________________
ખરી કલાની નિશાની - તેની ચેપશક્તિ ૧૩૯ સારુ નહિ, – આવું લાગે તેની સાથે જ કલાકારની આ મનોદશા તેના ભક્તોને ચેપે છે. અને એથી ઊલટું – વાચક, પ્રેક્ષક કે શ્રોતાને લાગે કે, કલાકાર લખે છે કે ગાય-વગાડે છે તે પોતાના આત્મસંતોષ માટે નહિ – એટલે કે, પોતે જે રજૂ કરવા ઇચ્છે છે તેને તે જાતે અનુભવતો નથી, પરંતુ તે મારે માટે કરે છે,– આમ લાગે, તેની સાથે તરત મનમાં વિરોધ ઊછળી આવે છે અને વધારેમાં વધારે વૈયક્તિક ને નવામાં નવી લાગણીઓ ને ચતુરમાં ચતુર આયોજન-યુક્તિઓ કશોય ચેપ ઉપજાવવામાં નિષ્ફળ નીવડે છે એટલું જ નહિ, પણ ખરેખર મનને ઊલટું ત્યાંથી પાછું પાડે છે.
કલાના ચેપ અંગે મેં ત્રણ બાબતો કહી છે, પરંતુ તે બધી છેલ્લી એક પ્રામાણિકતા કે સત્યનિષ્ઠામાં સમાવી દેવાય એમ છે. સત્યનિષ્ઠા એટલે પોતાની લાગણી વ્યક્ત કરવા સારુ કલાકારને આંતરિક આવશ્યકતા અંદરથી પ્રેરતી હોવી જોઈએ. આની અંદર પહેલી બાબત આવી જાય છે; કેમ કે, જો કલાકાર પ્રામાણિક હશે તો જે રીતે તે લાગણી અનુભવશે તેવી જ તેને રજૂ કરશે. અને દરેક માણસ બીજા દરેક જણથી જુદો છે, એટલે તેની લાગણી બીજા દરેકને તેના ખાસ વ્યક્તિત્વવાળી લાગશે. અને જેમ તે વૈયક્તિક વધારે, એટલે કે, જેમ કલાકારે તેને પોતાના સ્વભાવના ઊંડાણમાંથી વધુ કાઢી હોય, તેમને તે વધારે સ્વાનુભવવાળી ને પ્રામાણિક બનશે. અને આ જ પ્રામાણિકતા, કલાકાર જે લાગણી વહન કરવા ઇચ્છે, તેના સ્પષ્ટ નિરૂપણનો માર્ગ શોધવા તેને પ્રેરશે.
તેથી પ્રામાણિકતા કે સત્યનિષ્ઠાની ત્રીજી બાબત ત્રણેમાં સૌથી વધારે મહત્ત્વની છે. ખેડૂત-કળામાં તે હમેશ સચવાયેલી હોય છે; ને તે કળા શાથી એટલી બધી બળપૂર્વક અસર કરે છે તે આના ઉપરથી સમજાય છે. પરંતુ મિથ્યાભિમાન ને લોભલાલચના અંગત હેતુથી પ્રેરાયેલા કલાકારોથી સતત નીપજતી જે આપણા ઉપલા વર્ગોની કળા, તેમાં આ બાબત તદ્દન નથી હોતી.