________________
૧૮૮
કળા એટલે શું? એટલે તેમને મેં એમ કહેલું યાદ આવે છે કે, તમારું આવું જ્ઞાન ને ભાષણની ઉમદા છટા વાપરી જો તમે પૃથ્વીની રચના ને તેની ગતિઓ ઉપર જ માત્ર ભાષણ આપો, તો કેવું સારું થાય ! એ સમજુ ખગોળશાસ્ત્રીએ હસીને જવાબ આપ્યો, “હા, બહુ સારું થાય; પણ એ બહુ અઘરું પડે. આકાશગંગાના વર્ણપટ ઉપર ભાષણ આપવું એ તેના કરતાં કયાંય સહેલું છે.”
અને કળામાં પણ એમ જ છે. કિલયોપેટ્રાના જમાનાને લગતું પ્રાસબદ્ધ કાવ્ય રચવું, કે રોમ બાળતા નીરોનું ચિત્ર દોરવું, કે બ્રામ્સ યા રીચર્ડ સ્ટ્રોસની પેઠે ‘સિંફની’ યા વૈશ્નરની પેઠે આપેરા રચવાં, એ કામ; અને કોઈ પણ નકામી વિગતો વગર અને છતાં સામાને તેના ભાવો પહોંચે એવી રીતે એકાદ સારી વાત કહેવી, કે જોનારને સ્પર્શી કે રીઝવે જ એવું રેખાચિત્ર પેન્સિલથી દોરવું, કે કશાં સાજ કે સાથ વિના ગાવાની સાદી સ્પષ્ટ સંગીતમય ચાર કડીઓ ઘડવી, કે જે સાંભળીને શ્રોતા ઉપર તેની છાપ પડે ને તેને એ યાદ રહી જાય એ કામ; – આ બેમાં પહેલું બીજાના કરતાં ક્યાંય વધારે સહેલું છે.
આપણા સમયનો કલાકાર કહે છે, કે, “આપણી સંસ્કારિતા જોતાં, એ આદિ દશાએ જવું આપણે માટે અશકય છે. હવે જોસફ કે ઓડેસી જેવી વાતો લખવી, કે મિલોની વીનસ જેવાં પૂતળાં ઘડવાં, કે લોકગીતો જેવી ચીજો રચવી, એ અમારે માટે અસંભવિત છે.”
અને ખરેખર આપણા સમાજ અને આપણા સમયના કલાકારોને માટે એ અશક્ય છે, પણ ભવિષ્યના કલાકારને માટે નહિ; કેમ કે વસ્તુવિષયના અભાવને ઢાંકતા પેલા આયોજન-વિષયક સુધારાની બધી વિકૃતતામાંથી તે મુક્ત હશે, અને તે ધંધાદારી કલાકાર ન હોવાથી ને પોતાની પ્રવૃત્તિને માટે વળતર ન મેળવતો હોવાથી, અંતરમાં ન રોકી શકાય એવી જોરદાર ઊર્મિનો જુસ્સો લાગતાં જ તે કલા સર્જતો હશે.
આ ભવિષ્યની કલા, અત્યારે કલા કહેવાતી વસ્તુથી, તેના વસ્તુવિષય અને બાહ્ય સ્વરૂપમાં, સાવ જુદી પડતી હશે. ભવિષ્યની કલાનો