________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧
૨૧૯
આ રીતે ભગવાનને કલ્પાતીત સ્વીકારવામાં આવે તો ભગવાનને ઉત્સર્ગમાર્ગના પણ અભાવની પ્રાપ્તિ થાય; કેમ કે ઉત્સર્ગમાર્ગ પણ જિનકલ્પ, સ્થવિકલ્પ સાથે નિયત છે.
આશય એ છે કે આત્માના શુદ્ધભાવોના રક્ષણાર્થે જિનકલ્પી અને સ્થવિકલ્પી સાધુઓ ઉત્સર્ગમાર્ગનું આલંબન લે છે. તેથી ઉત્સર્ગથી સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને પોતાની નિર્લેપ પરિણતિનું રક્ષણ કરે છે. સ્થવિરકલ્પી સાધુઓ નિર્લેપ પરિણતિને રક્ષણ ન કરી શકે ત્યારે અપવાદનું સેવન કરીને નિર્લેપ પરિણતિનું રક્ષણ કરે છે. ભગવાન વીતરાગ થયેલ હોવાથી તેઓને નિર્લેપ પરિણતિથી પાત થવાનો સંભવ નથી, માટે ભગવાન કલ્પાતીત છે તેમ સ્વીકારવામાં આવે તો જેમ તેઓને નિર્લેપ પરિણતિના રક્ષણાર્થે અપવાદની આવશ્યક્તા નથી તેમ ભગવાનને નિર્લેપ પરિણતિના રક્ષણાર્થે ઉત્સર્ગમાર્ગની પણ આવશ્યક્તા નથી. આ પ્રમાણે ગ્રંથકારશ્રી કહે તો પૂર્વપક્ષી કહે છે—
ઉત્સર્ગવિશેષ જ કલ્પથી નિયત છે=જિનકલ્પ સ્થવિરકલ્પથી નિયત છે, એથી તેના સામાન્યનો=ઉત્સર્ગસામાન્યનો ભગવાનમાં અસંભવ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે
જો આ રીતે પૂર્વપક્ષી સ્વીકારે તો અપવાદવિશેષને જ સ્થવિરકલ્પ સાથે નિયતપણું છે, અપવાદસામાન્યનો ભગવાનમાં સંભવ છે.
આશય એ છે કે જિનકલ્પ, સ્થવિરકલ્પવાળા મહાત્માઓ પોતાના ભાવપ્રાણના રક્ષણાર્થે અપ્રમાદથી યત્ન કરે છે તેમાં કારણભૂત ઉત્સર્ગવિશેષ જ તેઓના કલ્પથી નિયત છે. તેથી જિનકલ્પવાળા અને સ્થવિરકલ્પવાળા સાધુઓ જે ઉત્સર્ગમાર્ગનું સેવન કરે છે તે પોતાના વીતરાગતાને અનુકૂળ શુદ્ધભાવોના રક્ષણનું કારણ હોવાથી ઉત્સર્ગવિશેષ જ છે, જ્યારે ભગવાન વીતરાગ છે તેથી તેઓને ભાવપ્રાણનો નાશ થવાનો સંભવ નથી તોપણ શ્રુતધર્મની મર્યાદા અનુસાર ઉત્સર્ગસામાન્ય ભગવાન સેવે છે. આથી જ સંયમની મર્યાદા અનુસાર જ ભગવાન સર્વ ઉત્સર્ગમાર્ગની જ પ્રવૃત્તિ કરે છે એમ જો પૂર્વપક્ષી કહે તો જેમ ભગવાનને ઉત્સર્ગસામાન્યનો સંભવ છે તેમ અપવાદસામાન્યનો પણ ભગવાનમાં સંભવ છે. અપવાદવિશેષ જ સ્થવિકલ્પ નિયત છે અર્થાત્ શુદ્ધભાવપ્રાણોના રક્ષણાર્થે ઉત્સર્ગથી પ્રવૃત્તિ ન થાય ત્યારે સ્થવિરકલ્પ સાધુઓ જે અપવાદ સેવે છે તે અપવાદવિશેષ છે. વીરપ્રભુએ તાપસોની અપ્રીતિના પરિહાર અર્થે ચોમાસામાં વિહાર કર્યો કે મુનિસુવ્રતસ્વામી ભગવાને અશ્વને બોધ કરાવવા અર્થે રાત્રિમાં વિહાર કર્યો તેવો અપવાદસામાન્ય ભગવાનને સંભવે છે. આથી જ ભગવાન પણ અપવાદથી યોગ્ય જીવોના ઉપકાર અર્થે વિહારાદિ કરે છે ત્યારે અશક્યપરિહારરૂપ હિંસા થાય છે તોપણ તે અપવાદિક પ્રવૃત્તિ હોવાથી દોષરૂપ નથી.
ભગવાનને અપવાદસામાન્ય યુક્ત છે તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે
તીર્થંકર પણ અતિશયાદિ ઉપજીવનરૂપ સ્વજીતકલ્પથી અન્યત્ર સાધુના સામાન્યધર્મને સેવનારા હોય છે. સાધુના સામાન્યધર્મો જેમ ઉત્સર્ગરૂપ છે તેમ અપવાદરૂપ પણ છે માટે ભગવાનને સાધુના સામાન્યધર્મરૂપ અપવાદ સંભવી શકે.
—