________________
નવી કળાનું નકલીપણું ત્યારે આજે ધોધમાર ઝીંકાયે જતાં પેલાં ગ્રીક જગતમાંથી, પ્રાચીન ખ્રિસ્તી કે પૌરાણિક જગતમાંથી ઉઠાવેલાં કલાનાં “ઉછીતિયાં” આપણને મળે છે, કે જેમને બધાંને આજે લોકો ખાસ કરીને કલાકૃતિઓ તરીકે સ્વીકારે છે; માત્ર તેમાં પોતે લીધેલા ભાગોને, પોતાની ખાસ કળાના આયોજનતંત્રની મદદથી, બરોબર ઉઠાવદાર બને એમ ગોઠવ્યા એટલે થયું !
કાવ્યક્ષેત્રમાં કલાની આવી બનાવટોનું લાક્ષણિક દૃષ્ટાંત જોઈએ તો રૉસ્ટેન્ડનું “પ્રિન્સેસ લૉઇન્ટન’ લો; તેમાં કળાની જરા સરખી ચમક નથી, પરંતુ ઘણા લોકોને, અને તેના લેખકનેય કદાચ, તે બહુ કાવ્યમય લાગે છે!
કલાનો આભાસ આપવાની બીજી પદ્ધતિને મેં અનુકરણ-પદ્ધતિ કહી છે. આ પદ્ધતિનું રહસ્ય વર્ણવેલી કે આલેખેલી વસ્તુની આસપાસની વિગતો ઉમેરી આપવામાં રહેલું છે. સાહિત્ય-કલામાં આ પદ્ધતિ એટલે તેમાં મૂકેલાં પાત્રોનાં બાહ્ય દેખાવો, ચહેરા, કપડાં, ચેષ્ટાઓ, અવાજ, અને રહેઠાણો વિષેની ઝીણામાં ઝીણી વિગતને, જીવનમાં આવતા બધા પ્રસંગોની સાથે વર્ણવવી, દા. ત., નવલ અને વાર્તાઓમાં, કોઈ પાત્ર બોલતું હોય તો તે કેવા અવાજથી અને તે વખતે શું કરતું કરતું બોલ્યું, તે આપણને કહેવામાં આગે છે. અને જે વસ્તુઓ કહેવામાં આવે છે તે એવી રીતે નથી અપાતી કે તેમાંથી શકય એટલો બધો અર્થ નીપજે, પણ જીવનમાં જેવી હોય છે તેમ, સંબંધ વગર ને તૂટક તથા વચ્ચે વચ્ચે છોડી દીધેલાં ગાબડાં સાથે. નાટયકળામાં, તાદૃશ ભાષાના આવા અનુકરણ ઉપરાંત, પ્રત્યક્ષ કે વાસ્તવ જીવનમાં જેવાં હોય તેવાં જ બધાં સાજસામગ્રી અને પાત્રો લાવવાં, તેમાં આ પદ્ધતિ રહેલી છે. ચિત્રકળામાં આ પદ્ધતિ ચિત્રકામને ફોટોગ્રાફીમાં મેળવી દે છે, અને એમ કરીને એ બે વચ્ચેના ભેદને નાબૂદ કરે છે. નવાઈ તો એ છે કે, સંગીતકળામાં પણ આ પદ્ધતિ વપરાય છે. તેની સાથે પ્રત્યક્ષ જીવનમાં જે ધ્વનિઓ જોડાયેલા હોય, તેમના લયનું જ નહિ, પરંતુ તે ધ્વનિઓનું પણ અનુકરણ કરવા તે મથે છે.