________________
૨૪
કળા એટલે શું? સૌંદર્ય વિષેના કલાવાદોનો વિકાસ જોતાં આપણને જણાય છે કે, શરૂઆતમાં (મારે કલામીમાંસાનો પાયો નંખાતો હતો ત્યારે) સૌંદર્યની ગૂઢવાદી વ્યાખ્યા ચાલી ખરી; પણ જેમ જેમ આપણા જમાના પાસે આવતા જઈએ છીએ, તેમ તેમ તેની પ્રત્યક્ષ પ્રાયોગિક વ્યાખ્યા (અને હાલમાં તો તે શરીરશાસ્ત્રીય રૂપ પકડતી જાય છે ) વધુ ને વધુ આગળ આવે છે. એટલે સુધી કે, છેક છેવટે તો વેરોન અને સલ્લી જેવા કલામીમાંસકોય આપણને મળે છે, કે જેઓ કલાવસ્તુને વિચાર કરવામાં સૌંદર્યના ભાવથી સાવ મુક્ત થવા મથે છે. પરંતુ એવા કલામીમાંસકો ઝાઝું ફાવ્યા નથી. અને મોટા ભાગની જનતા તથા કલાકારો ને શિક્ષિતો તો ઉપર જણાવેલા કલાગ્રંથોમાં આપેલી વ્યાખ્યાઓને મળતો કલાનો
ખ્યાલ જ મક્કમતાપૂર્વક ધરાવે છે : એટલે કે, સૌંદર્યને યા તે ગૂઢ કે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રની વસ્તુ ગણે છે, અથવા તેને અમુક ખાસ મજા કે આનંદનો પ્રકાર માને છે.
તો પછી, આપણા મંડળના અને જમાનાના લોકો હઠપૂર્વક જેને વળગ્યા રહે છે તે આ સૌંદર્ય-ભાવ, કે જેના વડે કલાની વ્યાખ્યા અપાય છે, તે શું છે?
ભાવગત કે મનોગત બાજુએ સૌંદર્યને આપણે અમુક ખાસ પ્રકારની મજા કે આનંદ આપનાર કહીએ છીએ.
અને વસ્તુગત બાજુએ, સૌંદર્યને આપણે પરમપૂર્ણત્વ કહીએ છીએ. અને એમ એટલા જ માટે આપણે કહીએ છીએ કે, આ પરમ પૂર્ણત્વના આવિષ્કારમાંથી આપણને અમુક પ્રકારની મજા કે આનંદ મળે છે. એટલે, આ વસ્તુગત વ્યાખ્યામાં પેલી મનોગત વ્યાખ્યા જ જુદી ભાષામાં મુકાઈ છે એટલું જ. તેથી ખરું જોતાં, બેઉ સૌંદર્યભાવો સારાંશે એક જ છે–અમુક પ્રકારની મજા કે આનંદની પ્રાપ્તિ. એટલે, આપણામાં તૃષ્ણા કે વાસના જગવ્યા વિના, આપણને મજા કે આનંદ જે આપે, તેને આપણે “સૌંદર્ય’ કહીએ છીએ.