________________
કળા એટલે શું? પ્રશ્નમાં ફેરવી લીધી છે. પણ રૂચિ એટલે શું? તેની વ્યાખ્યા આપવાના બધા પ્રયત્નો પણ શૂન્યમાં જ આવી રહેવા જોઈએ, એ તો વાચક કલામીમાંસાના ઇતિહાસ પરથી કે પ્રત્યક્ષ વ્યવહાર પરથી પણ જોઈ શકે.
એક જણને અમુક વસ્તુ ગમે ને બીજાને તે ન ગમે, કે એથી ઊલટું કે, એકને ન ગમે તે બીજાને ગમે, – આવું શાથી બને છે, એની સમજૂતી હોઈ ન શકે, અને તે પણ નહીં. કલા એક માનસિક વ્યાપાર છે; પોતાને તે વિજ્ઞાન કહાવે છે. વિજ્ઞાન તરીકે તેની પાસેથી આપણે આશા રાખીએ કે, તે પોતાનાં લક્ષણો અને કાયદા ચોકસ કહે; અથવા, જો તેનું વસ્તુ સૌંદર્ય હોય તો તેનાં લક્ષણો અને કાયદા કહે; અથવા કળા અને તેના ગુણને પ્રશ્ન જો રૂચિ પર અવલંબતો હોય, તો રુચિનું સ્વરૂપ તેણે કહેવું જોઈએ અને પછી અમુક કૃતિઓ તે કાયદા ને વ્યાખ્યા પ્રમાણે છે માટે તે કલા છે, અને જે તેવી નથી તે કલા નથી, એમ તેણે વર્તવું જોઈએ. આ પ્રમાણે તેણે એક વિજ્ઞાનશાસ્ત્ર તરીકે કરવું જોઈએ, એમ આપણે તેની પાસે માગીએ. પણ તેમ કરવામાં તે નિષ્ફળ થાય છે. તેને બદલે કલામીમાંસાનું આ વિજ્ઞાન કરે છે શું કે, અમુક કૃતિઓનું જૂથ આપણને મજા કે આનંદ આપે છે માટે તે કળા છે, એમ તે પહેલું સ્વીકારી લે છે; અને પછી લોકોના અમુક મંડળને ગમતી આ બધી કૃતિઓ જેમાં બરોબર બેસતી આવે એવો કલાવાદ તે ઉપરથી ઘડી કાઢે છે. આમ ક્લા વિષે એવું એક ધોરણ જ પ્રચલિત છે, કે જે આપણા મંડળને ગમતી અમુક કૃતિઓ (જેવી કે ફિડિયાઝ, સેફોકિલસ, હોમર, ટિશિયન, રાફેલ, બાક, બિથોવન, ડાન્ટ, શેકસપિયર, ગેટે અને એવા બીજાની કૃતિઓ ) કળા છે એમ સ્વીકારી લે છે, અને પછી તે કહે છે કે, આવી બધી કૃતિઓનો કળામાં સમાવેશ થઈ શકે એવી બંધબેસતી, કળાની વ્યાખ્યા હોવી જોઈએ. કલાવિષયક સાહિત્યમાં તમે જુઓ તો તેમાં તમને વારંવાર કલાનાં ગુણ અને મહત્ત્વ વિશે મતો મળશે; પણ તે કોઈ એવા ચોક્કસ લક્ષણના પાયા પર બાંધેલા નહિ, કે જેને આધારે કસોટી કરીને કહેવાય કે, અમુક કે તમુક કૃતિ સારી કે નરસી કલા છે;