________________
૪૬
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૩૫-૩૬-૩૭ હોતો નથી. આવા જીવોને ઉચિત બોધ કરાવવા માટે સુસાધુ કેવો ઉપદેશ આપે ? તે કલ્પભાષ્યમાં કહેલું છે. તે આ રીતે
સંવિગ્નથી ભાવિત જે બાળજીવો છે તેઓ સાધુની ભક્તિ કરવી જોઈએ તેવું જાણે છે, અને સંવિગ્નના ઉપદેશને કારણે શુદ્ધ ભિક્ષાને પણ કંઈક જાણે છે, પરંતુ બાળબુદ્ધિ હોવાથી ભિક્ષાશુદ્ધિની ઉપેક્ષા કરીને પણ અશુદ્ધ આપવાનું વલણ તેમને થાય છે
પાસસ્થાથી ભાવિત જે બાળજીવો છે તેઓને પાસત્થા સાધુઓ ઉપદેશ આપે છે ત્યારે એમ કહે છે કે જેમ હરણ પાછળ લુબ્ધક–શિકારી દોડે તેમ સાધુની પાછળ દોડીને તેમને પકડી પકડીને તેમના પાતરા ભરવા એ શ્રાવકનો ધર્મ છે, પરંતુ સાધુને કઈ ભિક્ષા ક૨ે કઈ ભિક્ષા ન કલ્પે તેનો વિચાર શ્રાવકે કરવાનો હોતો નથી. આ પ્રકારે લુબ્ધકદૃષ્ટાંતથી ભાવિત બાળજીવો હોય છે.
આ બન્ને પ્રકારના જીવોને સન્માર્ગનો બોધ કરાવવા અર્થે સુસાધુ, જે તરફ તેઓની મતિ વાસિત છે તેનાથી વિપરીત પ્રત્યે પક્ષપાત પેદા કરાવવા અર્થે, ‘ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને સાધુને અશુદ્ધ ભિક્ષા આપવાનું વિધાન છે’ તેનું કથન કરે નહિ, પરંતુ એ કથનને છોડીને એમ કહે કે ‘જેમ સંયમીની ભક્તિ કરવી એ શ્રાવકનું ઉચિત કર્તવ્ય છે, તેમ તેઓને શુદ્ધ છ=શુદ્ધ ભિક્ષા આપવી એ તેમના સંયમની વૃદ્ધિનું કારણ છે અને તેમ કરવાથી કલ્યાણ થાય.' આ પ્રકારે બાળજીવોની બુદ્ધિને, પોતાના પક્ષપાતથી અન્ય સ્થાનમાં પક્ષપાત પેદા કરાવવા અર્થે સુસાધુ ઉપદેશ આપે, જેથી શુદ્ધ ભિક્ષાનો વિચાર કર્યા વગર અવિવેકપૂર્વક ભિક્ષા આપવાની પરિણતિ તેઓમાં સ્થિર ન થાય. અને આ રીતે શુદ્ધ ભિક્ષા આપવાનો પક્ષપાત થયા પછી યોગ્ય જીવોને ઉચિત કાળે, ક્ષેત્ર-કાળને આશ્રયીને અશુદ્ધ ભિક્ષા આપવાનું કથન પણ સમજાવવું સહેલું બને; પરંતુ જ્યાં સુધી તેઓની અશુદ્ધ ભિક્ષા આપવા પ્રત્યેની મનોવૃત્તિ દૂર ન થાય ત્યાં સુધી શુદ્ધ ભિક્ષા પ્રત્યે પક્ષપાત પેદા થાય તે રીતે વારંવાર ઉપદેશ આપે.
આ પ્રકારના કલ્પભાષ્યના દૃષ્ટાંતથી એ ફલિત થયું કે માર્ગાનુસારી ક્રિયાથી ભાવિત એવા પ્રજ્ઞાપનીય સાધુને પણ જ્યારે વિષયવિભાગના અજ્ઞાનને કારણે કુગ્રહ થાય છે, ત્યારે એ કુગ્રહને દૂર કરવા અર્થે,
તરફ એનું વલણ છે એનાથી અન્યના પક્ષપાતનો ગુરુ ઉપદેશ આપે તો પ્રજ્ઞાપનીય સાધુનું હિત થાય. તેથી સુશીલ ગુરુ તે પ્રકારે બોધ કરાવે. ૩૫-૩૬॥
અવતરણિકા :
ગાથા-૩૪ માં કહ્યું કે માર્ગાનુસારી ક્રિયાથી ભાવિત ચિત્તવાળા ભાવસાધુ પણ શાસ્ત્રના વિષયવિભાગને નહિ જાણતા મોહ પામે છે, ત્યારે તેમને પ્રજ્ઞાપનીય જાણીને સુશીલ ગુરુ બોધ કરાવે છે; અને તે કઈ રીતે બોધ કરાવે તેની સ્પષ્ટતા ગાથા-૩૫ માં કરતાં કહ્યું કે જે દૃષ્ટિથી તે શિષ્ય શાસ્ત્રનો વિષયવિભાગ કરે છે, તેનાથી અન્ય દૃષ્ટિના પક્ષપાતને ગુરુ કહે છે; અને આ પ્રકારે કોઈને ભ્રમ થયો હોય ત્યારે સમ્યગ્બોધ કરાવવા માટે શાસ્ત્રીય મર્યાદા શું છે, તે બતાડવા માટે યુક્તિરૂપે કલ્પભાષ્યની સાક્ષી આપી. હવે સુગુરુના ઉપદેશથી પ્રજ્ઞાપનીય સાધુ અર્થના તાત્પર્યને કઈ રીતે પ્રાપ્ત કરે છે, તે બતાવે છે –