________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રણ | ગાથા : ૯૩-૯૪
૧૨૫
વળી, સ્વ-પરના હિતનો નિર્વાહ પાત્ર-અપાત્રના વિવેકથી થઈ શકે છે. શાસ્ત્રમાં જે પદાર્થો જે રીતે કહ્યા છે તે પદાર્થો તે રીતે કહી દેવા માત્રથી શ્રોતાનું હિત થતું નથી, પરંતુ પાત્રની શક્તિ, તેની રુચિ અને તેની યોગ્યયોગ્યતાનો વિચાર કરીને તે પ્રમાણે ઉચિત ઉપદેશ આપવામાં આવે તો પાત્રનું હિત થાય છે, અને પાત્રનું હિત થાય તેની સમ્યફ વિચારણા કરીને ઉપદેશ આપવામાં આવે તો જ ઉપદેશકનું પણ હિત થાય છે, અન્યથા ઉપદેશક પણ કર્મ બાંધે છે. તેથી ઉપદેશકે પાત્ર-અપાત્રનો વિવેક રાખવો જોઈએ, અને તે પ્રમાણે વિવેકપૂર્વક ઉપદેશ આપે તો સ્વ-પરના હિતનો નિર્વાહ થાય છે. ૯૩
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે પાત્ર-અપાત્રના વિવેકવાળા ઉપદેશક હિતકાંક્ષીપણાનો નિર્વાહ કરી શકે છે તે વાતને સ્પષ્ટ કરવા માટે કહે છે –
ગાથા :
पत्तंमि देसणा खलु, णियमा कल्लाणसाहणं होइ । कुणइ अ अपत्तपत्ता, विणिवायसहस्सकोडीओ ॥१४॥ पात्रे देशना खलु, नियमात्कल्याणसाधनं भवति ।
करोति चाऽपात्रप्राप्ता, विनिपातसहस्रकोटीः ॥१४॥ ગાથાર્થ :
ખરેખર પાત્રમાં દેશના, નિયમથી કલ્યાણનું સાધન થાય છે, અને અપાત્રમાં પ્રાપ્ત થયેલી દેશના હજારો-કોડો વિનાશને પેદા કરે છે. I૯૪માં
ભાવાર્થ :- પાત્ર અને અપાત્રમાં અપાયેલ દેશનાનાં ફળ :
દેશનાને યોગ્ય પાત્ર-અપાત્રના ગુણને જે સાધુ જાણે અને તે પ્રમાણે પાત્રને દેશના આપે તો તે દેશના નિયમથી પોતાના કલ્યાણનું કારણ તો બને છે, પણ પ્રાયઃ કરીને તે પાત્રને પણ કલ્યાણની પ્રાપ્તિનું કારણ બને છે. ક્વચિત્ એવું પણ બને કે પાત્ર જીવ કોઈ પ્રવૃત્તિમાં વ્યગ્ર હોય કે કોઈક મતિથી વાસિત હોય તો તત્કાળ તે દેશનાથી તેનું હિત ન પણ થાય, પણ ઉપદેશક માટે તો તે દેશના એકાંતે સ્વકલ્યાણનું કારણ બને છે; કેમ કે ઉપદેશકે ભગવાનની આજ્ઞા અનુસાર પાત્રને અનુરૂપ માત્ર તેના કલ્યાણ અર્થે દેશના આપી છે. આથી ઉપદેશકનો વિશુદ્ધ આશય હોવાથી તેનું એકાંતે કલ્યાણ થાય છે. જ્યારે શ્રોતાની ફળપ્રાપ્તિમાં અનેકાંત છે, છતાં તે દેશનાથી શ્રોતાનું અહિત થવાની તો સંભાવના રહેતી નથી; કેમ કે પાત્રનો વિચાર કરીને ઉપદેશક દેશના આપે છે.
વળી, અપાત્રમાં દેશના આપવામાં આવે તો ઉપદેશક તે અપાત્રનું તો અહિત કરે છે, પણ તે દેશના દ્વારા ઉપદેશક પોતાનું પણ અહિત કરે છે; કેમ કે અપાત્રમાં દેશના આપવાનો ભગવાને નિષેધ કર્યો છે. આમ છતાં, વિચાર્યા વગર જે સાધુ અપાત્રને ઉપદેશ આપે છે તે સાધુ પોતાના અને પરના કલ્યાણનો નિર્વાહ કરી શકતા નથી, પરંતુ સ્વપરના હિતના ઘાતક બને છે. I૯૪ll