________________
નવી કળાની અગાશ્યતા સંગીતની મજાક કરી. અને પછી થોડી જ વારે અગમ્ય સંગીત રચનારા એક સંગીતકારે તેટલા જ આત્મવિશ્વાસની સાથે અગમ્ય કવિતાની હાંસી કરી ! સૈકાના પૂર્વાર્ધમાં કેળવાયેલ હું નવી કળા સમજતો નથી તે કારણે તેને ધુત્કારી કાઢવાનો મને જરાય હક કે અધિકાર નથી; બહુ તો એટલું હું કહી શકું કે, મને એ સમજાતી નથી. “ડિકેડંટ’ કળાના કરતાં, હું જેને કળા તરીકે સ્વીકારે છે, તેમાં વિશેષ લાભ એટલો જ છે કે, આજની ચાલુ કળા કરતાં તે કળા કાંઈક વધારે મોટી સંખ્યાના લોકને સમજાય એવી છે.
અમુક એકદેશી કળાને હું ટેવાયેલો છું ને તેને હું સમજી શક્યું છું, પણ તેનાથી વધારે એકદેશી બનેલી એવી બીજી કળા હું સમજી શકતો નથી-આ હકીકત ઉપરથી એવા અભિપ્રાય પર પહોંચવાને મને હક નથી મળતો કે, મારી કળા સાચી ખરી કળા છે, અને હું નથી સમજી શકતા તે પેલી બીજી કળા ખરાબ જૂઠી છે. એ પરથી હું એટલો જ વિચાર બાંધી શકું કે, વધુ ને વધુ આગવી અને એકદેશી થતાં થતાં કળા મોટી ને મોટી રાંખ્યાના લોકને અગમ્ય થતી જાય છે, અને આ અગમ્યતા તરફની તેની ઉત્તરોત્તર પ્રગતિમાં તે એવી કક્ષાએ પહોંચી છે કે, ચુનંદા ભદ્રલોકમાંથી ઘણી નાની સંખ્યાને જ તે સમજાય છે, અને આવા ચુનંદા લોકની સંખ્યાય હમેશ ઘટતી જ જાય છે.
ઉપલા વર્ગોની કળા સાર્વભૌમ કળાથી જેવી અળગી થઈ તેવી જ એક એવી પણ માન્યતા ઊઠી કે, કળા કળા હોય અને છતાં તે આમ-જનતાને અગમ્ય હોય. અને આ વાત સ્વીકારી કે તરત પછી અચૂક એય સ્વીકારવું પડયું જ કે, કળા માત્ર ચુનંદા લોકોની અતિ નાની સંખ્યાને જ, અને એમ થતાં થતાં આપણા નજીકમાં નજીકના બે કે એકાદ મિત્રને જ, કે માત્ર પોતાને જ સમજાય, એવી સંભવી શકે. અને લગભગ એમ જ અર્વાચીન કલાકારોનું કહેવું છે : “હું સર્જન કરું છું અને જાતે તે સમજું છું અને બીજું કોઈ મને સમજાતું નથી તે તેમાં ભાગ એમના.”