________________
કળા એટલે શું? કલા માનવજીવનનું આધ્યાત્મિક અંગ કે અવયવ છે, તેનો નાશ ન થઈ શકે. એટલે, જે ધાર્મિક આદર્શથી માનવજાત જીવે છે તેને ઢાંકવાને ઉપલા વર્ગોના લોકો ગમે તેટલા પ્રયત્નો ભલે કરે, છતાં તે આદર્શને માણસો વધુ ને વધુ સ્પષ્ટતાથી ઓળખતા જાય છે, અને આપણા વિકૃત સમાજમાં પણ કલા અને વિજ્ઞાન તેને, અમુક અંશે છતાં, વધારે ને વધારે નિરૂપે છે. સાહિત્ય અને ચિત્રણમાં સાચા ખ્રિસ્તી ભાવથી ભરેલી, ઊંચી જાતની ધાર્મિક- કલાની કૃતિઓ, ચાલુ સૈકામાં વધારે ને વધારે વાર બહાર પડી છે, અને તેમ જ સર્વને સુલભ એવી સર્વસામાન્ય જીવનની સાર્વભૌમ કલાની કૃતિઓમાં પણ થયું છે. એટલે કલા પણ આપણા જમાનાનો સાચો આદર્શ જાણે છે અને તે તરફ વળે છે. એક તરફથી, આપણા સમયની ઉત્તમ કલા કલાકૃતિઓ મનુવ્યોમાં એકતા ને ભ્રાતૃત્વ તરફ પ્રેરતી ધાર્મિક લાગણીઓ વહન કરે છે, (જેમ કે, જુઓ ડિકન્સ, હ્યુગો, ડૉસ્ટોસ્કીની કૃતિઓનું ચિત્રણમાં મિલેટ, બેસ્ટીન, લેપેજ, જૂલ્સ બૅટન, લેરમાઇટ વગેરે); ત્યારે બીજી બાજુએ, ઉપલા વર્ગોને જ સ્વાભાવિક એવી નહિ, પણ નિરપવાદ સૌને એક કરે, એવી લાગણીઓ વહવા તરફ તે કૃતિઓ મથે છે. હજી આવી કૃતિઓ સંખ્યામાં ઓછી છે એ ખરું, પરંતુ એમની જરૂર છે એ ક્યારનું સ્વીકારાયું છે. હમણાં આપણે આમ-લોકોને સારુ પ્રકાશનો, ચિત્રો, જલસા, ને નાટયશાળાઓ માટેના પ્રયત્નો વધતા જતા જોઈએ છીએ. જે કરવું જોઈએ તેનાથી તો આ બધું હજી ઘણુંય દૂર છે, પરંતુ પોતાને પ્રકૃતિસિદ્ધ રસ્તો પાછો મેળવવાને માટે સારી કળા, સહજભાવે પ્રેરાઈને, જે દિશામાં આગળ જવા જોર કરે છે, તે દિશા તો ક્યારની જોઈ શકાય છે.
વૈયક્તિક અને સામુદાયિક બેઉ જાતના જીવનનો હેતુ માનવ જાતનું એક્ય છે, એ સ્વીકારવામાં રહેલી જે આપણા સમયની ધર્મ-પ્રતીતિ કે દર્શન, તે કયારનું ને એટલા પૂરતા પ્રમાણમાં સ્પષ્ટ છે કે, લોકોએ હવે માત્ર પેલો કલાનો જૂઠો સૌંદર્યવાદ જ ફેંકી દેવાનું છે કે, કલાનું