________________
જીવન અને કલા (ગાંધીજીનાં લખાણમાંથી સંકલિત ) ત્રણ પુરુષોએ મારા જીવન પર મોટામાં મોટી અસર કરી છે. એમાં પહેલું સ્થાન હું રાજચંદ્ર કવિને આપું છું; બીજું ટૉલ્સ્ટૉયને, અને ત્રીજું રસ્કિનને. . . . . . .
એમના (ટૉલ્સ્ટૉયના) જીવનમાંથી બે વસ્તુ મને પોતાને ભારે લાગે છે. એ કહે એવું કરનાર પુરુષ હતા. એમની સાદાઈ અદ્ભુત હતી; બાહ્ય સાદાઈ તો હતી જ. એ અમીર વર્ગના માણસ; આ જગતના છપ્પને ભોગ તેમણે ભોગવેલા. ધનદોલતને વિષે મનુષ્ય જેટલું છે તે બધું તેમને સાંપડેલું. છતાં ભરજુવાનીમાં એમણે પોતાના સુકાનને ફેરવ્યું. . . . એક ઠેકાણે તો મેં લખી મોકલ્યું છે કે, ટૉસ્ટૉય આ યુગની સત્યની મૂર્તિ હતા. એમણે સત્યને જેવું માન્યું તેવી રીતે ચાલવાનો ઉગ્ર પ્રયત્ન કર્યો. સત્યને છુપાવવાનો કે મોળું કરવાનો પ્રયત્ન ન કર્યો. લોકને દુ:ખ થશે કે સારું લાગશે, મોટા શહેનશાહને ઠીક લાગશે કે નહિ, એનો વિચાર કર્યા વિના, તેમને જે પ્રકારે જે વસ્તુ ભાસી તે જ પ્રકારે તેમણે કહી. ટૉલ્સ્ટૉય એ પોતાના યુગને માટે અહિંસાના એક ભારે પ્રવર્તક હતા. અહિંસાને વિષે જેટલું સાહિત્ય પશ્ચિમને સારુ ટૉલ્સ્ટૉયે લખ્યું, તેટલું સોંસરવું ચાલી જાય એવું બીજા કોઈએ લખેલું મારી જાણમાં નથી. એથી આગળ જઈને કહું તો, અહિંસાનું સૂક્ષ્મ દર્શન ટૉસ્ટોયે જેટલું કર્યું અને એના પાલનનો જેટલો પ્રયત્ન ટૉલ્સ્ટૉયે કર્યો, એટલો અમલ કે એટલો પ્રયત્ન કરનાર અત્યારે હિંદુસ્તાનમાં કોઈ છે એવો મને ખ્યાલ નથી; એવા કોઈ મનુષ્યને હું જાણતો નથી.
इस