________________
ખરી કલાની નિશાની – તેની ચેપશક્તિ ૧૩૭ તેથી એવા લોકો કલાનાં નકલિયામાંથી મળતાં મનોરંજનની અને ઉત્તેજનાની લાગણીને કલાની લાગણી સમજવાની ભૂલ કરે છે. આમ છતાં, જોકે રંગ-આંધળા માણસને એવી ખાતરી કરાવવી કે, લીલું તે રાતું નથી એ અસંભવિત છે, તેમ જ આવા લોકોને તેમની પેલી ભૂલની ફસામણીમાંથી કાઢવા એ અસંભવિત છે; છતાં જે લોકની કલાની આકલનશક્તિ વિકૃત નથી થઈ કે બહેર નથી મારી ગઈ, તેમને માટે આ નિશાની પૂરી ચોકસ છે, અને કલાજન્ય લાગણીને બીજી લાગણીઓથી તે ચોખી જુદી બતાવી આપે છે.
(કલાની કસોટીરૂપ) આ લાગણીની ખાસ વિશેષતા એ છે કે, સાચી કલાકીય છાપ પામનારો માણસ તેના કલાકાર સાથે એવો તો એક બને છે કે, તેને એમ લાગે છે કે એ કૃતિ જાણે પોતાની હોય, પારકાની નહિ; જાણે કે, તે જે વ્યક્ત કરે છે તેને પોતે વ્યક્ત કરવા લાંબા વખતથી ન માગતો હોય ! ખરી કલાકૃતિ તેના ભક્તાના ચિત્તમાંથી તેની અને તેના કર્તાની વચ્ચેની જ નહિ, પણ તેની અને એ કૃતિને માણનારાં બીજાં બધાંની વચ્ચેની પણ જુદાઈને નાબૂદ કરે છે. આમ જે કલા આપણા વિશેષ વ્યક્તિત્વને – આપણા એક અલગ જીવને તેની જુદાઈ અને એકલતામાંથી મુક્ત કરે છે અને બીજા સાથે એકરસ કરે છે, તેમાં કલાનું ખાસ લક્ષણ અને તેની મહાન આકર્ષણશક્તિ રહેલાં છે.
કર્તાના અંતરાત્માની સ્થિતિથી જો સામો માણસ ચેપાય, તે જો બીજા જોડે આવી ઊર્મિ અને આવું આત્મક્ય અનુભવે, તો આવી અસર કરનારી વસ્તુ કળા છે. પરંતુ આવી કશી ચેપશક્તિ ન હોય, કર્તા તથા કૃતિના સહાનુભવી બીજા જોડે જો આવું કોઈ આત્મકય ન થાય, તો તે કલા નથી. અને આ પ્રકારનું ચેપીપણું કલાની સચોટ નિશાની છે એટલું જ નહિ, પણ તેની ઓછીવત્તી માત્રા કલાની ઉત્તમતાનું પણ એકમાત્ર માપ કે ગજ છે.