________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૮૦-૮૧-૮૨
૧૦૭
ભાવાર્થ :
- ભગવતીસૂત્રમાં અપાત્રમાં કોઈ દાન આપે તો દાન આપનારને નક્કી પાપબંધ થાય તેમ કહ્યું છે. તેથી તેના તાત્પર્યને જાણ્યા વિના તે શાસ્ત્રવચનને આશ્રયીને સાધુ અપાત્રદાનનો એકાંતે નિષેધ કરે તો શું અનર્થ થાય, તે પ્રસ્તુત ગાથામાં કહે છે. ભગવતીસૂત્રમાં જે કહ્યું છે તેનો આશય એ છે કે જે સ્પષ્ટ અપાત્ર છે તેવું જાણવા છતાં પાત્રના અભિનિવેશથી અર્થાત્ “આ પાત્ર છે તેવી બુદ્ધિથી તેને દાન આપે તો કર્મબંધ થાય; જેમ કે કોઈ સાધુના વેશમાં હોય અને ભગવાનના વચનથી સ્પષ્ટ વિપરીત પ્રવૃત્તિ દેખાતી હોય, આમ છતાં સાધુનો વેશ છે માટે સુપાત્ર છે તેવી બુદ્ધિ કરીને તેને દાન આપે, તો નક્કી કર્મબંધ થાય, એ પ્રકારનો ભગવતીસૂત્રનો આશય છે. પરંતુ પોતાને ત્યાં સાધુ વહોરવા આવેલ છે અને આચારમાં શિથિલ છે, એવું જ્ઞાન હોવા છતાં, સ્પષ્ટરૂપે દેખાતા તે અપાત્રમાં પાત્રબુદ્ધિ કર્યા વગર દાન આપે તો પાપબંધ નથી.
વળી, અન્યદર્શનના સાધુ આવ્યા હોય અને પાત્રબુદ્ધિ વગર દાન આપે તોપણ કર્મબંધ નથી. જો એવું ન માનવામાં આવે, પરંતુ એવું માનવામાં આવે કે અપાત્રને દાન આપવાથી એકાંતે કર્મબંધ થાય છે, માટે અપાત્રને દાન અપાય નહીં, તો દાનધર્મનો સંકોચ થાય; અને દાનધર્મનો આવો સંકોચ જોઈને લોકોને થાય કે ભગવાનનું શાસન લોકોને દાન આપવાનો પણ નિષેધ કરે છે, માટે આ શાસન આપ્તપ્રણીત નથી, આવો પરિણામ મધ્યસ્થ વિચારકને થાય. તેથી આ પ્રકારના દાનધર્મના સંકોચના કારણે લોકોમાં મિથ્યાત્વમોહનીયનો જનક એવો પ્રવચનનો ઉદ્દાહ થાય. માટે પાત્રબુદ્ધિ વગર અપાત્રને પણ દાન આપવામાં ભગવતીસૂત્રમાં નિષેધ નથી.
ગાથા-૭૫માં “યથાથી ગીતાર્થની શુદ્ધ દેશના કેવી હોય તે બતાવવાનું શરૂ કર્યું, તે અહીં પૂર્ણ થાય છે. તે બતાવવા માટે ગાથા-૮૧ ના ચોથા પાદમાં કહે છે
આ પ્રકારની આ દેશના શુદ્ધ છે અર્થાત ગાથા-૭૫ થી અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારની દાનવિષયક દેશના શુદ્ધ છે; અને ગીતાર્થો શુદ્ધ દેશના કરી શકે છે, માટે ગીતાર્થ સિવાય અન્ય સાધુને દેશના આપવાનો અધિકાર નથી, એ પ્રકારનો ગાથા-૭૪ સાથે સંબંધ છે. ૮૦-૮૧| અવતરણિકા :
ગાથા-૭૪ માં કહ્યું કે ભાષાના સાવદ્ય-નિરવદ્ય સ્વરૂપને જે જાણતા નથી તેમને ઉપદેશ આપવાનો અધિકાર નથી. ત્યારપછી ગાથા-૭૫ થી ૮૧ સુધી દાનના દષ્ટાંતથી સમજાવ્યું કે ગીતાર્થ સિવાય અન્ય સાધુ દાનના વિષયમાં ઉચિત નિર્ણય કરી શકે નહીં, છતાં દાનની પ્રશંસા કરે કે દાનનો નિષેધ કરે, બન્ને રીતે તેને કર્મબંધની પ્રાપ્તિ થાય, પરંતુ ગીતાર્થ સાધુ દાનની પ્રશંસા કે દાનનો નિષેધ ઉચિત સ્થાને કરી શકે છે. તે રીતે શીલ આદિ વિષયોમાં પણ ગીતાર્થ સાધુ ઉચિત ઉપદેશ આપી શકે છે, અગીતાર્થ નહીં, તે બતાવવા માટે કહે છે –
ગાથા :
इयरेसु वि विसएसु, भासागुणदोसजाणओ एवं । भासइ सव्वं सम्मं, जह भणिअं खीणदोसेहिं ॥८२॥