________________
આ ચોપડી તેને પૂરેપૂરો અનુવાદ નથી. જ્યાં લાગ્યું છે કે, અમુક ભાગ ગુજરાતી વાચકને જરૂરી નથી ત્યાં તે ટૂંકાવ્યો છે. પણ તેમાં નિબંધના પ્રવાહને કે તેના વસ્તુને આંચ આવવા દીધી નથી. પુસ્તકમાં અનેક કલાકારોનાં નામ આવે છે; યુરોપની કલાનો આખો ઇતિહાસ આવે છે. એ બધો વિગતવાર ન સમજનારને પણ આ નિબંધ સમજાય એવી તેની શૈલી છે. જે નામે આવે છે તેને ટેકો પરિચય પરિચય-સૂચિ માં કક્કાવાર આપ્યો છે. તેમને અંગે ટૉલ્સ્ટોય જે કહે છે તે તો વાચક જોશે જ. અંતે સૂચિ પણ આપી છે, તેથી અભ્યાસીને મદદ થશે એવી આશા છે.
છેવટે એક ક્ષમાયાચના :– આ ગ્રંથમાં અનેક નામો આવે છે, જેમનું શુદ્ધ ઉચ્ચારણ શું હશે એ ખબર નથી. તેથી અંગ્રેજી લિપિ પરથી જેવું બેસે તેવું ગુજરાતીમાં ઉતાર્યું છે. આ બરોબર ન હોય એ જાણું છું. તે તે નામધારીઓ–વિદ્યમાન અને સદગત –ની ક્ષમા માગી આ જરા લાંબો થઈ ગયેલો ઉપાઘાત પૂરો કરું છું. ૧૨-૧૨-૪૫
મ. પ્ર. દેસાઈ