________________
૯૪
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૭૦
ગાથાર્થ :
સુપરિચિત આગમઅર્થવાળા, દેશના જેને આપવાની છે તે પાત્રને જાણનારા, સુંદર ગુરુથી દેશના માટે અનુજ્ઞા અપાયેલા, મધ્યસ્થ, હિતના કાંક્ષી શ્રોતાના હિતના કાંક્ષી, સુવિશુદ્ધ દેશનાને કરે છે. lol
ભાવાર્થ :- ઉત્તમશ્રદ્ધાનું ત્રીજું કાર્ય વિશુદ્ધ દેશના કેવા સાધુ કરે, તે બતાવવા અર્થે વિશુદ્ધ દેશના કરનાર સાધુનાં પાંચ વિશેષણો બતાવે છે.
(i) સુપરિચિત આગમઅર્થવાળાઃ જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા ગ્રહણ કરીને સુપરિચિત આગમઅર્થવાળા છે તેઓ દેશનાના અધિકારી છે. તે સાધુ સિવાયના અન્ય સાધુ દેશના આપે તો અનધિકારી પ્રવૃત્તિ હોવાથી તેમની દેશના સુદેશના બની શકે નહિ.
(i) દેશના જેને આપવાની છે તે પાત્રને જાણનારા દેશના માટે જેમ આગમના અર્થોનો પરિચય આવશ્યક છે તેમ જેને ઉપદેશ આપવાનો છે તે પાત્ર કેવું છે તેનો પણ બોધ આવશ્યક છે, જેથી તેની ભૂમિકા પ્રમાણે ઉચિત ઉપદેશ આપવાથી ભગવાનના શાસનના પરમાર્થને સ્વભૂમિકા પ્રમાણે તે પ્રાપ્ત કરી શકે. પાત્રનો બોધ ન હોય તો શાસ્ત્રના પદાર્થોનો પણ અસ્થાને વિનિયોગ થવાથી શ્રોતાના હિતને બદલે અહિતનું પણ કારણ બને અથવા તેની યોગ્યતા અનુસાર ઉપદેશ નહિ હોવાથી તેના ઉપર ઉપકાર થાય નહિ. તેથી પાત્રનો જેને બોધ નથી તે સાધુ દેશના માટે અધિકારી નથી. -
(i) સુંદર ગુરુથી દેશના માટે અનુજ્ઞા અપાયેલા ઃ દેશના આપવા માટે જેમ આગમઅર્થનો બોધ આવશ્યક છે, પાત્રનો બોધ આવશ્યક છે, તેમ દેશના આપવા માટે ઉત્તમ ગુરુની અનુજ્ઞા પણ આવશ્યક છે, અને જ્યાં સુધી અનુજ્ઞા ન મળે ત્યાં સુધી તે સાધુ દેશના આપવા માટે અધિકારી નથી.
જેમ કે વજસ્વામી બાલ્યવયમાં જ શાસ્ત્રના ગંભીર પદાર્થો સમજાવી શકે તેવા હતા. તેમની તે પરિસ્થિતિનો બોધ સહવર્તી સાધુઓને થાય છે ત્યારે તેઓ ગુરુને કહે છે કે “અમારા આ વાચનાચાર્ય થાઓ.” ત્યારે ગુરુએ કહ્યું કે “અત્યારે નહિ, ઉચિતકાળે આ તમારા વાચનાચાર્ય થશે.” તેથી જ્યાં સુધી ગુરુએ તેમને અનુજ્ઞા આપી નથી ત્યાં સુધી સમર્થ એવા વજસ્વામી પણ વાચના માટે અધિકારી બન્યા ન હતા. તેમ ઉત્તમ ગુરુની અનુજ્ઞા મળ્યા પછી સાધુને દેશના આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.
(iv) મધ્યસ્થ : વળી, “સર્વજ્ઞના વચનને મારે યથાર્થ કહેવા છે” તેવા મધ્યસ્થ પરિણતિવાળા સાધુ ઉપદેશ આપવા માટે અધિકારી છે. જે ઉપદેશક શાસ્ત્રના પરમાર્થોને જાણતા હોય છતાં કોઈ સ્થાનમાં પોતાનો નિર્ણય સ્પષ્ટ ન હોય તો અનિર્ણિત પદાર્થને સ્વચ્છંદપણે શીધ્ર બોલતા નથી પરંતુ મધ્યસ્થભાવ રાખે છે, અને કોઈ પૂછે તોપણ કહે કે તત્ત્વ બહુશ્રુત જાણે. આવા મધ્યસ્થ ભાવ રાખનારા સાધુ પદાર્થ શાસ્ત્રવચનથી જે પ્રમાણે તેમને દેખાતો હોય તે પ્રમાણે જ કહે છે, અને જે મધ્યસ્થ નથી તેઓ પોતાની હીનતા ન દેખાય તઅર્થે પણ યથાતથા કહે છે અથવા વિચાર્યા વગર પણ શીધ્ર બોલે છે.