________________
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૩૮-૩૯-૪૦
યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરાવવી તે ઉપદેશકનું પ્રયોજન છે; તેના બદલે ઉપદેશક દિગંબરના તે ગ્રંથને તે તે નયના દૃષ્ટિકોણથી વિશેષિત કરે, અર્થાત્ બોટિકનાં આ વચનો નિશ્ચયનયના છે અને બોટિકનાં આ વચનો વ્યવહારનયનાં છે, તો યોગ્ય જીવને પણ એ ભ્રમ થાય કે આ દૃષ્ટિકોણથી વિચારીએ તો દિગંબરનાં સર્વવચનો પણ ઉચિત છે. પરંતુ તે ઉપદેશકને એ ખ્યાલ નથી કે આર્યરક્ષિતસૂરિજીએ યોગ્ય શ્રોતાને અતિપરિણતિ કે અપરિણતિ ન થાય તેવા આશયથી જ મૂઢનયવાળું સૂત્ર કરેલું છે; એટલું જ નહિ પણ વ્યવહા૨પ્રધાન એવા પ્રથમના ત્રણ નયોથી ઉપદેશની વિધિ કહેલી છે. આમ છતાં, કોઈ ઉપદેશક બોટિકના નિશ્ચયપ્રધાન વચનોને કહેનાર શાસ્ત્રને ગ્રહણ કરીને નયવિભાગ કહે અને જો કોઈ શ્રોતા બુદ્ધિશાળી હોય તો દિગંબરના વચન નયસાપેક્ષ છે તેમ સાંભળીને નિશ્ચયનયના વચનથી પ્રભાવિત થાય, અને નિશ્ચયનયના પક્ષપાતવાળો બને અને વ્યવહારમાર્ગનો ત્યાગ કરે, તો તે શ્રોતાને ઉપદેશકના વચનથી બોટિકના વચનનું તાત્પર્ય અતિપરિણમન પામે, જેના કારણે તેનું અહિત થાય. વળી, જો કોઈ શ્રોતા મંદબુદ્ધિવાળા હોય તો નિશ્ચયનયની વાતો સાંભળીને તેના પરમાર્થને સમજી શકે નહીં, અને ગુરુના ઉપદેશને સાંભળીને તેને થાય કે જો પરમાર્થથી શરીર અને આત્મા જુદા હોય અને ક્રિયા કરવાથી કંઈ આત્મહિત થતું ન હોય, પરંતુ ભેદજ્ઞાનથી આત્મહિત થતું હોય, તો આત્મકલ્યાણ માટે કેવો યત્ન કરવો જોઈએ, તેનો નિર્ણય તે શ્રોતા કરી શકે નહીં. તેથી તે શ્રોતાને ઉપદેશકનાં વચનો અપરિણમન પામે, તેથી તે શ્રોતાનું હિત થાય નહિ.
૫૦
આ પ્રકારે ગુરુનો ઉપદેશ કોઈ શ્રોતાને અતિપરિણમન પામે તો કોઈ શ્રોતાને અપરિણમન પામે તેવી સંભાવનાને સામે રાખીને કાલિકશ્રુતમાં નય ઉતારવાનો નિષેધ કર્યો છે. તેથી ઉપદેશકે સામાન્ય રીતે નય ઉતાર્યા વગર શ્રોતાને ઉચિત પ્રવૃત્તિમાં કારણ બને તેવો ઉપદેશ આપવો જોઈએ. આમ છતાં કોઈ બુદ્ધિમાન શ્રોતા હોય અને વક્તા પણ ઉચિત રીતે નયોને ઉતારી શકે તેવા હોય, તો તેવા શ્રોતા આગળ સમર્થ વક્તાએ પ્રાયઃ કરીને નૈગમ આદિ ત્રણ નયો ઉતારવા જોઈએ, જેથી તે ત્રણ નયોને આશ્રયીને સર્વ વ્યવહાર સંગત થાય. વળી, પાછળના ઋજુસૂત્રાદિ ચાર નયો તો અતિગંભીર છે, જેથી બુદ્ધિમાન શ્રોતા હોય તોપણ ઉપર ઉપરથી તે નયને સમજે, છતાં ઉચિત સ્થાને વિનિયોગ ન કરી શકે તો હિતપ્રવૃત્તિમાં વ્યામોહ પામે. આ વાતને જે વક્તા જાણતા નથી તે વક્તા ઉત્તાનમતિથી શાસ્ત્રીય પદાર્થોને પલ્લવિત કરે પરંતુ તેનાથી શ્રોતાને ઉપકાર થતો નથી. આ પ્રકારે ૩૮-૩૯ એ બે ગાથાઓનું ગાથા-૩૭ સાથે જોડાણ છે. II૩૮-૩૯ના
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે અતિપરિણતિ અને અપરિણતિના ભયને કારણે કાલિકશ્રુતમાં નય ઉતારવાનો નિષેધ કર્યો છે; છતાં કોઈક શ્રોતાવિશેષને આશ્રયીને નયો ઉતારવાથી તેને લાભ થાય તેમ હોય, ત્યારે પ્રાયઃ કરીને નૈગમઆદિ ત્રણ નયો ઉતારવાના કહ્યા છે; અને ગાથાના અંતે કહ્યું કે જે કારણથી કહેવાયું છે, તે કથન ગાથા-૪૦-૪૧માં બતાવે છે
-