________________
નવી કેળનું વસ્તુદારિદ્ર
૭૧ ઉઘાડું) બે વાર નહિ કહ્યો હોય. રેમી-દ-ગુર્ભાટ નામે એક ફ્રેન્ચ લેખક છે; તેની ચોપડીઓ છપાય છે, ને તે હોશિયાર મનાય છે. નવલેખકો વિશે ખ્યાલ મેળવવા માટે મેં તેની Les Chevaux de Diomede નામની નવલકથા વાંચી. એક સદગૃહસ્થનો અનેક સ્ત્રીઓની સાથે વિષય-સંબંધ થયાની ક્રમબદ્ધ અને વિગતવાર વાત એમાં આવે છે. દરેક પાને કામોદ્દીપક વર્ણનો હોય છે. તેમ જ પિયરી લોઈની ‘Aphrodite' નામની સફળતા પામેલી ચોપડીનુંય છે; અને હુઈસ્પેનની ‘Certains' ચોપડી હમણાં મારે હાથ ચડી તેય એ જ જાતની છે; અને જૂજાજ અપવાદ જતાં, બધી ફ્રેન્ચ નવલોમાં આ જ દશા જોવા મળે છે. આ બધી કૃતિઓ એવા લોકોની છે, કે જેઓ કામવાસનાનું વિષ ચડતાં ગાંડા બનેલા છે. અને એ લોકોની આવી ચોખ્ખી રોગી મનોદશાને લઈને, તેમનું આખું જીવન અનેક કમકમાટીભરી કામી ગલીચતાઓને મલાવવામાં જ એકાગ્ર બને છે તે પરથી એમને ખાતરીબંધ એમ જ લાગતું દેખાય છે કે, જાણે આખા જગતનું જીવન પણ એ જ રીતે એકાગ્ર બનેલું છે. અને કામવિષના ગાંડપણથી પીડાતા આ લોકોને યુરોપ અમેરિકાનું આખું કલાજગત અનુસરે છે !
આમ ત્યારે, ધનિક વર્ગોના શ્રદ્ધાના અભાવથી અને જીવનની તેમની ખાસ અપવાદરૂપ પદ્ધતિને લીધે, તે વર્ગોની કળા વસ્તુ-વિષયમાં દરિદ્ર કે કંગાળ બની; અને ગર્વ, જીવનમાં અવૃપ્તિ, તથા સૌથી ખાસ તો કામ-વાસના, – એ લાગણીઓને વ્યક્ત કરવાની અવદશાએ ઊતરી ગઇ.