________________
કળા એટલે શું? આમ, ધર્મો એ, અમુક સમયે, અમુક સમાજમાં, તેના સર્વશ્રેષ્ઠ અને આગેવાન માણસોને જીવનની જે ઊંચામાં ઊંચી સમજ સાંપડી હોય, (કે જેના ભણી બાકીનો બધો સમાજ અનિવાર્યપણે અને અવશ્ય આગળ વધતો હોય છે,) તે સમજના પ્રતિનિધિઓ છે. અને તેથી કરીને હમેશ માનવી લાગણીઓની આંકણીના પાયા તરીકે માત્ર ધર્મોએ એકલાએ જ કામ દીધું છે અને હજી પણ દે છે. પોતાનો ધર્મ જે જીવન-આદર્શ બતાવતો હોય તેની પાસે લઈ જનારી જે લાગણીઓ હોય, અથવા તેની સામે થતી નહિ પણ તેને અનુરૂપ હોય, તે લાગણીઓ સારી; અને જે લાગણીઓ માણસને તે આદર્શથી વિમુખ કરે, અથવા તેને પ્રતિકૂળ હોય, તે લાગણીઓ ખરાબ.
યહૂદી ધર્મમાં કહે છે એમ, ધર્મ જો એકેશ્વરની પૂજા અને તેની મનોતી ઇચ્છાનું પાલન —- એમાં જીવનનો અર્થ બતાવે, તો એ ઈશ્વર અને તેના કાયદાના પ્રેમમાંથી ઝરતી લાગણીઓ (કે જેમને પેગંબરેએ કાવ્યકલા દ્વારા સફળતાપૂર્વક બાઈબલનાં ભજનો કે “જેનેસિસ”—ઉત્પત્તિ પ્રકરણની મહાકથા મારફત વહન કરી છે, ) તે બધી સારી ઊંચી કળા કહેવાય. અને એની સામે બધું (દા. ત. વિચિત્ર અનેક દેવોની ભક્તિની લાગણીઓ કે ઈશ્વરી કાયદા સાથે મેળ ન ખાતી લાગણીઓનું વહન) ખરાબ કળા ગણાય.
અથવા જેમ ગ્રીક લોકોમાં હતું તેમ, ધર્મ જો જીવનનો અર્થ પાર્થિવ સુખમાં, સુંદરતામાં ને બળમાં રહેલો બતાવે, તો જીવનના આનંદ અને જોમને સફળતાથી વહન કરતી કળા સારી ગણાય; પણ જે કળા વિષાદ કે સ્ત્રૌણ યા અબળાપણાની લાગણીઓ વહાવે, તે ખરાબ ગણાશે.
અથવા રોમન લોકોની જેમ, જીવનનો અર્થ પોતાના રાષ્ટ્રનું કલ્યાણ સમજાય, તો સૌના કલ્યાણ અર્થે પોતાના અંગત સ્વાર્થના બલિદાનથી મળતા આનંદની લાગણીઓ વહન કરતી કળા સારી ગણાય; પણ તેમની વિરોધી લાગણીઓ વ્યક્ત કરતી કળા ખરાબ ગણાય.