________________
કળા એટલે શું? લગભગ ૪ વર્ષ ઉપર, એક મૂર્ખ પણ ભારે સુધરેલી એક બાઈએ (હાલ તે નથી, ) પોતે લખેલી એક નવલકથા મને વાંચી સંભળાવવા જણાવ્યું. એક નાયિકાના વર્ણનથી તેની શરૂઆત થતી હતી : કાવ્યમય ગણાતાં સફેદ વસ્ત્રો તેણે પહેર્યા છે; કાવ્યમય રીતે તેના કેશ ઝૂલે છે, અને એક કાવ્યમય વનમાં કોક જાતના જળાશય પાસે તે કાવ્ય વાંચે છે. દૃશ્ય રશિયાનું હતું, પણ ઓચિંતો પાછળની ઝાડીમાંથી કથાનાયક દેખા દે છે. તેણે પીછાંની કલગીવાળી (ખાસ કહ્યું હતું કે, વિલિયમ ટેલના જેવી) ટોપી ધારણ કરી છે અને સાથે બે ઘોળા કાવ્યમય કૂતરા છે. તે લેખિકા આ બધાને ભારે કાવ્યમય માનતી હતી; અને જો પેલા નાયકને બોલવાની જરૂર ન પડત, તો કાવ્યમયતાનો એ બધો ગોળો બરોબર ગડબત. પરંતુ વિલિયમ ટેલ જેવા હૅટ-ધારી પેલા ગૃહસ્થ જેવા પેલી ધવલ-વસ્ત્રા કુમારિકા જોડે સંભાષણ કરવા લાગ્યા, તેવું જ ઉઘાડું પડી ગયું કે, લેખિકાને એની કથા દ્વારા કહેવાનું તે કાંઈ જ નહોતું, પરંતુ બીજી કૃતિઓનાં કાવ્યમય સ્મરણોથી જ તે પ્રેરાઈ હતી એટલું જ, અને તે પરથી તેણે માન્યું હતું કે, એમનાં રૂપાંતરો કે વેશાંતરો મારફતે એમના મૂળ ભાવોને જગવીને પોતે કલાની છાપ પાડી શકશે. પરંતુ કલાની છાપ, એટલે કે તેનો ચેપ, એ તો ત્યારે જ સામાને પહોંચે કે જ્યારે લેખક જે લાગણી વ્યક્ત કરતો હોય તેને પોતે (કળાની ખાસિયત મુજબ) જાતે અનુભવી હોય; નહિ કે જ્યારે પોતાને પૂર્વે મળેલી બીજાની લાગણીને તે માત્ર આગળ ચલાવતા હોય. જૂના કાવ્ય પરથી પોતાનું કાવ્યત્વ પામતી આવી કાવ્યકલા લોકોને ચેપી ન શકે; તે તો કલાકૃતિને માત્ર ડોળ કરી શકે, અને તેય એવા જ લોકોની આગળ કે જેમને કલાસ્વાદ કે રૂચિ બગડી ગયાં હોય. પ્રસ્તુત દાખલાની સ્ત્રી તદ્દન મૂર્ખ અને અકલ વગરની હતી, એટલે આખી વસ્તુસ્થિતિ તરત પકડાઈ જાય એવી તદ્દન ઉઘાડી હતી. પરંતુ આવી રીતે જયારે વિદ્વાન અને યુક્તિબાજ લોકો, કે જેમણે પોતાની કલાનું આયોજનતંત્ર ખીલવ્યું છે, તેઓ જ્યારે આમ ઉછીનું લઈ કામ કરે છે,