________________
કળા એટલે શું? એ ઉપરાંત આપણે માનએ છીએ કે, બધા લોકોને, ભૌતિક નહિ તોય આધ્યાત્મિક કલ્યાણને માટે તે, સરખા હક છે જ. અને છતાં આપણા યુરોપની વસ્તીના ૯૯ ટકા, મજૂરીથી રોળાતા, પેઢી દર પેઢી જીવે છે ને મરે છે. અને આ એમની મજૂરીનો ઘણો ભાગ એવી કળા ઉપજાવવા માટે ખરચાતો હોય છે, કે જેનો તેઓ કદી ખપ લેવાના નથી. અને આમ હોવા છતાં, તેની સામે આપણે ઠંડે પેટે દાવો કરીએ છીએ કે, જે કળા આપણે નિપજાવીએ છીએ તે જ ખરી, સાચી અને એકમાત્ર કળા છે – તે જ કલા-સમસ્ત છે !
આપણી કળા જો સાચી કળા હોય, તો તેનો લાભ દરેકને મળવો જોઈએ. આ ટીકાનો સામાન્ય રદિયો એવો અપાય છે કે, અત્યારે જે સૌ કોઈ વર્તમાન કળાને માણી નથી શકતા તો તેમાં દોષ તે કળાનો નથી, પણ ખોટા સામાજિક સંગઠનનો છે; ભવિષ્યમાં આપણે એવી સ્થિતિ આવતી કલ્પી શકીએ છીએ, કે જ્યારે શરીરમહેનત કેટલેક અંશે યંત્રોથી થઈ જતી હશે, અને કલોત્પાદનને માટેની મજૂરી વારાફરતી કરાતી હશે. એટલે કે, (સીનરી વગેરેના સાજશણગાર, કે સાંચાકામ માટે રંગભૂમિની નીચે સદાયે બેઠા રહેવું પડવું, કે વાજું જ વગાડ્યા કરવું, અને ચોપડીઓનાં બીબાં ગોઠવ્યા કરવાં ને તે છાપ્યા કરવાં, વગેરે જેવી) કલોત્પાદનની મજૂરી માટે અમુક જ લોકે હમેશ વૈતરું કરવાની જરૂર નહિ રહે, પરંતુ આ કામ કરતા લોકોને રોજ થોડાક જ કલાક તેમાં રોકવામાં આવશે અને પછી પોતાની નવરાશના સમયમાં તેઓ કલાની બધી મજા માણી શકશે.
આપણી આગવી એકદેશી કળાનો બચાવ કરનારાએ આમ કહે છે. પણ મને લાગે છે કે, તે જાતે જ પોતાનું એ કહેવું માનતા નથી. તેઓ આટલું તો જાણ્યા વગર ન રહી શકે કે, લલિત કળા આમ જનતાની ગુલામીના પાયા ઉપર જ ઊપજી શકે અને તે ગુલામી નભે ત્યાં સુધી જ તે ચાલી શકે. અને તેઓ એ પણ જાણ્યા વિના ન રહી શકે કે, કામદારોની કડી મહેનત-મજૂરીની પરિસ્થિતિમાં જ લેખકો –