________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા ઃ ૭૧-૭૨-૭૩
૯૭
દાન કરીને પણ તેઓનો વિનાશ કરે છે. આવા સાધુ બાહ્ય આચાર સારી રીતે પાળતા હોય તોપણ તેમનામાં વિરતિનો પરિણામ નથી. તેથી તેવા સાધુના ઉપદેશમાં લોકોના રંજનની કલા છે, અને ઘણા જીવોની બુદ્ધિમાં વ્યામોહ કરે તેવી આદેયતા છે લોકમાં ગ્રાહ્યતા છે. આથી આવા સાધુ નિઃશંકપણાથી ઉપદેશ આપવારૂપ અસદ્ પ્રવૃત્તિ કરીને શાસ્ત્રોનો વિનાશ કરે છે. માટે આવા ગુરુ આશ્રય કરવા યોગ્ય નથી, પરંતુ ગાથા-૭૦માં બતાવેલા ગુણોવાળા ગુરુનું આશ્રયણ કરવું એ જ શ્રેય છે.
અહીં વિશેષ એ છે કે જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી ઉચિત વિધિપૂર્વક શાસ્ત્રના પરમાર્થનો બોધ કરી શકે એ પ્રકારે શાસ્ત્રો ભણ્યા નથી, છતાં ઉપર ઉપરથી ઘણાં શાસ્ત્રો ભણેલા હોય તેથી આ સાધુ બહુશ્રુત છે તેવું લોકોને જણાય, પરંતુ પરમાર્થથી બહુશ્રુત નથી, તેવા સાધુ ત્રણ પ્રકારના જીવોને સારા ઉપદેશક તરીકે સંમત થાય છે.
(૧) જે લોકો તત્ત્વના અર્થ નથી પણ સંસારના રસિયા છે, તેવા જીવોને આવા સાધુ પાસેથી પોતાને ઉપયોગી એવાં ઘણાં વચનો મળતાં હોવાથી તે લોકો તેવા ઉપદેશક પાસે આવતા હોય છે.
(૨) વળી, કેટલાક જીવો ગતાનુગતિક પ્રવાહમાં પડેલા હોય છે. આવા જીવો સ્વપ્રજ્ઞાથી કોની પાસેથી તત્ત્વ મેળવવું તેવો વિચાર કરતા નથી, પરંતુ લોકોનાં ટોળાંને જોઈને, ઘણા લોકો આ મહાત્મા પાસે આવે છે માટે આ મહાત્મા શાસ્ત્રને જાણનારા છે તેમ માનીને તેમને બહુશ્રુત તરીકે સ્વીકારે છે, પરંતુ સૂર્મપ્રજ્ઞાથી તત્ત્વને જોઈ શકતા નથી. તેથી ઔદંપર્યાર્થને નહિ જાણનારા એવા બહુશ્રુત આચાર્ય તેવા લોકોને ઉપદેશક તરીકે સંમત છે.
(૩) વળી, કેટલાક જીવો બાહ્ય આડંબરના દર્શન માત્રથી વિસ્મય પામે તેવી મુગ્ધમતિવાળા છે. તેથી ઘણા લોકો અને ઘણા શિષ્યોના પરિવારને જોઈને, આ આચાર્ય તત્ત્વને બતાવનારા છે તેમ માને છે અને તેમના ભક્ત બને છે.
આવા ઉપદેશકો ઉપદેશની છટાના બળથી ઘણા શિષ્યોને પણ પ્રાપ્ત કરે તેથી ઘણા શિષ્યોના પરિવારવાળા પણ હોય, છતાં પ્રવચનના પરમાર્થને નહિ જાણનારા હોવાથી તેઓમાં શાસ્ત્રના ઔદંપર્ધાર્થનું જ્ઞાન નથી. તેઓ વિરતિની પરિણતિ વગરના છે અને શાસ્ત્રવિરુદ્ધ એવી ઉપદેશની પ્રવૃત્તિ અને શિષ્ય બનાવવાની પ્રવૃત્તિ કરે છે. તેઓની પાસે જ્ઞાન-ક્રિયારૂપ મોક્ષમાર્ગ નથી અને ઉપદેશ આપે છે. તેથી તેઓ સિદ્ધાન્તના પ્રત્યેનીક છે, તેઓમાં જેમ જેમ બાહ્યશક્તિ વધારે તેમ તેમ ભગવાનના શાસનના નાશના તેઓ પ્રબળ કારણ છે, તેથી સિદ્ધાન્તના મહાશત્રુ છે. માટે વિચારકે આવા ગુરુનો આશ્રય કરવો જોઈએ નહિ, પરંતુ ગાથા-૭૦માં બતાવ્યા તેવા ગુણવાન ગુરુનો આશ્રય કરવો જોઈએ. ૭૧-૭રા અવતરણિકા -
ગાથા-૭૧-૭૨માં સ્થાપન કર્યું એ રીતે, જે સાધુ શાસ્ત્રના અર્થોને સમ્યગુ જોડી શકતા નથી તે સાધુ ઘણાં શાસ્ત્રો ભણેલા હોય અને ઘણા શિષ્યોના પરિવારવાળા હોય તોપણ તે સાધુ દેશના માટે અધિકારી નથી, છતાં આવા સાધુ જો દેશના આપતા હોય તો તે ભગવાનના શાસનના શત્રુ છે. તેવી જ રીતે કોઈ સાધુ ઈતરશાસ્ત્રમાં કુશળ હોય પરંતુ સાવદ્ય અને નિરવદ્ય ભાષાના વિવેકને જાણતા ન હોય તોપણ દેશના આપવા માટે અધિકારી નથી, તે બતાવવા કહે છે –