________________
૧૪૬
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૦૪
ચોથા મહાવ્રતમાં બ્રહ્મચર્યની નવ વાડમાં ક્યાંય સ્કૂલના ન થાય તે રીતે યત્ન કરે છે.
પાંચમા પરિગ્રહવિરમણ મહાવ્રતમાં અનાભોગ આદિથી અતિચાર ન લાગે તે રીતે સાધુ પ્રવૃત્તિ કરે છે. જેમ બાળક આદિને કાલુંઘેલું બોલતો જોઈને અનાભોગાદિથી સહેજ પણ મમત્વ થાય તો પાંચમા અપરિગ્રહ મહાવ્રતમાં સૂક્ષ્મ અતિચાર લાગે. વળી, ભિક્ષા-વસ્ત્ર-પાત્ર આદિ કંઈપણ અનેષણીય ગ્રહણ કર=દોષિત ગ્રહણ કરે કે મૂર્છાથી અધિક ઉપકરણ ગ્રહણ કરે તો પાંચમા વ્રતમાં બાદર અતિચાર લાગે. અપ્રમાદી સાધુ અત્યંત ગુપ્ત થઈને પાંચમા મહાવ્રતના અતિચારોના પરિહાર માટે યત્ન કરે છે.
રાત્રિભોજનની વિરતિમાં સૂકા પદાર્થો પોતાની પાસે રાખે તો સૂક્ષ્મ અતિચાર લાગે. દિવસગૃહીત દિવસભુક્ત, આદિ ચાર વિકલ્પોથી બાદર અતિચાર લાગે. તે આ રીતે(૧) દિવસે લાવેલો આહાર હોય અને દિવસે જ રાગથી કે દ્વેષથી વાપરે તો રાત્રિભોજનવિરમણવ્રતમાં
અતિચાર લાગે છે; કેમ કે રાગ કે દ્વેષથી વાપરવાથી સંયમની મલિનતા થાય છે. (૨) દિવસમાં લાવેલો આહાર હોય અને રાત્રે વાપરતા હોય તોપણ રાત્રિભોજનવિરમણવ્રતમાં અતિચાર
લાગે છે. અહીં દિવસમાં ગ્રહણ કરાયેલું અનાભોગ કે સાહસાત્કારથી લગભગ વેળાએ ખાધેલું ગ્રહણ
કરવું, જે અતિચારરૂપ છે, અને રાત્રે ખાતા હોય તો છઠ્ઠ રાત્રિભોજનવિરમણવ્રત નાશ પામે છે. (૩) રાત્રે ગ્રહણ કરેલું હોય અને દિવસે ખાધું હોય. જેમ સવારમાં સૂર્યોદય પહેલાં કે નવકારશી પહેલાં
ગ્રહણ કરેલું હોય તો તે રાત્રિગૃહીત અન્ન છે, અને દિવસના તેનો ઉપયોગ કરે તોપણ
રાત્રિભોજનવિરમણવ્રતમાં અતિચાર લાગે છે. (૪) રાત્રે ગ્રહણ કર્યું હોય અને રાત્રે ખાધું હોય. જેમ સાંજના સમયે લગભગ વેળાએ આહાર ગ્રહણ
કર્યો હોય તો તે રાત્રિગૃહીતમાં આવે, અને લગભગ વેળાએ વાપર્યું હોય તો તે રાત્રિભુક્તમાં આવે. આ રીતે રાત્રિગૃહીત અને રાત્રિભુક્ત હોય તોપણ રાત્રિભોજનવિરમણવ્રતમાં અતિચાર લાગે છે.
આ ચારેય વિકલ્પોથી લાગતા બાદર અતિચારનો સાધુ પરિહાર કરે છે. વળી, વચનથી અને કાયાથી કોઈપણ પ્રવૃત્તિ કરવાની હોય તો અપ્રમાદી સાધુ સમિતિમાં ઉપયુક્ત થઈને યત્ન કરે છે. તે સમિતિ પ્રવૃત્તિઆત્મક છે તે બતાવવા માટે પ્રવીચારરૂપ સમિતિ કહેલ છે. જ્યારે ગુપ્તિ અપ્રવૃત્તિઆત્મક અને પ્રવૃત્તિઆત્મક બને છે, તે બતાવવા માટે અપ્રવીચાર-પ્રવીચારરૂપ ગુપ્તિ કહેલ છે. અપ્રમાદી સાધુ શાસ્ત્રવચન અનુસાર ગુપ્તિઓમાં ઉપયુક્ત હોય છે અર્થાત ક્ષણભર પણ પ્રમાદ વગર સમભાવની વૃદ્ધિ થાય તે રીતે ધ્યાન-અધ્યયનમાં પ્રવૃત્ત હોય ત્યારે અપ્રવીચારરૂપ ગુતિઓ વર્તતી હોય છે; અને કોઈક કારણસર બોલવાનો પ્રસંગ હોય કે કોઈક કારણસર કાયાથી પ્રવૃત્તિ કરવાનો પ્રસંગ હોય ત્યારે આત્માને અત્યંત સંવૃત કરીને અર્થાત્ કર્મબંધને અનુકૂળ કોઈ પ્રમાદભાવ ન ઊઠે તે રીતે ઉપયુક્ત થઈને તે કાયિક કે વાચિક ક્રિયા કરતા હોય તો તે કાયિક કે વાચિક ક્રિયાને આશ્રયીને સમિતિવાળા પણ છે, અને તે ક્રિયાકાળમાં ક્રિયાના બળથી આત્માને ગુપ્ત રાખે છે, તેથી પ્રવીચારરૂપ ગુપ્તિવાળા પણ છે. I૧૦૪.