________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૫.
શુદ્ધ ચૈતન્યનું સ્મરણ જ નિરંતર ઉપાદેય છે – ઉપાસવા યોગ્ય છે. સ્મરણ ક્યાં સુધી કર્યા કરવું? વિસ્મરણનો અવકાશ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી સ્મરણ સતત કર્યા કરવું. જ્યારે સ્મરણ એની મેળે આપોઆપ જળવાતું થઈ જાય, ત્યાર પછી એ કરવાની આવશ્યકતા નથી.
હે વિચક્ષણ પુરુષ તે જીંદગીને જેટલી જાણી છે એથી તો અનેકગણી એને જાણવી બાકી છે. જીંદગી ખરેખર જ એક રહસ્યનો ભંડાર છે. સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થાય પછી જ જીવનને યથાર્થરૂપમાં સમજી શકવાનું બને છે. જે યથાર્થ રીતે જીંદગીને સમજે છે તે જીવન્મુક્ત બની શકે છે.
આ જીવનમાં જાણ્યા એવા ભોગાદિ તમામ ભાવો એ કાંઈ નવા-નવા જાણ્યા છે એવું નથી. ભૂતકાળમાં અગણિતવાર એવા બધાં સંયોગો જાણ્યા-માણ્યા છે. અગણિત ભ્રાંતિઓ અને ભૂલોનું પુનરાવર્તન પણ અમાપ યુગોથી ચાલ્યું આવ્યું છે – એમાં નવું કાંઈ નથી.
ભ્રાંતિને સમૂળગી ભેદી નાખે એવી ક્રાંતિનો આવિષ્કાર નિગૂઢ અંતરમાંથી થાય તો જ જીવન્મુક્ત થવાનો યોગ બને તેમ છે. કોઈ વિરાટ ક્રાંતિ ન થાય તો બાકીનું બધું તો અનંતવાર થતું જ આવ્યું છે...એનાથી ભવભ્રમણનો અંત આવે એવો નથી.
જીવનની સમગ્ર ભૂલોનું મને સચોટ - સ્વચ્છ – ઝળહળતું ભાન થાય તેમ ઈચ્છું છું. ભૂલોનું ભૂલરૂપે પ્રકાશમયી પરિજ્ઞાન થાય એનું નામ સાચું પ્રતિક્રમણ છે. ભૂલ યથાતથ્ય ભૂલ સ્વરૂપે ભાસી આવવી એ જ એની પરિમાર્જના – પરિશુદ્ધિ છે. ભૂલનું હૃદયદ્રાવક ભાન પ્રગટવું ઘટે.
સદ્ગુરુ સમક્ષ નિવેદન કરીને ભૂલનું પ્રાયશ્ચિત લેવાનો ઉદ્દેશ તો ભૂલનું ભાવિમાં પુનઃ પુનઃ પુનરાવર્તન ન થાય એવી સંકલ્પની સબળતા ખીલવવાનો છે. ભૂલ એવી ભૂંડી ભાસે કે પુનઃ કદિએ કરવાનું મન રહેવા પામે નહીં, તેનું નામ ખરૂં પ્રાયશ્ચિત છે.
પસ્તાવો કરતા પહેલાં તો “આ મારી નિશે ભૂલ જ છે.' - એવું નિશ્ચયાત્મક ભાન પ્રગટવું જોઈએ. વારંવાર ભૂલ કરે એને ભૂલનું ભૂલરૂપે ભાન (અંતર્બોધ) ઉદય પામેલ નથી. ભૂલ જાણે અને એની ભંડપ માલુમ ન થાય; એ અત્યંત ત્યાજ્ય માલૂમ ન પડે, તો ભૂલ જાણી ન કહેવાય.