________________
ઉપસંહાર
[ કલા અને વિજ્ઞાન ] મને નિકટ એવા કલાના વિષય પરનું મારું આ પુસ્તક યથાશક્તિ મેં પૂરું કર્યું છે. તેમાં મેં મારી સર્વ શક્તિ આપી છે; તેણે મારાં ૧૫ વર્ષ લીધાં છે. આ વિષયે મારાં ૧૫ વર્ષ લીધાં છે એમ કહેવામાં મારો અર્થ એ નથી કે, આ પુસ્તક હું પંદર વર્ષ સુધી લખતો રહ્યો છું, પણ મારે એટલું જ કહેવાનું છે કે, ૧૫ વર્ષ ઉપર મેં કલા ઉપર લખવાનું શરૂ કર્યું ને તે એમ માનીને કે, આ કામ મેં માથે લીધું છે તે વગર અટકયે હું તે પૂરું કરી શકીશ. પરંતુ નીકળ્યું એવું કે, આ વિષય પરના મારા વિચારો એવા તો અસ્પષ્ટ હતા કે, મને સંતોષે એવી રીતે તેમને હું ગોઠવી ન શકયો. ત્યારથી એ વિશે વિચાર કર્યા કરવાનું મારું અટકયું નથી, અને છ સાત વાર મેં એ ફરી ફરી લખવા માંડ્યું, પરંતુ દરેક વેળા, તેનો ઠીક ઠીક ભાગ લખ્યા બાદ, તે કામને સંતોષકારક રીતે પૂરું કરવા હું અશક્ત નીવડયો, ને તેને પડતું જ મૂકવું પડ્યું. હવે તે મેં પૂરું કર્યું છે. અને એ કામ ગમે તેવી ખરાબ રીતે મેં કર્યું હશે, છતાં મને આશા છે કે, આપણા સમાજની કલાએ જે ખોટી દિશા પકડી છે કે જેને તે અનુસરે છે, તે વિષેને, તેના કારણ વિષે, અને કલાના ખરા ધ્યેય વિષેનો મારો મૂળભૂત વિચાર ખરો છે; અને તેથી મારું આ લખાણ નિરુપયોગી નહિ થાય. પરંતુ આમ બને અને કલા તેને ખોટો રસ્તો છોડીને નવી દિશા લે તેને માટે જરૂરનું છે કે, તેના જ જેટલા મહત્ત્વની અને તેને નજીકના સંબંધવાળી એવી જે બીજી આધ્યાત્મ માનવ-પ્રવૃત્તિ વિજ્ઞાન, કે જેના ઉપર કલાનો હમેશ આધાર રહેલો છે, તે પણ, કલાની માફક જે ખોટો રસ્તો અનુસરે છે, તેને છોડી દે.