________________
૧૫૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪
રક્ષણ કરી શકતા નથી. માટે પૂર્વપક્ષી કહે છે કે નિગ્રંથને ઉપાયના અનાભોગને કા૨ણે જ જીવરક્ષાનું વિઘટન થાય છે તે પ્રકારનું તેનું વચન યુક્તિ રહિત છે.
વળી, ગ્રંથકારશ્રી કહે છે કે કેવલીના યોગો સ્વરૂપથી જ જીવરક્ષાનો હેતુ છે તેથી કેવલીના યોગોથી જીવહિંસા થાય નહીં એ પ્રકારનું પૂર્વપક્ષીનું વચન યુક્તિવાળું નથી; કેમ કે જો કેવલીના યોગોથી જ જીવરક્ષા થતી હોય તો કેવલી જીવરક્ષાર્થે ઉલ્લંઘન-પ્રલંઘનાદિ કરે છે તે પ્રવૃત્તિને વિફળ માનવી પડે; કેમ કે તેમના યોગોથી સ્વતઃ જ જીવરક્ષા થતી હોય તો ઉલ્લંઘન-પ્રલંઘનાદિની પ્રવૃત્તિ જીવરક્ષાનો હેતુ નહીં હોવાથી નિરર્થક ચેષ્ટારૂપ સિદ્ધ થાય. જીવરક્ષાનો હેતુ ન હોય તેવા ઉલ્લંઘન-પ્રલંઘનાદિ વિષયમાં કેવલીનો વ્યાપાર સ્વીકારવામાં આવે તો ધનના ભંડારોનું રક્ષણ કરવા માટે પણ કેવલીનો વ્યાપાર છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે; કેમ કે જેને કોઈ પ્રયોજન નથી તેવી ઉલ્લંઘન-પ્રલંઘનની ક્રિયા કેવલી કરે છે તેમ જેનું કોઈ પ્રયોજન નથી તેવી ધનરક્ષણાદિની પ્રવૃત્તિ પણ કેવલી કરે છે તેમ સ્વીકારવું પડે.
અહીં પૂર્વપક્ષી કહે છે સાધ્વાચારવિશેષના પરિપાલન માટે જ કેવલી ઉલ્લંઘન-પ્રલંઘનનો વ્યાપાર કરે છે પરંતુ જીવરક્ષા નિમિત્તે કરતા નથી; કેમ કે કેવલીના યોગોથી જ જીવરક્ષાનું સિદ્ધપણું હોવાને કારણે તેને સાધવા માટેનો યત્ન વ્યર્થ સિદ્ધ થાય છે. વળી કેવલી જીવરક્ષા માટે ઉલ્લંઘન-પ્રલંઘન કરે છે તે ઉપચારથી જ કહેવાય છે અને ઉલ્લંઘન-પ્રલંઘનની ક્રિયાનું મુખ્ય પ્રયોજન સાધ્વાચારવિશેષનું પરિપાલન સિદ્ધ થવાથી તેમની ઉલ્લંઘન-પ્રલંઘનની પ્રવૃત્તિ વિફલ સિદ્ધ થશે નહીં. આ પ્રકારે પૂર્વપક્ષી દ્વારા વક્રકલ્પના કરાય તો સ્વશસ્ત્ર જ સ્વના ઉપઘાત માટે છે તે પ્રકારના ન્યાયની પૂર્વપક્ષીને આપત્તિ છે
કેમ પૂર્વપક્ષીનાં વચનોથી પોતાના જ પક્ષનો ઉપઘાત થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે -
જે રીતે પૂર્વપક્ષી કહે છે કે સાધ્વાચારવિશેષના પરિપાલન માટે જ ઉલ્લંઘન-પ્રલંઘનનો કેવલીનો વ્યાપાર છે એ રીતે જ અશક્યપરિહારવાળી જીવહિંસાસ્થળમાં પણ કેવલી જાણે છે કે પોતાના પ્રયત્નથી જીવરક્ષા થાય તેમ નથી; છતાં પણ સાધ્વાચારવિશેષના પરિપાલન માટે જ કેવલીનો પ્રયત્ન સાર્થક જ સિદ્ધ થાય છે. તેથી ઓનિર્યુક્તિમાં જે “જાણવા છતાં પણ યોગને આશ્રયીને જે જીવો મરે છે” કથન છદ્મસ્થને આશ્રયીને કરાયું છે. એમ પૂર્વપક્ષી જે કહે છે તે કથન સ્વપ્રક્રિયાના ભંગનું જ કારણ છે; કેમ કે પૂર્વપક્ષી ઓનિર્યુક્તિના વચનને છદ્મસ્થનો જ વિષય સ્વીકારે છે અને કેવલીને આશ્રયીને તે વચનો નથી તેમ સ્વીકારે છે તે સ્થાનમાં પણ, એમ કહી શકાય કે કેવલી જીવરક્ષા માટે પ્રયત્ન કરતા નથી; કેમ કે કેવળજ્ઞાનથી તેઓ જાણે જ છે કે મારા જ યોગને આશ્રયીને અવશ્ય આ જીવો મરશે તોપણ સાધ્વાચારવિશેષના પરિપાલન માટે કેવલી ઉલ્લંઘન-પ્રલંઘન કરે છે તેમ સ્વીકારીને ઓનિર્યુક્તિનું વચન અપ્રમત્તમુનિ અને કેવલી બંનેને આશ્રયીને છે એમ સ્વીકારી શકાય છે; કેમ કે આભોગથી કે અનાભોગથી થતી હિંસામાં પ્રાણાતિપાત પ્રત્યે કર્મબંધના જનક એવી યોગશક્તિનું વિઘટન યતનાના પરિણામથી કરાય છે એ અર્થને બતાવવા માટે જ ઓઘનિર્યુક્તિમાં કહેલ છે કે “પ્રયત્ન કરવા છતાં જીવરક્ષા કરી શક્યા નહીં”.