________________
૫૫
રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૪૨-૪૩ છે કે કાલિકશ્રુતમાં સર્વ નયો પલ્લવિત કરવામાં આવે તો કેટલાક જીવો અપરિણતિને કારણે, તો કેટલાક જીવો અતિપરિણતિના કારણે માર્ગનો ત્યાગ કરે, માટે કાલિકશ્રુતમાં નયો ઉતારવાનો નિષેધ કર્યો છે; અને શ્રોતાવિશેષને આશ્રયીને નયો ઉતારવા જેવા જણાય તો પ્રાયઃ નૈગમઆદિ ત્રણ નયો ઉતારવા. આનાથી ઊલટું બોટિક શુદ્ધનયને મુખ્યરૂપે કહે છે, તે તેની ઊંધી રીત છે. જરા
અવતરણિકા :
ગાથા-૩૪ માં કહેલ કે કોઈક પ્રજ્ઞાપનીય સાધુ શાસ્ત્રના વિષયવિભાગમાં મોહ પામે તો, જે દૃષ્ટિથી તે શાસ્ત્રના વિષયવિભાગને યોજે છે, તેનાથી અન્ય દૃષ્ટિના પક્ષપાતને સ્થાપન કરીને સુશીલ ગુરુ તેને યથાર્થ બોધ કરાવે છે. ત્યાર પછી ગાથા-૩૭ માં કહ્યું કે તે પ્રજ્ઞાપનીય સાધુ પણ તે અર્થને તે પ્રકારે જાણે છે. ત્યારપછી કહ્યું કે જો ગુરુ વિસ્તાર કરવાની મતિથી નયોને પલ્લવિત કરે તો શિષ્યનું હિત થતું નથી; કેમ કે જે વિષયવિભાગમાં શિષ્ય મોહ પામ્યો છે, તે શિષ્યને જે દૃષ્ટિનો બોધ છે, તેનાથી અન્ય દૃષ્ટિનો બોધ કરાવવો એ તેના મોહના નિવર્તન માટેનો ઉચિત ઉપાય છે. તેથી સુશીલ ગુરુએ તે શિષ્યને અન્ય દૃષ્ટિમાં પક્ષપાત થાય તેવો ઉપદેશ આપવો જોઈએ. તેના બદલે જો ગુરુ જે સ્થાનમાં શિષ્ય ભ્રમ પામ્યો હોય તેને દૂર કરવાને બદલે નયોનો વિસ્તાર કરે તો શિષ્યનું હિત થાય નહીં. તે કથનને દષ્ટાંતથી સમજાવવા માટે ગાથા-૩૮-૩૯માં યુક્તિ આપી કે આપાતરમ્ય મૂઢનયવાળું બોટિક આદિનું વચન કોઈ પલ્લવિત કરે તો તેનાથી શ્રોતાનું હિત થતું નથી, કેમ કે તેથી શ્રોતાને અતિપરિણતિ કે અપરિણતિ થવાથી અહિત થાય છે, માટે આર્યરક્ષિતસૂરિજીએ કાલિકશ્રુતને મૂઢનયવાળું કર્યું છે. આમ છતાં કાલિકશ્રુતને મૂઢનયવાળું કરવાનો પરમાર્થ શું છે તેનો વિચાર કર્યા વગર ઉપદેશક નયોને પલ્લવિત કરે તો શ્રોતાને ઉપકાર થતો નથી. આ કથન ગાથા-૪૨ સુધી કર્યું તેથી ફલિત થયું કે જેમ બોટિકનું વચન નથી પલ્લવિત કરવું ઉચિત નથી તેમ પ્રજ્ઞાપનીય સાધુ વિષયવિભાગમાં મોહ પામતા હોય તો તેમને બોધ કરાવવા માટે સુગુરુ અન્યતર પક્ષપાત બતાવે તે ઉચિત છે, પણ વિસ્તારની મતિથી બધા દૃષ્ટિકોણો બતાવે તે ઉચિત નથી; કેમ કે તેમ કરવાથી શિષ્યનું હિત થાય નહીં. વળી, બીજું પણ શું કહે છે, જેથી ઉચિત સ્થાને શાસ્ત્રના તત્ત્વને જોડીને પ્રજ્ઞાપનીય સાધુ હિત સાધી શકે? તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
वक्वत्थाइदिसाए, अण्णेसु वि एवमागमत्थेसु । पडिवज्जइ भावत्थं, निउणेणं पन्नविज्जतो ॥४३॥ वाक्यार्थादिदिशा अन्येष्वप्येवमागमार्थेषु । प्रतिपद्यते भावार्थं निपुणेन प्रज्ञाप्यमानः ॥४३।।
* ‘વિ' માં “પિ' થી એ કહેવું છે કે શિષ્યને સૂત્રના વિષયવિભાગમાં મતિમોહ થયો હોય તે સ્થાનમાં તો ગુરુ જે અર્થ બતાવે છે તેમાં તો પ્રજ્ઞાપ્યમાન સુસાધુ ભાવાર્થ પ્રાપ્ત કરે છે, પરંતુ વાક્યર્થ આદિ દિશાથી અન્ય પણ આગમાર્થમાં પ્રજ્ઞાપ્યમાન એવા સુસાધુ ભાવાર્થને પ્રાપ્ત કરે છે.