________________
નવી કળાનું નકલીપણું કારના અંતરાત્મામાં તેણે સહજ સ્વયં સ્ફરવું પડે છે. તેથી કરીને ઉપલા વર્ગોની કલાની માગને સંતોષવા સારુ, કલાકારોએ કલાની નકલો પેદા કરવાની રીતે યોજવી પડી છે. અને આવી રીતે યોજવામાં આવી છે.
તેવી યોજાયેલી રીતો નીચે પ્રમાણે છે:- (૧) ઉછીનું લેવું, (૨) અનુકરણ કરવું, (૩) અસર પાડી દે એવી ભભક કે ચમત્કૃતિ આણવી, અને (૪) રસ પડે એમ કરવું.
પહેલી પદ્ધતિમાં એ રહેલું છે કે, સૌ કોઈએ કાવ્યમય માનેલી એવી પૂર્વની કૃતિઓમાંથી આખા ને આખા વિષયો કે માત્ર છૂટક આકર્ષક ભાગ લેવા અને તેમાં પરચૂરણ ઉમેરા કરી તેમને ફરી એવી રીતે ઘડવા કે, તેમાં નવીનતાનો આભાસ આવે.
આવી કૃતિઓ, અમુક વર્ગના લોકોમાં, તેમણે પૂર્વે અનુભવેલી કલાકીય લાગણીઓની સ્મૃતિઓ જગવે છે, અને એ રીતે કળાને મળતી છાપ ઉત્પન્ન કરે છે; અને જો તે કૃતિઓ બીજી કેટલીક જરૂરી શરતો સાચવે, તો કળામાંથી મજા મેળવવાનું તાકતા લોકોમાં તેવી કૃતિઓ કળા તરીકે ખપી જાય છે. પૂર્વની કલાકૃતિઓમાંથી લીધેલા વિષયો સામાન્યત: કાવ્યમય વિષયો કહેવાય છે; આમ ઉપાડાયેલાં વસ્તુઓ અને પાત્રો કાવ્ય-કે-કલામય વસ્તુઓ ને પાત્રો કહેવાય છે. જેમ કે, આપણા મંડળમાં, બધી જાતની પુરાણકથાઓ, મધ્યયુગની વીરકથાઓ અને પ્રાચીન પ્રણાલીઓ કાવ્યમય વિષયો ગણાય છે. અને કાવ્યમય કે કલામય વસ્તુઓ તથા પાત્રોમાં આપણે કુમારીઓ, યોદ્ધાઓ, ભરવાડો, યતિમુનિઓ, દેવદૂત, બધી જાતનાં ભૂતો, ચાંદની, મેઘગર્જના, પર્વત, સમુદ્ર, ગિરિ-કરાડ, ફૂલો, લાંબા કેશ, સિહો, ઘેટાં, કબૂતરો, ને બુલબુલ કોયલો – આ બધાંને ગણીએ છીએ. સામાન્યપણે કહેતાં, પૂર્વના કલાકારોએ પોતાની કૃતિઓમાં વારંવાર જે વસ્તુઓને વાપરી હોય, તે બધીય કાવ્ય-કે-કલા-મય ગણાય છે.