________________
૨૦.
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
બાલતપથી પણ તેવા પ્રકારની જીવની વિશુદ્ધિ થાય તો સમ્યક્ત પ્રાપ્ત થઈ શકે. દાનથી પણ તેવા પ્રકારની વિશુદ્ધિ થાય તો સમ્યક્ત પ્રાપ્ત થઈ શકે. જીવના વિનયથી પણ તેવા પ્રકારની વિશુદ્ધિ થાય તો સમ્યક્ત પ્રાપ્ત થઈ શકે. વિર્ભાગજ્ઞાનથી પણ શિવરાજર્ષિની જેમ તેવા પ્રકારની વિશુદ્ધિ થાય તો સમ્યક્ત પ્રાપ્ત થઈ શકે. તેમ ઉત્તમ પુરુષના સંયોગથી પણ સમ્યક્ત પ્રાપ્ત થઈ શકે. સ્નેહીજનના વિયોગથી પણ માર્ગાનુસારી ઊહ પ્રાપ્ત થાય તો સમ્યક્ત પ્રાપ્ત થઈ શકે. આપત્તિથી પણ તેવા પ્રકારના માર્ગાનુસારી ઊહ પ્રાપ્ત થાય તો સમ્યક્ત પ્રાપ્ત થઈ શકે. ધર્મના ઉત્સવાદિના દર્શનથી પણ સમ્યક્ત પ્રાપ્ત થઈ શકે. કોઈક પ્રકારની સમૃદ્ધિ મળી હોય અને જીવને માર્ગાનુસારી ઊહ પ્રગટે તો સમ્યક્ત થઈ શકે. વળી કોઈક યોગ્ય જીવને ઉત્તમ પુરુષો સત્કારથી બોલાવે તો માર્ગાનુસારી ઊહથી તે જીવને સમ્યક્ત થઈ શકે. આ રીતે સમ્યક્તના નિમિત્તમાત્રને અનુમોદ્ય સ્વીકારી શકાય નહિ.
વળી ધર્મબુદ્ધિથી કરાતા અનુષ્ઠાનનું અનુમોદ્યપણું સ્વીકારવામાં આવે તો કોઈ આભિગ્રહિકમિથ્યાત્વી ધર્મબુદ્ધિથી વિચારે કે જૈનશાસનની કરાતી ક્રિયા એ મિથ્યાક્રિયા છે અને તેથી તેનો તે પોતે ત્યાગ કરે અને બીજાને ત્યાગ કરાવે તો તેને પણ અનુમોદ્ય સ્વીકારવાની આપત્તિ આવે. માટે આ સર્વની જેમ અનુમોદના થઈ શકે નહિ તેમ સમ્યક્તને અભિમુખ જ માર્ગાનુસારી કૃત્યરૂપ સાધુદાન, ધર્મશ્રવણાદિને છોડીને અન્ય માર્ગમાં રહેલા જીવોના ક્ષમાદિ ગુણોની પણ અનુમોદના થઈ શકે નહિ. આ સર્વ પૂર્વપક્ષીનું કથન અસંબદ્ધ પ્રલાપરૂપ છે તે પૂર્વના ગ્રંથકારશ્રીના કથનથી નિરાકૃત છે; કેમ કે આદિધાર્મિક યોગ્ય જીવોના સામાન્યથી જ મોક્ષને અનુકૂળ એવા કુશળવ્યાપારોનું અનુમોદ્યપણું શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલ છે. તેથી પુણ્યપ્રકૃતિના હેતુ આદિને પૂર્વપક્ષીએ આપત્તિ આપી તેમ અનુમોદ્ય સ્વીકારવાની આપત્તિ નથી અને અન્ય માર્ગમાં રહેલા ભદ્રકપ્રકૃતિવાળા જીવોના ક્ષમાદિ ગુણો આદિધાર્મિક યોગ્ય કુશળવ્યાપાર જ છે, માટે અનુમોદ્ય જ છે. વળી, જેમ તીવ્ર પ્રમાદાદિથી કોઈ જીવનું સમ્યક્ત અતિ કાબરચીતરું હોય અર્થાત્ અનેક અતિચારવાળું હોય તો તે સમ્યક્ત, સમ્યક્તરૂપે અનુમોદ્ય હોવા છતાં તેના પ્રમાદાદિ દોષોથી અનનુમોદ્ય છે તેમ તીવ્રાભિનિવેશથી દુષ્ટ મોક્ષાશયાદિ પણ તીવ્રઅભિનિવેશના પરિણામને કારણે અનનુમોદ્ય છે તોપણ મોક્ષાશયત્વરૂપ જાતિથી અનુમોદ્ય છે. વળી, તીવ્રઅભિનિવેશ દુષ્ટ મોક્ષનો આશય મોક્ષાશયરૂપે અનુમોદ્ય હોવા છતાં ફલથી અનુમોદ્ય નથી; કેમ કે તીવ્રઅભિનિવેશને કારણે મોક્ષાશયવાળા પણ જીવો જે ધર્માનુષ્ઠાન કરે છે, તે ગરાનુષ્ઠાન બને છે. આથી જ જમાલીનું મોક્ષાશય યુક્ત સંયમ તીવાભિનિવેશથી દુષ્ટ હોવાને કારણે ફલથી અનુમોદ્ય નથી. જ્યારે તીવ્ર પ્રમાદથી શબલ એવું સમ્યક્ત સ્વરૂપથી અનુમોદ્ય છે, તેમ ફલથી પણ અનુમોદ્ય છે; કેમ કે તે સમ્યક્તના કારણે તેઓ શીધ્ર સંસારનો અંત કરે છે. માટે પ્રમાદાદિને કારણે અનનુમોદ્ય એવું સમ્યક્ત ફલથી અનુમોદ્ય છે. માટે અન્યદર્શનમાં રહેલા વિષયશુદ્ધાદિ અનુષ્ઠાન કરનારા તીવ્રાભિનિવેશ ન હોય તો તેઓનો મોક્ષનો આશય સ્વરૂપથી પણ અનુમોદ્ય છે અને તે મોક્ષના આશયને કારણે તેઓ ઉચિત જન્મને પ્રાપ્ત કરશે માટે ફલથી પણ અનુમોદ્ય છે. તીવ્રાભિનિવેશવાળા જીવોનો મોક્ષનો આશય સ્વરૂપથી અનુમોઘ હોવા છતાં ફળથી દુર્લભબોધિનું કારણ હોવાથી અનનુમોઘ છે.