________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૮૫
૧૧૩
ભાવાર્થ:- સૂત્રમાં વિહિત નથી અને પ્રતિષિદ્ધ નથી, લોકોમાં ચિરરૂઢ છે, તેને સ્વમતિવિકલ્પ દોષથી ગીતાર્થો દૂષિત કરતા નથી :
પ્રસ્તુત ગાથાનો સંબંધ પૂર્વ ગાથા સાથે આ રીતે છે
પ્રસ્તુત ગાથામાં કહ્યું કે ગીતાર્થો સૂત્રમાં જે વિહિત નથી, પ્રતિષિદ્ધ નથી અને લોકોમાં ચિરરૂઢ છે તે પદાર્થને સ્વમતિવિકલ્પ દોષથી દુષિત કરતા નથી. આથી એ ફલિત થયું કે શાસ્ત્ર જાણનારા એવા મધ્યસ્થ સાધુ સ્વચ્છજ રીતે બોલતા નથી; કેમ કે લોકમાં જે ચિરરૂઢ છે તે કદાચ સુવિહિતોની પરંપરાથી આવેલું હોય કે કદાચ પાસસ્થાની પરંપરાથી પણ આવેલું હોય. જ્યાં સુધી લોકમાં ચાલતી પ્રવૃત્તિ સુવિહિત એવા ગીતાર્થથી પ્રવૃત્ત નથી એવો નિર્ણય ન થાય, ત્યાં સુધી તેને ગીતાર્થો પણ દૂષિત કરે નહિ; અને જો શાસ્ત્રના જાણનારા ગીતાર્થો લોકમાં ચાલી આવતી પ્રવૃત્તિ, સુવિહિત સાધુની પ્રવૃત્તિ છે કે પાસસ્થાની પ્રવૃત્તિ છે, એવો નિર્ણય ન કરી શકે ત્યાં સુધી તે પ્રવૃત્તિને દૂષિત ન કરે તો તેમનામાં મધ્યસ્થતા રહી શકે છે, અન્યથા નહિ; કેમ કે મધ્યસ્થ સાધુ રાગ-દ્વેષને પરવશ થયા વિના સર્વજ્ઞના વચન અનુસાર નિર્ણિત પદાર્થ જ કહે છે. જો સ્વમતિ પ્રમાણે અનિર્ણિત પદાર્થની પ્રરૂપણા કરે તો સમભાવરૂપ મધ્યસ્થભાવ રહેતો નથી અને તીર્થકરોની આશાતના થાય છે. તેથી કોઈક સ્થાનમાં નિર્ણય ન થઈ શકતો હોય, છતાં સ્વમતિ પ્રમાણે પ્રરૂપણા કરે તો શાસ્ત્રના જાણકાર પણ સાધુ મધ્યસ્થ નથી, તેથી સમ્યગુ દેશના આપી શકતા નથી.
અહીં ભગવતીસૂત્રના ઉદ્ધરણનો અર્થ એ છે કે જે સાધુ ઘણાં શાસ્ત્રો ભણ્યા હોય, આમ છતાં કોઈ અર્થ અજ્ઞાત હોય તેને ઘણા લોક વચ્ચે કહે તો તે દોષરૂપ છે. તેવી રીતે કોઈ પદાર્થને સાધવા માટે હેતુ અજ્ઞાત હોય અને તે હેતુથી તે પદાર્થને સાધે તો તે પણ દોષરૂપ છે. વળી, શાસ્ત્રમાં ક્યાંય કથન ન હોય તેવો અજ્ઞાત પ્રશ્ન ઊભો કરીને લોકોની બુદ્ધિમાં વ્યામોહ કરાવે, કે અજ્ઞાત ઉત્તર આપીને લોકોની બુદ્ધિમાં વ્યામોહ પેદા કરાવે, તો તે સાધુ તીર્થકરની, તીર્થંકરના બતાવેલા ધર્મની, કેવલીની અને કેવલીએ બતાવેલા ધર્મની આશાતના કરે છે.
જેમ હેતુ આદિથી પદાર્થ અજ્ઞાત હોય તો તેની પ્રરૂપણા કરવી ઉચિત નથી, તેમ કોઈ પદાર્થ જ્ઞાનવિશેષથી અદષ્ટ હોય તો તેવા અદૃષ્ટ પદાર્થની પણ પ્રરૂપણા કરવી ઉચિત નથી. વળી, જેમ અજ્ઞાત અને અદષ્ટ પદાર્થ કહેવો ઉચિત નથી, તેમ ગીતાર્થ આદિ પાસેથી સાંભળેલો ન હોય તેવો અર્થ પણ કહેવો ઉચિત નથી; પરન્તુ પોતાને જેનું અજ્ઞાન હોય અને પોતાની પાસે અતીન્દ્રિય જ્ઞાન ન હોવાથી તેવો અર્થ જોયેલો ન હોય, આમ છતાં સુવિદિત ગીતાર્થ પાસેથી તેનો અર્થ જાણ્યો હોય, તો કહેવામાં દોષ નથી; તે બતાવવા માટે “અશ્રુત' વિશેષણ આપેલ છે. કદાચ પોતે ગીતાર્થ પાસેથી સાંભળેલું હોય, આમ છતાં તે અર્થનું યથાર્થ પરિજ્ઞાન ન થયું હોય, તો તેવા અપરિજ્ઞાત પદાર્થને પણ ઘણા લોકોમાં કહેવાનો નિષેધ છે. અહીં ઘણા લોક કહેવાથી એ અર્થ પ્રાપ્ત થાય કે ગીતાર્થ પણ કોઈ અજ્ઞાત અર્થની સંભાવના દેખાતી હોય તો અન્ય ગીતાર્થ પાસે યોગ્ય નિર્ણય કરવા માટે તેમને કહે તો દોષ નથી, પણ પર્ષદા આદિમાં ઘણા લોકની આગળ તેવી પ્રરૂપણા કરે તો તીર્થકર આદિની આશાતના થાય. ૮પા