________________
૨૪
સાધનાપથ અને આત્મજ્ઞાન
નવા સાઘકનું પોતાનું અજ્ઞાન ઘણું છે એટલે તજન્ય પીડા એને વેઠવી જ રહી. સ્પષ્ટબોધ વિના સાધનાપથમાં આગળ પણ કેમ વધવું એ વિમાસણનો વિષય છે. સાચો રાહ મેળવવા આત્માનું દર્દ જાગશે – ભીના હૃદયવાન રહેવાશે, તો કુદરત જરૂરી માર્ગ આપશે જ.
ચૈતન્યના તળમાંથી ગહન દઈ ઉઠવું જોઈએ કે મારૂં ભગવદ્દસ્વરૂપ ક્યાં ને આ ભ્રમણાઓ ગ્રસ્ત ભૂલેલી હાલત ક્યાં? આ વિચાર ઉગતાં જ સૂનમૂન થઈ જવાય એવું છે. પોતાનો પરમાત્મા દ્રવે એવી દર્દમયી આરજૂઓ ગુજારવી ઘટે; તો ખચીત ધીમે ધીમે નવો રાહ મળતો જ રહે છે.
વિરહની વ્યથામાં પણ કેવું ગહન માધુર્ય રહેલું છે ? પ્રેમી પોતાના પાત્ર ખાતર ઝૂરે ત્યારે એ ફૂરણામાં પણ કેવું કાવ્યમયી માધુર્ય હોય છે ? તો આત્મા, કે જેનો સંગાથ લાધ્યા પછી ભાવી અનંતકાળ ટકવાનો છે, એના વિરહની વ્યથા તો કેવી ગહનમધુર ને મહિમામંડીત હોય?
બે પ્રેમી હૃદયો કેવા સંવાદમયી હોય છે ? એ કેવા એક સાથે ધબકતા હોય છે? એમ જ્યારે સાધકની ચેતના, ચૈતન્યની સાથે એકરૂપ થાય છે ત્યારે જે સંગીતનો ઉદ્દભવ થાય છે એ શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. સમગ્ર ચેતના બ્રહ્મલીન થાય ત્યારે અપૂર્વ-ક્રાંતિ ઘટીત થાય છે.
વેદના વિના આત્મવિકાસ નથી. વેદના એવી પરાકાષ્ટાએ પહોંચવી જોઈએ કે સમસ્ત અંત:કરણ વેદનામય બની રહે. ચેતના જ્યારે પીયુમીલન માટે વિલાપ છેડે ત્યારે ધરતી અને ગગન એ વેદનામાં ડૂબી વેદનામય બની ગયા હોય એવું લાગે. ચેતનનું મીલન ત્યારે સંભવ બને છે.
માનવીની ચેતનામાં ઉન્નતીના કેવા કેવા ઊંચામાં ઊંચા શીખરો સર કરવાની ક્ષમતા ગર્ભીત પડી છે? ચેતના ચેતનના સંગમાં રહીને જ એ ગર્ભીત પડેલી અપૂર્વ ક્ષમતાઓ ખીલવી શકે છે... ચૈતન્યથી વિછોડાયેલી ચેતના વિકાસને પામી શકતી નથી. ચેતનનો વિકાસ ચેતનાના સાયુજ્યમાં જ છે.
મસ્તી પણ કેટલીવાર છવાઈ ને માયુસી પણ કેટલીવાર છવાણી ? મસ્તીમાં ચેતના ચેતનદેવને ભૂલી જાય છે ત્યારે એ ઉપેક્ષા સહન ન થતાં ચૈતન્યદેવ રિસાઈને અંતર્ધાન થઈ જાય છે...ફરી માયુસી પથરાય છે, અને વિરહવ્યથા માઝા મૂકે છે ત્યારે ઉભયનું સાયુજય પુનઃ થાય છે.