________________
૨૦૦
કળા એટલે શું? વનસ્પતિ અને પશુ- સૃષ્ટિમાં, ખોરાક ઉત્પન્ન કરવાને માટે એવી પ્રયોગશાળા ગોઠવવામાં આવી છે, કે જેને કોઈ પ્રોફેસરો ટપી ન શકે. અને આ પ્રયોગશાળાનાં ફળ ચાખવા માટે તથા તેમાં ભાગ લેવા માટે માણસે માત્ર એટલું જ કરવાનું છે કે, પોતામાં રહેલી શ્રમ કરવા માટેની સદાય આનંદપ્રદ એવી જે ઊર્મિ,– કે જેના વગર જીવન પીડારૂપ બને છે –તેને વશ વર્તવું જોઈએ. અને જુઓ તો ખરા ! આપણા જમાનાના વિજ્ઞાનીઓ, માણસોને માટે સર્જાયેલી સારી વસ્તુઓ વાપરવામાંથી જે કાંઈ તેમને રોકે તેને નાબૂદ કરવામાં પોતાની બધી શક્તિ લગાડવાને બદલે, જે પરિસ્થિતિ તળે રહેતાં આ બધી પ્રભુની આશિષ સમાન વસ્તુઓથી તેમને વંચિત રખાય છે, તેને જ તે વિજ્ઞાનીઓ અચળ છે એમ સ્વીકારે છે; અને મનુષ્ય આનંદથી કામ કરે ને ધરતીમાતા પાસેથી પોતાનું પોષણ મેળવે તે ઢબે માનવજીવન ગોઠવવાને બદલે, તેઓ એવી પદ્ધતિઓ યોજે છે, કે જે તેને કૃત્રિમ ગર્ભપાતના ફળ જેવો અમાનુષી બનાવે ! આ કાંઈ બંધિયારપણાથી માણસને ખુલ્લી હવામાં આવવાની મદદ કરવાનું ન થયું; પણ તેને બદલે આ તો તેને જોઈતો પ્રાણવાયુ પંપથી ઠાંસવા જેવું ને એવી ગોઠવણ કરવા જેવું થયું કે, પોતાને ઘેર રહેવાને બદલે તે ગૂંગળાવણા કોઈ ભેંયરામાં ભરાઈ રહે !
જો વિજ્ઞાન ખોટે માર્ગે ન ચાલ્યું હોત, તો આવા ખોટા આદર્શો સંભવી ન શકત.
અને છતાં કલાથી વહન થતી લાગણીઓ વિજ્ઞાન પાસેથી મળતા પાયા ઉપર ઊછરે છે– વધે છે.
પરંતુ આવું ઉન્માર્ગે વળેલું વિજ્ઞાન તે વળી કેવીક લાગણીઓ જગવે? વિજ્ઞાનની એક બાજુ મનુષ્યજાતે અત્યાર સુધીમાં વાપરીને ઉતારી કાઢેલી, અને તેથી આપણા જમાના માટે આજે જે ખરાબ અને એકદેશી છે, તેવી જુનવાણી લાગણીઓ જગવે છે. અને તેની બીજી બાજુ એવા વિષયોના અભ્યાસમાં પડી છે, કે જેમને મનુષ્યજીવન ચલાવવાની