________________
૧૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ પરને માટે કોઈ પ્રાણી હિંસા કરશે તે રાજદ્રોહી કહેવાશે, અને માછીમાર તથા કસાઈ આદિને નિષ્પાપ નિર્વાહ માટે વ્યવસ્થા કરાવી તે ઘોર હિંસકોને પણ દયામય લાગણીવાળા બનાવ્યા. કાશીદેશમાં ઘણી હિંસા થતી સાંભળી, તેને અટકાવવા રાજાએ અહિંસા-હિંસાના ફળ સ્વરૂપ સ્વર્ગ-નરકનું મોટું ચિત્ર આલેખાવ્યું. વચ્ચે શ્રી હેમચંદ્રાચાર્યને તેમની સામે કરબદ્ધ અંજલિ જોડી ઉભેલી પોતાની આકૃતિ દોરાવી. તે ચિત્રપટ્ટ સાથે બે કરોડ સુવર્ણમુદ્રા અને બે હજાર જાતિવંત તેજસ્વી ઘોડાઓ વગેરે ત્યાંના રાજાને ભેટમાં પોતાના મંત્રી સાથે મોકલાવ્યા. વારાણસીના રાજા જયચંદ્રની સત્તા સાતસો યોજન ભૂમિપર પથરાયેલી હતી. ચાર હજાર હાથી, સાઠ લાખ ઘોડા અને ત્રીશ લાખ પાયદળ સૈનિકો આદિ મોટું લશ્કર તેની પાસે હતું. પરંતુ ગંગા-યમુનાના કિનારા ઓળંગી તે આગળ જઈ શકતો નહિ, તેથી તેનું નામ પંગુરાજ પડી ગયું હતું.
રાજા કુમારપાળના મહામાત્ય ત્યાં આવ્યા ને રાજાને મળ્યા. ભરેલી સભામાં તે ચિત્ર એક તરફ ટાંગવામાં આવ્યું, મહામાત્યે ચિત્રનું યથાર્થ વર્ણન કરી તેનું માર્મિક વિશ્લેષણ કર્યું. દયા એ ઈશ્વરીય ગુણ છે. જે સામાની પીડા તરફ આપણું ધ્યાન દોરે છે. દયાળુ આત્મા પરમાત્મા સુદ્ધાં બની શકે છે, ત્યારે હિંસક આત્માઓ ઘોર પાપ કરીને પણ અહીં કશું વિશેષ મેળવતા નથી અને પરલોકમાં આ નરકાવાસમાં આવાં ઘોર દુઃખ અસહાય થઈ ભોગવે છે. ઈત્યાદિ વિગતો સમજાવી કહ્યું, “આ વચમાં બિરાજે છે તે અમારા રાજગુરુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ છે. તેઓશ્રીની અલૌકિક પ્રતિભાથી અમારા દેશો ગૌરવવંતા બન્યા છે. તે જ્ઞાનીના બતાવ્યા પ્રમાણે અમે આ પુણ્ય-પાપનાં ફળ દર્શાવતું ચિત્ર કરાવ્યું છે.
અમારા મહારાજાએ આચાર્યશ્રીની પાસે દયામય ધર્મ સ્વીકાર્યો છે, તેમણે અમારા દેશમાં બધે અમારિ ઘોષણા કરાવી છે. તેમજ હિંસકને રાજદ્રોહી ઘોષિત કરવામાં આવેલ છે. તેમની દયાળુતાનો પ્રભાવ માત્ર માણસો ઉપર જ નહિ પણ વિચિત્ર દેવતા પર પણ પડ્યો છે. સોલંકી વંશના કુળદેવતાને દર વર્ષે ચોવીસ પાડાનું બલિદાન આપવું પડતું. તે દેવી પણ અહિંસક થઈ ગઈ અને ગુરુ મહારાજની સહાયથી અમારા અઢાર દેશમાં હિંસા ન થવા દેવાની તેણે પ્રતિજ્ઞા લીધી છે. જાણે અહિંસાની પ્રહરી બની છે. ગમે તે ઉપાયે તે હિંસા થવા દેતી નથી. તેણે એવા પરચા બતાવ્યા છે કે ક્રૂર જીવોએ પણ હિંસા છોડી અહિંસા અપનાવી છે. અમારા રાજાથી અપમાનિત થઈ હિંસા ઠેર ઠેર રખડી પણ ક્યાંય એને સ્થાન ન મળ્યું. મને લાગે છે, બધેથી હડધૂત થયેલી હિંસા કાશીદેશમાં આનંદથી મ્હાલી છે. પ્રેમે પાંગરી છે. તેનું નિવારણ કરવા આ ચિત્ર આપ અને દરબારીઓને જોવા ને આ ભેટશું આપને અર્પણ કરવા હું આવ્યો છું. આગળ આપને જેમ ઉપયુક્ત લાગે તેમ કરો.
મહામાત્યનું ગંભીર કથન સાંભળી પંગુરાજ આશ્ચર્યને આનંદ પામી બોલ્યા- “મહામંત્રી! ગુર્જરદેશની સૌમ્યતા ને વિવેકિતા માટે અમે ઘણું સાંભળ્યું હતું. આજે અમને તેની પ્રતીતિ થાય છે. જયાં આવા દયાળુ રાજા હોય તે દેશમાં તો દેવો પણ અવતરવાની ઇચ્છા કરે. ગુર્જરાધિપતિએ