________________
પ્રશ્ન શાથી ઊઠે છે જટિલ સાંચાકામ તથા “સીન-સીનરી” સજવાના સરંજામ આગળ થઈ, નાટકશાળાની આયેશાન ઇમારતનાં ભંડકિયાંમાંથી મને લઈ ગયેલા. ત્યાં ધૂળ અને અંધારામાં ખૂબ કામમાં રોકાયેલા કારીગરોને મેં જોયા. ફીકા ને નિસ્તેજ ચહેરાવાળો એક માણસ બીજા એક માણસને ગુસ્સાથી વઢતો વઢતો મારી આગળથી પસાર થયો. શા એના દીદાર ! ગંદુ પહેરણ અને કામથી થાકેલા ગંદા તેના હાથ અને આંગળાં! થાક અને કંટાળાથી તે લોથ થઈ ગયો હતો.
ભંડકની અંધારી સીડી ચડી હું રંગભૂમિની પછીતે આવ્યો. પડદા અને “સીનરી ' નો સરંજામ, ભાત ભાતના થાંભલા અને ગરેડીઓ વગેરે બધું વેરણછેરણ પડયું હતું. તેની વચ્ચે, સેંકડો નહિ તોય ડઝનબંધ માણસો ઊભાં હતાં કે આમ તેમ ફરતાં હતાં. પુરુષોએ રંગ લગાડ્યો હતો, અને પગે તથા જાંઘે તંગ આવી રહેતા, ભાત ભાતના પોશાક સજ્યા હતા. અને ત્યાં સ્ત્રીઓ પણ હતી. તે બધી, રવૈયા મુજબ, બની શકે તેટલી ન-વસ્ત્રી હતી. આ બધાં માણસો પૂર્વાવર્તનના કામમાં પોતપોતાનો ભાગ ભજવવાની વારીની વાટ જોતાં ઊભેલાં નટ, ગાયક વગેરે પાત્રો હતાં.
રંગભૂમિ વટાવીને મારો ભોમિયો મને “ઓર્ગેસ્ટ્રા” ની પાર આવેલી “પિટ'ની હારમાં લઈ ગયો. પ્રતિબિંબ મારતાં પછીતિયાંવાળા બે મોટા દીવાની વચ્ચે વાજાંવાળાને નાયક, હાથમાં તેનો નાનો દંડૂકો લઈને, સ્વરપોથીની ઘોડી સામે બેઠો હતો. (ઓર્ગે સ્ટ્રામાં લગભગ સોએક સંગીતકારો નાની ડફથી માંડીને વાંસળી અને સારંગી સુધીનાં વાદ્યો લઈને બેઠા હતા.) નાટકને બધો ગાયન-ભાગ અને ગાયકોનું કામ એ દંડૂકાવાળાને હસ્તક હતાં. ઉપર વર્ણવ્યાં તે બધાં પોશાકી સજાવટવાળાં માણસોમાં સાદાં કપડાં પહેરેલા બે જણ હતા, જેઓ રંગભૂમિ ઉપર દોડધામ કરતા આમથી તેમ જતા હતા. તેમાંનો એક હતો નાટય-વિભાગનો મુખી; અને મુલાયમ જોડા પહેરી, અસામાન્ય ચંચળતા દાખવતાં પગલાં માંડતો ને અહીંથી તહીં દોડતો બીજો હતો તે નૃત્યવિભાગનો મુખી.