________________
ખરી કળાની ખેટનાં માઠાં ફળ ૧૭૫ આરંભમાં ઉઠાવ્યો છે. સમાજના માત્ર એક નાના જ ભાગની માલકીની વસ્તુ, કે જેને આપણે કલા કહીએ છીએ, તે વસ્તુને માનવ મજૂરીનાં, માનવ જીવનનાં, અને સાધુતા કે સામિાણસાઈનાં જેવાં બલિદાનો આજ અપાય છે, તેવાં અપાવાં જોઈએ? એ શું વાજબી છે?
અને એ પ્રશ્નનો સ્વાભાવિક ઉત્તર મળે છે કે, ના, એ ગેરવાજબી છે, ને આવું બધું ન થવું જોઈએ. પાકી સમજબુદ્ધિ અને અવિકૃત નીતિભાવના પણ આવો જ ઉત્તર આપે છે: આવું બધું ન થવું જોઈએ; આપણામાં કલા કહેવાતી વસ્તુને આવાં બલિદાન ન અપાવાં જોઈએ એટલું જ નહિ, પણ ઊલટું, સાચું જીવન ગાળવા ઇચ્છનારાઓના પ્રયત્નો આ કલાને નાબૂદ કરવા તરફ વળવા જોઈએ. કારણ કે, માનવ જાતના આપણા (યુરોપીય) વિભાગને પજવતાં અનિષ્ટોમાં તે ઘાતકીમાં ઘાતકી એક છે.
એટલે, જો એમ પૂછવામાં આવે કે, આપણા ખ્રિસ્તી જગત પાસે કલા તરીકે કદર પામતું જે બધું અત્યારે છે તે લઈ લેવામાં આવે અને તેથી તેની ખરાબીની સાથે તેમાં જે કાંઈ સારું હોય તે બધું પણ ખોવાનું થાય, તો તે પસંદ કરવા જેવું ખરું? તો, મને લાગે છે કે, દરેક સમજુ ને નીતિમાન માણસ પ્લેટોએ “રિપબ્લિકમાં આપેલો કે માનવજાતના આદિ દેવળધર્મ ને મુસલમાન બધા ધર્મોપદેશકોએ આપેલો નિર્ણય જ ફરી કરશે અને કહેશે, અત્યારે હયાત એવી પાતક કલા કે કલાભાસ ચલાવવાને બદલે તો કલા ભલે તદ્દન જ ન હોય.'
કોઈને આવા પ્રશ્નનો સામનો કરવાનો નથી, એટલે તેને આ કે પેલો ઉકેલ સ્વીકારવાનો નથી, એ સુખની વાત છે. માણસ જે કરી શકે છે, અને આપણે ભણેલા કહેવાતા લોકો, (કે જે એવે પદે છીએ કે, આપણા જીવનની ઘટનાઓને અર્થ સમજવાનું આપણાથી બની શકે એમ છે,) તેવા આપણે જે કરી શકીએ ને કરવું જોઈએ, તે એટલું જ કે, જે ભૂલમાં આપણે ફસાયા છીએ તેને સમજવી, ને તેનાથી આપણાં હૃદયને શૂન્ય કે જડ થવા ન દેવાં, પણ તેમાંથી બચવાને રસ્તો શોધવો.