરે છે. II૧૨૯)
ભાવાર્થ :
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે ભાવચારિત્રી ગુણહીન એવા સ્વજનાદિ પ્રત્યે પ્રતિબંધ કરતા નથી. તેથી હવે સ્વજનાદિ પ્રત્યે શું ઉચિત કૃત્યો કરે છે, તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે
પોતાનો શિષ્ય, સ્વજન કે એક ગણનો સાધુ સંયમયોગમાં અત્યંત પ્રમાદી હોય તેથી ગુણહીન દેખાય ત્યારે, ભાવચારિત્રી વિચારે કે જો મારામાં શક્તિ હોય તો મારે ગુણહીન એવા સ્વજનાદિને મોક્ષમાર્ગમાં લાવવા યત્ન કરવો જોઈએ. તેથી ભાવચારિત્રી કરુણાવશ ઉચિત અવસર જોઈને જે રીતે સ્વજનાદિ ઉપર ઉપકાર થાય તે રીતે તેમને માર્ગમાં લાવવા યત્ન કરે, પરન્તુ તેઓની પ્રમાદની પ્રવૃત્તિ જોઈને તેમના પ્રત્યે દ્વેષ ન કરે, વળી સ્વજનાદિના સંબંધની બુદ્ધિથી રાગ પણ ન કરે; છતાં સર્વ ચિત પ્રયત્નો કર્યા પછી પણ તેઓ અત્યંત અયોગ્ય દેખાય તો દ્વેષ કર્યા વિના તેમની ઉપેક્ષા કરે. અર્થાત્ ભાવચારિત્રી વિચારે કે ‘આ સંસારનું સ્વરૂપ એવું છે કે જીવો કર્મને વશ થઈને હિતમાં પ્રવૃત્તિ કરતા નથી પણ અહિતમાં પ્રવૃત્તિ કરે છે, આથી મારા પ્રયત્નથી પણ આ સ્વજનાદિ માર્ગમાં આવે તેમ દેખાતું નથી. તેથી તેઓના નિમિત્તને ..મીને મને ક્લેશ ન થાય તે રીતે મધ્યસ્થભાવથી જે ઉચિત કર્તવ્ય હોય તે મારે કરવું જોઈએ. જેમ વજ્રાચાર્યે તીર્થયાત્રા માટે જવા નીકળેલા પોતાના શિષ્યોની અસંયમની પ્રવૃત્તિ જોઈને તેમને સમજાવવા માટે યત્ન કર્યો, છતાં તેમના સદ્ઉપદેશથી તે શિષ્યો પાછા ન વળ્યા અને અવિધિથી તીર્થયાત્રા માટે ગયા ત્યારે વજ્રાચાર્ય ભગવાનના વચનનું સ્મરણ કરીને વિધિપૂર્વક તેઓની પાછળ ગયા, અને સાધુવેષમાં અનુચિત પ્રવૃત્તિ દ્વારા પોતાના શિષ્યોનું અહિત ન થાય તે માટે વેષ પાછો લેવા પ્રયત્ન કર્યો. અર્થાત્ શિષ્યોની અનુચિત પ્રવૃત્તિની ઉપેક્ષા ન કરી, પરંતુ શિષ્યોની પાછળ પાછળ જઈને તેમનો વેષ લેવા પ્રયત્ન કર્યો, અને એક સાધુનો વેશ લઈ પણ લીધો; અને અન્ય સાધુઓ જલદી જલદી ભાગી ગયા છતાં તે નિમિત્તને પામીને વજ્રાચાર્યે કોઈ ક્લેશ કર્યો નહિ, પણ મધ્યસ્થભાવથી ઉચિત કૃત્યમાં યત્ન કર્યો, તેથી અંતે કેવળજ્ઞાન પામ્યા. (વિશેષ આ કથા માટે ‘પ્રતિમાશતકગ્રંથ’ જુઓ.) ૧૨૯।