________________
૯૮
કળા એટલે શું? તે શી રીતે વર્ણવવું એ શીખી લે, અને વિગતે યાદ રાખવાની કે ટપકાવી લેવાની ટેવ પાડે, આટલું કરે એટલે બસ. આમ ટેવાયા પછી, પોતાના વલણ પ્રમાણે કે માગ મુજબ, તે ઐતિહાસિક, પ્રકૃતિવિષયક, સામાજિક, પ્રેમવિષયક, માનસશાસ્ત્રીય કે ધાર્મિક પણ, (કેમ કે, આ છેલ્લી જાત માટે માગ અને ફેશન દેખાવા લાગી છે.) – આવી વિવિધ વાર્તાઓ ને નવલો લખી શકે. તેને માટેના વિષયો તે ચોપડીઓમાંથી કે જીવનપ્રસંગોમાંથી લઈ શકે, અને પોતાના ઓળખીતાં માણસો પરથી પોતાની કથાઓનાં પાત્રોમાં નકલ ઉતારી શકે.
અને આવી વાર્તાઓ તથા નવલોને જો બરોબર નિહાળેલી ને કાળજીથી નોંધેલી વિગતોથી શણગારાય, – (અને તેમાં કામવાસના અંગેની વિગતો પહેલી પસંદ કરવી,) – તો તે વાર્તાઓ અને નવલ કલાકૃતિઓ ગણાશે, – ભલેને તેમાં કર્તાના અનુભવની લાગણીઓને છાંટય પછી ન હોય.
નાટકકારે કલા પેદા કરવા માટે, નવલ અને વાર્તામાં જે બધું જરૂરી ઉપર કહ્યું તે ઉપરાંત નીચેનું પણ શીખવું જોઈએ – પોતાનાં પાત્રોનાં મૅમાં બને તેટલાં ચબરાક ને રમૂજી વાક્યો મૂકવાનું, નાટકીય અસરો નિર્માણ કરવાની યુક્તિ કેમ કામમાં લેવી તે, અને પોતાનાં પાત્રોનું કાર્ય એવી રીતે ગૂંથવું કે જેથી લાંબી વાતચીત નહિ પણ રંગભૂમિ પર બને તેટલાં વધારે ધમાલ અને હલનચલન આવે. લેખક જો આટલું કરી શકે તો, વગર અટકયે એક પછી એક, તે નાટકો પેદા કર્યો જાય. તેમના વિષયો તે અદાલતના હેવાલમાંથી કે સમાજમાં ચાલતી તાજી ચર્ચામાંથી, (જેવી કે, હિપ્નોટિઝમ, વૈજ્ઞાનિક અનુવંશવાદ વગેરે), અથવા દૂરની પ્રાચીનતામાંથી કે કલ્પનાક્ષેત્રમાંથી પણ પસંદ કરી શકે.
ચિત્રણ અને શિલ્પનાં ક્ષેત્રોમાં નકલિયાં પેદા કરવાનું તેથીય સહેલું છે. શક્તિવાન માણસે માત્ર આલેખવાનું, રંગવાનું, કે કોતરવાનું - અને તે ખાસ કરીને નગ્ન શરીરનું – શીખવું જોઈએ. આટલી