________________
૧૯
ઉપસંહાર આપણા જમાનામાં લોકોની ઘણી મોટી સંખ્યાને સારો પૂરતો ખોરાક (તેમ જ રહેઠાણ, કપડાં તથા જીવનની બીજી જરૂરિયાતો ) નથી મળતાં. અને મોટી સંખ્યા પાસે, તેની શક્તિની ઉપરવટ જઈ સખત મજૂરી બળજબરીથી કરાવવામાં આવે છે – જેને પરિણામે તેના હિતને હાનિ પહોંચે છે. માંહોમાંહે ઝઘડો, એશઆરામ, અને અન્યાયી ધનવહેંચણી નાબૂદ કરીને,-ટૂંકમાં કહીએ તે, અસત્ય અને હાનિકારક વ્યવસ્થાનો નાશ કરીને ને સમજભરી માનવજીવનપદ્ધતિ સ્થાપવા દ્વારા આ બેઉ અનિષ્ટો સહેલાઈથી દૂર કરી શકાય. પરંતુ વર્તમાન વ્યવસ્થિતિને વિજ્ઞાન, ગ્રહોની ગતિઓની જેમ, અચળ માને છે; અને તેથી તે એમ ધારી લે છે કે, વિજ્ઞાનનો હેતુ આ વ્યવસ્થાની અસત્યતા સ્પષ્ટ કરી બતાવવાને ને નવો સમજભર્યો જીવનમાર્ગ ગોઠવવાનો નથી, પરંતુ વર્તમાન વ્યવસ્થામાં રહીને, સૌને ખોરાક પૂરો પાડવાનો અને ભ્રષ્ટ જીવન ગાળતા રાજ્યકર્તા વગે આજે જેવા આળસુ રહે છે તેવું સૌને માટે શકય કરવાને છે.
અને આમ કહેતાં એ વાત ભૂલી જવાય છે કે, જાત-મજૂરી વડે ધરતીમાંથી ઉગાડેલાં ધાન, શાકપાંદડું ને ફળફૂલ દ્વારા મળતું પોષણ વધારેમાં વધારે આહલાદક, તંદુરસ્ત, સીધું અને સ્વાભાવિક છે; અને પોતાના સ્નાયુઓને ઉપયોગ, લોહીની એકસવણી માટે જેમ શ્વાસોચ્છવાસ, તેમ જીવનની હયાતીને માટે જરૂરી શરતરૂપ છે.
મિલકત અને મજૂરીની આપણી ખોટી વિભાજણી ચાલુ રાખવી, અને તેની સાથે એવાં સાધનો શોધી કાઢવાં કે જેથી લોકોને રસાયણવિદ્યાથી તૈયાર કરાયેલા ખેરાક વડે બરાબર પોષી શકાય અને કુદરતનાં બળ પાસે તેમને માટે મજૂરી કરાવાય, – આ વસ્તુ એના જેવી છે કે, ખરાબ હવાવાળી બંધ ઓરડીમાં માણસને રાખવો ને પછી તેનાં ફેફસાંમાં પંપથી પ્રાણવાયુ ઠાંસવાનું સાધન શોધી કાઢવું ! જ્યારે તે માણસને માટે જરૂર માત્ર એટલી જ છે કે, તેને બંધ ઓરડીમાં હવે જરા પણ વધારે વાર પૂરેલો રાખવો ન જોઈએ.