________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
‘પ્રમત્તયોગાત્ પ્રાણવ્યપરોપણું હિંસા' એટલે પ્રમાદથી સામાના પ્રાણનો ત્યાગ કરાવવો તેનું નામ હિંસા. તે જ વિષયમાં કહેવાયું છે કે - ‘શબ્દ, રૂપ, ગંધ, રસ, અને સ્પર્શને જણાવનાર પાંચે ઇંદ્રિયો, મન-વચન અને કાયા એ ત્રણેનું બળ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય એમ દશ પ્રાણ કહેવાય છે. (આ દશમાંથી જે પ્રાણીને જેટલાં પ્રાણ હોય) તે પ્રાણનો વિયોગ કરાવવો તેનું નામ હિંસા. આ હિંસાના ત્યાગે અને બીજા અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભના નાશથી પાંચમા ગુણસ્થાનકે પહોંચેલા જીવને દેશવિરતિ ગુણ પ્રગટે છે. તે દેશવિરતિધર થવા ઉજમાળ થવું જોઈએ.
૧૬
અહીં શંકા થાય કે ગૃહસ્થોને ત્રસજીવોની હિંસાનો નિષેધ છે, પણ સ્થાવરનો નથી, તો શું તેઓ યથેચ્છ હિંસા કરી શકે ? તેનો ઉત્તર જણાવે છે કે- ‘મોક્ષાભિલાષી દયાળુ અને વિવેકી શ્રાવકો સ્થાવર જીવોની પણ હિંસા અવશ્ય નિવારે. માત્ર ત્રસજીવોની હિંસાના ત્યાગથી પરિપૂર્ણ અહિંસાધર્મ પ્રાપ્ત થઈ જતો નથી. કિંતુ શરીર તથા પરિવારાદિક પ્રસંગે સ્થાવરહિંસા ગૃહસ્થને કરવી પડતી હોય છે, પણ તેવા કોઈ પ્રયોજન વિના સ્થાવરની પણ હિંસા કોઈ કરે તો તેનું વ્રત મલિન થાય છે. માટે શ્રાવકોએ નહિ નિષેધેલી એવી સ્થાવરહિંસામાં પણ જયણા (યતના) રાખવી જેમકે પાણીનો સંખારો (ગરણામાં રહેલ કચરો-પાણી) જાળવણીપૂર્વક તેમાં રહેલ જીવનો નાશ ન થાય તેમ યોગ્ય સ્થાને (જળાશયમાં) નાંખવો બળતણ વગેરે પ્રમાણોપેત શોધન કરીને ઉપયોગમાં લેવા, નહિ તો અનુકંપાના અભાવે કે ઉપયોગશૂન્યતાથી અતિચાર લાગે.' માટે કહ્યું છે કે-‘ત્રસજીવના રક્ષણ કાજે શ્રાવકોએ શુદ્ધ પાણી ગ્રહણ કરવું અને બળતણ-સગડી-ધાન્ય આદિ શોધીને વાપરવાં.' આગમમાં કહ્યું છે કે
લીલા આમળા જેવડી પૃથ્વીમાં જે પૃથ્વીકાયિક જીવો રહેલા છે તે જીવોનું શરીર કબૂતર જેવડું થાય તો તેઓ આ જંબુદ્રીપમાં ન સમાય. તથા પાણીના એક ટીપામાં રહેલા અસ્કાયના પ્રત્યેક જીવોનું શરીર જો સરસવના દાણા જેવડું થાય તો આ જંબૂદ્વીપમાં સમાય નહીં. તે પૃથ્વીકાય આદિ સૂક્ષ્મ પાંચે પ્રકારના જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પ્રકારની અવગાહના (કાયપ્રમાણ) અંગુલના અસંખ્યાતમાં ભાગ જેવડી હોય છે, તેવા અનંત જીવોના આશ્રયવાળું એક શરીર તે સૂક્ષ્મ નિગોદ (સૂક્ષ્મ વનસ્પતિકાય)નું એક શરીર થાય. તેવા અસંખ્ય શરીર એકત્રિત થતાં તેનું જેવડું કદ થાય તેવા કદનું એક સૂક્ષ્મ વાયુકાયનું શરીર થાય, તેથી અસંખ્યગણું એક સૂક્ષ્મ તેઉકાયનું શરીર, તેવા અસંખ્ય દેહ એકઠા થાય ત્યારે એક સૂક્ષ્મ અપ્લાયનું શરીર, તેથી અસંખ્યગણું એક સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર, તેથી અસંખ્યગણું એક બાદર (સ્કૂલ) વાયુકાયનું શરીર, તેથી અસંખ્યગણું બાદર અગ્નિકાયનું શરીર, તેથી અસંખ્યગણું બાદર અપ્લાયનું શરીર, તેથી અસંખ્યગણું એક બાદર પૃથ્વીકાયનું શરીર અને તેથી અસંખ્યગણું એક બાદર નિગોદ (સાધારણ વનસ્પતિઅનંતકાય)નું શરીર થાય. અહીં બાદર (સૂક્ષ્મતર) પૃથ્વીકાયના શરીરની સૂક્ષ્મતા બતાવે છે