________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૫૯
'कम्मबंधाय' कर्मबन्धनिमित्तं-कर्मबन्धहेतवः, केषाम् ? 'अयतानाम्' अयत्नपराणां पुरुषाणां, त एव ईर्यापथाद्या व्यापारा 'यतानां' यत्नवतां 'निर्वाणगमनाय' मोक्षगमनाय भवन्ति ॥ (ओघनि. પ. ૫) ભાવાર્થ :
અયતનાવાળા જીવોને ગમન આદિ ચેષ્ટા કે વાણીની ચેષ્ટા કે મનની ચેષ્ટા, કર્મબંધ માટે થાય છે, અને યતનાવાળા જીવોને તે જ ગમન આદિ ચેષ્ટા મોક્ષનું કારણ બને છે. આશય એ છે કે જીવને માટે ઉચિત પ્રવૃત્તિ મોક્ષનું કારણ છે અને અનુચિત પ્રવૃત્તિ કર્મબંધનું કારણ છે. ઉચિત પ્રવૃત્તિ એ છે કે પોતાની ભૂમિકા પ્રમાણે રાગાદિને વશ થયા વગર કોઈના અહિતનું કારણ ન બને તે રીતે મનવચન-કાયાની પ્રવૃત્તિ કરવી. તેથી એ પ્રાપ્ત થાય કે સાધુ ઉપદ્રવવાળા માર્ગને છોડીને નિરુપદ્રવ માર્ગમાંથી જાય છે ત્યારે, રાગાદિથી આકુળ થયા વગર સમભાવની વૃદ્ધિના ઉપાયભૂત યતનાપૂર્વક ગમન કરતા હોય છે, તેથી તેમની તે ગમનની ક્રિયા સમભાવની વૃદ્ધિનું કારણ હોવાથી મોક્ષનું કારણ બને છે. વળી, સંસારી જીવો ઉપદ્રવ વાળા માર્ગને છોડીને તે જ પ્રકારના નિરુપદ્રવ માર્ગમાંથી જતા હોય ત્યારે, તેઓની તે ગમનની ક્રિયા સંસારના કોઈક આશયથી અયતનાપૂર્વક પ્રવર્તતી હોય છે, તેથી કર્મબંધનું કારણ બને છે.
અહીં યતના શબ્દથી બહિરંગ અને અંતરંગ યતના ગ્રહણ કરવાની છે. તેથી એ પ્રાપ્ત થાય કે સાધુ ગમન કરતા હોય ત્યારે કોઈ જીવને લેશ પણ પીડા ન થાય તઅર્થે અત્યંત ઉપયોગપૂર્વક ઇર્યાસમિતિમાં યત્ન કરે છે જે બહિરંગ યતના છે, અને ગમનક્રિયા સંયમવૃદ્ધિનું કારણ બને તે રીતે કરે છે તે અંતરંગ યતના છે. જો સંયમવૃદ્ધિનું કારણ ન હોય તેવી ગમન આદિ ક્રિયા સાધુ કરતા હોય, અને ઇર્યાસમિતિમાં સુદઢ યત્ન હોય, તોપણ તે ક્રિયા અંતરંગ યતનાવાળી નહીં હોવાથી કર્મબંધનું કારણ છે.
તે રીતે સાધુ કોઈ વચનપ્રયોગ કરતા હોય ત્યારે, કોઈ જીવની હિંસા ન થાય તે અર્થે “મુહપત્તિનો ઉપયોગ રાખીને બોલતા હોય, અને પોતાનું વચન કોઈને પણ પીડાકારક ન થાય તેવું બોલતા હોય, તે બહિરંગ યતના છે; અને સ્વ-પરના હિતના પરિણામને લક્ષ્ય કરીને સંયમવૃદ્ધિનું કારણ બને તે રીતે ઉપયુક્ત થઈને વચનપ્રયોગ કરે, તે અંતરંગ યતના છે. જો વચનપ્રયોગમાં સંયમને અનુકૂળ અંતરંગ યતના ન હોય, અને માત્ર બાહ્ય રીતે કોઈ જીવની હિંસા ન થાય તેના માટે વચનપ્રયોગકાળમાં મુખવસ્ત્રિકા રાખીને બોલે, અને વચન પણ કોઈને પીડાકારક ન હોય તેવાં નિરવદ્ય વચન બોલે, તોપણ અંતરંગ યતના ન હોય તો કર્મબંધની પ્રાપ્તિ થાય છે. જેમ કોઈ સાધુ ઉપદેશની ક્રિયા કરતા હોય, અને ભગવાનના વચન પ્રમાણે જ પદાર્થ સમજાવતા હોય, તેથી તે વચનપ્રયોગો સાવધરૂપે નથી; આમ છતાં અંતરંગ રીતે માનાદિ કષાયને વશ થઈને તે ઉપદેશની પ્રવૃત્તિ કરતા હોય, તો તે વચનપ્રયોગથી પણ કર્મબંધ થાય છે, કેમ કે બહિરંગ યતના હોવા છતાં અંતરંગ યતના નથી.
તે રીતે સાધુ સંયમની કોઈપણ ક્રિયા કરતાં પૂર્વે વિધિનું સ્મરણ કરે, અને તે વિધિના સ્મરણપૂર્વક વાચિક અને કાયિક ક્રિયામાં યત્ન કરે, અને તે વિધિ અનુસાર તેમાં માનસયત્ન કરે, તો તે મનોયોગના