________________
કળા એટલે શું? નહોતા, કેમ કે તે તેવા–સમય બહારનું–કવેળાનું થઈ ગયું હતું, ને તેથી તેમાં એમને કશો સાચો અર્થ લાગતો નહોતો. અને નહોતા તેઓ એટલા બળવાન કે સાચો ખ્રિસ્તી ધર્મ પોતે સ્વીકારી શકે. આમ પોપો, રાજાઓ, અમીરો અને દુનિયાના બધા મોટા માણસોના બનેલા ધની ને રાજકર્તા વર્ગો એકેય ધર્મવાળા રહ્યા નહોતા. રહ્યું હતું તેમની પાસે માત્ર એક પેલા દેવળધર્મના બાહ્ય આચારોનું ખોખું, કે જે લાભદાયી અને પોતાને માટે જરૂરી પણ હોઈને તેઓ નભાવતા હતા; કારણ કે, જે ખાસ હકો તેઓ વાપરી ખાતા હતા, તેમને વાજબી ઠરાવનારા શિક્ષણને આ ખાલી ખોખું ટકાવતું હતું. ખરું જોતાં, ઈસ્વી સનનાં આદિ સૈકાના રોમનોની પેઠે, આ લોકોને કશામાં જ શ્રદ્ધા નહોતી. પણ ત્યારે તેની જ સાથે ધન-અને-સત્તાધારી લોકો પણ આ જ હતા, અને તેઓ જ કળાને નભાવનારા અને દોરનારા હતા.
અને એ પણ ધ્યાનમાં લેવાનું છે કે, આ લોકોમાં પેલી કળા જન્મી, કે જેની કદર મનુષ્યોની ધર્મભાવના વ્યક્ત કરવાની સફળતા પરથી નહિ, પરંતુ તેના સૌંદર્યના પ્રમાણ પરથી – એટલે કે, જેટલી મજા કે આનંદ તે આપે તે ઉપરથી થાય છે.
આ ધનિક ને સત્તાધારી લોકો દેવળધર્મમાં માની શકતા નહોતા, કેમ કે તેની અસત્યતા એમણે જોઈ હતી; કે નહોતા તે લોકો સાચો ખ્રિસ્તી-બોધ સ્વીકારી શકતા, કેમ કે તે તો એમની આખી જીવનપદ્ધતિને જ અવમાનતો હતો. આમ એક બાજુ ન રહેલા તે લોકો જીવનની કશીય ધર્મદૃષ્ટિ વગરના થયા; એટલે અનિચ્છાએ તેઓ પહેલાંની પેલી પૈગન જીવનદૃષ્ટિ ઉપર પાછા ગયા, કે જે દૃષ્ટિ વૈયક્તિક મોજમજામાં જીવનનો અર્થ રહેલો બતાવે છે. અને પછી તે ઉપલા વર્ગોમાં, વિજ્ઞાન અને કળાનું પુનરુત્થાન કે નવોદય જેને કહેવાય છે તે જગ્યું. અને ખરું જોતાં, એ દરેક ધર્મનો ઇન્કાર કરનારું જ નહિ, પણ એમેય કહેનારું હતું કે, ધર્મ બિનજરૂરી વસ્તુ છે.