________________
નકલીપણાનાં ત્રણ કારણે શાળાએ કળાને મળતું કાંઈક પેદા કરવા માટે જરૂરી હોય તે શીખવે તો ભલે, પરંતુ ખુદ કળાને તે ન શીખવી શકે.
જયાં કળાનું આ “જરાક સરખું” શરૂ થાય છે, અને તેથી કરીને જ્યાં કલા પોતે શરૂ થાય છે, ત્યાં શાળાનું શિક્ષણ થોભે છે.
કળાને મળતા ભલતા કશાકની ટેવ લોકોને પાડવામાં આવતાં ખરી કળાને પામવાની તેમની ટેવ છૂટી જાય છે. અને ધંધાદારી કલાશાળાઓમાં પસાર થયેલા ને તેમાં ભારે સફળતા મેળવનારા કરતાં વધારે કલા-મંદ કોઈ હોતા નથી એમ જે બને છે, તે આવી રીતે. પાદરીઓ અને ધર્મશિક્ષકોને સામાન્યપણે તૈયાર કરનારી ધર્મશિક્ષણની કૉલેજો જેમ ધર્મમાં દંભ પેદા કરે છે, તેમ જ બરોબર તેને મળતો કલાનો દંભ ધંધાદારી ક્લાશાળાઓ પેદા કરે છે. જેમાં શાળામાં શીખવીને માણસને ધર્મશિક્ષક બનાવવો એ અસંભવિત છે, તેમ જ તેને કલાકાર શી રીતે થવું એ શીખવવું પણ અસંભવિત છે.
આમ કલાશાળાઓ કલાની બેવડી મારક બને છે: પહેલું તો એ કે, તેમાં દાખલ થઈ ૭-૮ વર્ષનો અભ્યાસક્રમ પસાર કરવાનો કમનસીબવાળાની સાચી કલા સર્જવાની શક્તિનો તે શાળાએ નાશ કરે છે; બીજું એ કે, આમજનતાની રુચિને વિકૃત કરનારી અને આપણી દુનિયામાં ઊભરાયે જતી એવી જે પેલી નકલિયા કળા, તેના થોકના થોક તે શાળાઓ પેદા કરે છે. જન્મસિદ્ધ ક્લાકારો પૂર્વેના કલાકારોએ ખીલવેલી જુદી જુદી કલાની પદ્ધતિઓ કે રીતરસમો જાણે તેટલા માટે, બધી પ્રાથમિક શાળાઓમાં ચિત્રકળા અને સંગીત (ગાયન)ના વર્ગો હોવા જોઈએ, જેથી કરીને તેમાંથી પસાર થનાર દરેક શક્તિશાળી વિદ્યાર્થી, સૌને સુલભ એવા હયાત નમૂનાનો ઉપયોગ કરી, સ્વતંત્રપણે પોતાની કલામાં જાતે પાવરધા બની શકે.
અર્થાતુ, ક્લાકારો ધંધાદારી બન્યા, કલાનું વિવેચન જાણ્યું, ને કલાશાળાઓ ઊભી થઇ, – આ ત્રણની અસર એ થઈ કે, આપણા સમયમાં ઘણા લોકો, કલા એટલે શું, તે સમજવા માટે પણ તદ્દન અશક્ત થઈ ગયા છે, અને તેનાં નર્યા નકલિયાંને કલા તરીકે સ્વીકારે છે.