________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૩
સાધકે આનંદ સંવેદતા પણ લગીરેય આનંદદાતા ઈશ્વરને અર્થાતુ પોતાના આત્મદેવને લગીરેય વિસારવા નહીં. નહિતર આત્મવિસ્મરણના વિપાક એને અચૂક ભોગવવા પડશે. "આત્મસ્મરણ સુખનું મૂળ છે – એનું વિસ્મરણ દુઃખનું મૂળ".
આનંદમાં ગુલતાન થઈ જો સાધક પોતાના શુદ્ધાત્માને વિસરે તો એ અંતર્યામિ અંતર્ધાન થઈ જાય છે. આથી સાધકનું હૃદય ઝૂરવા લાગે છે. અંતર્યામિનો વિરહ એને અસહ્ય પીડા આપે છે. માટે આનંદમાં કદિ આત્મસ્વરૂપ એકપળેય વિસરવું નહીં.
આનંદની હેલી ચઢે ત્યારે પણ એ સભાનતા રહે છે કે, હજું પોતાની હાલત ઘણી અપૂર્ણ છે. પૂર્ણપુરુષ થવા પોતે ઘણી સાધના કરવી હજુ બાકી છે. પુરુષ' કહેતા અહીં “આત્મા' સમજવો. પોતાનું પૂર્ણસ્વરૂપ ખીલવવા-પ્રગટ કરવા સાઘક પ્રતિપળ પ્રતીક્ષાવંત-પિપાસાવંત રહે છે.
આત્મહતમાં પરીપૂરક થાય એવો સંગાથ મળવો એ તો મહાન પુણ્યોદય હોય તો જ સંભવે બને છે. પણ, સાધક – સાચો સાધક બીજાની સહાય પર લેશ નિર્ભર નથી રહેતો. પોતાના પુરુષાર્થનો પ્રાદુર્ભાવ કરી એ સ્વયં નિજાત્માનો સંનિષ્ઠ સાથી બની જાય છે.
પોતાના સ્વભાવ સાથે સંવાદમાં મેળ ખાય એવો તો કલ્યાણમિત્ર ક્યાં મળવાનો હતો ! પણ સ્વભાવમાં રમતા જેને ફાવી ગયું છે એને કોની ઉણપ સતાવે ? પ્રભુ મહાવીર કહે છે કે આત્મા જ આત્માનો પરમમિત્ર છે – અન્ય કોઈ નહીં. તે સાધક, તું જ તારો સન્મિત્ર બન.
સાધનામાં સંવાદિતા, પવિત્રતા અને ગહેરાઈ નથી જણાતી તો સાધક ગમગીન ને ઉદાસ બની કકળે છે. ખૂબ ગમગીન થઈ જ્ઞાનને વધુ સ્વચ્છ પારદર્શક કરવા અંતરમાં વધુ ને વધુ ઊંડો ઉતરે છે. સાધનામાં સંવાદ આવ્યા પછી જ એની જાનમાં જાન આવે છે – પ્રાણ આવે છે.
સાધનામાં સંવાદ પ્રગટાવવા સાઘક ઘણો જ આતુર હોવા છતાં એ કદિપણ કૃત્રિમ જોર કરતો નથી: અધીર કે આથરો થતો નથી: ચિત્તમાં વૃથા ક્ષોભ-ખળભળાટ વધારતો નથી: દષ્ટિ અને જ્ઞાન નિર્મળ થવાની વાટ જુએ છે. હવામાં ઉઠતી એની સ્વાભાવિક પીડા સમભાવે સહે છે.