________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૪
૩૦૯
વિશેષાવશ્યકમાં કહ્યું છે કે જીવઘન એવા લોકમાં સાધુથી દ્રવ્યહિંસાનો પરિહાર અશક્ય છે, તોપણ ભાવહિંસા પ્રત્યે દ્રવ્યહિંસા અનેકાંતિક છે, જેમ શબ્દાદિ વિષયોમાં રતિની પ્રાપ્તિ અનેકાંતિક છે. તેથી જે સાધુ જીવરક્ષા વિષયક પ્રયત્ન કરે છે તે સાધુનું ચિત્ત વિશુદ્ધ હોવાથી તેઓથી થતી દ્રવ્યહિંસા અદુષ્ટ છે; પરંતુ તેઓથી થતી હિંસા અનાભોગથી જ છે માટે અદુષ્ટ છે તેમ વિશેષાવશ્યકમાં કહેવાયું નથી. માટે વિશેષાવશ્યકના વચનના બળથી પણ જેમ સુસાધુ નદીના ઊતરવામાં હિંસા છે તેમ જાણવા છતાં સંયમની વૃદ્ધિના આશયથી નદી ઊતરે છે ત્યાં આભોગપૂર્વકની હિંસા હોવા છતાં સાધુને દોષ નથી તેમ કેવલીને પણ આભોગપૂર્વકની હિંસા હોવા છતાં પણ અંતઃકરણ શુદ્ધ હોવાથી દોષ નથી, તેમ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ. વળી પૂર્વપક્ષી કહે છે તેમ જો અશક્ય પરિવારની વિરાધનાનો આભોગ સાધુના સમ્યક્તના નાશને કરનારો થાય તો ઉત્સર્ગથી સાધુને વિહાર આદિ ક્રિયાનો પરિત્યાગ જ કર્તવ્ય થાય; કેમ કે વિહાર આદિની પ્રવૃત્તિમાં યોગજન્ય વિરાધના છે તેમ સાધુને નિર્ણય છે; કેમ કે ૧૪ રાજલોક જીવથી ઠાંસી-ઠાંસીને ભરેલ છે તેથી વિહારાદિકાળમાં વાયુકાયાદિની હિંસાનો પરિહાર અશક્ય છે.
અહીં પૂર્વપક્ષી કહે કે આગમવચનથી વિહારાદિમાં હિંસાનો નિશ્ચય હોવા છતાં પણ જીવો પોતાને દેખાતા નથી માટે અનાભોગ છે તેને ગ્રંથકારશ્રી કહે છે –
આ પ્રમાણે કહેવું યુક્ત નથી. જો પૂર્વપક્ષી કહે કે જીવો સાક્ષાત્ દેખાતા નથી તેથી વિહારાદિમાં થતી હિંસા અનાભોગપૂર્વક છે તો કોઈ સાધુને નિર્ણય હોય કે આ ભૂમિ સતત જીવાકુલ છે; છતાં રાત્રિમાં સ્વેચ્છાથી ત્યાં ગમન કરે ત્યારે અંધકારના કારણે ત્યાં થતી જીવવિરાધના અપ્રત્યક્ષ હોવાને કારણે પૂર્વપક્ષીએ તે વિરાધનાને પણ અનાભોગ સ્વીકારવી પડે. આવું સ્વીકારવામાં લોકનો વિરોધ છે અને શાસ્ત્રનો પણ વિરોધ છે; કેમ કે શિષ્યલોક કહે છે કે આ ભૂમિ જીવાકુલ છે તેવો નિર્ણય હોવા છતાં ત્યાં ગમન કરનાર સાધુ આભોગપૂર્વકની હિંસા કરે છે અને શાસ્ત્ર પણ તેવા સ્થાનમાં આભોગપૂર્વકની જ હિંસા સ્વીકારે છે.
વળી ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને દોષ આપે છે કે કેવલીના વચનથી અબ્રહ્મમાં ત્રસજીવોની વિરાધના છે તેવો નિર્ણય હોવા છતાં તે વિરાધનાને અનાભોગપૂર્વક કહેવામાં આવે તો સાધુને અબ્રહ્મના સેવનમાં પ્રથમ મહાવ્રતનો ભંગ થવો જોઈએ નહીં; કેમ કે ચોથું મહાવ્રત સાક્ષાત્ ભંગ થવા છતાં અબ્રહ્મમાં થયેલી ત્રસજીવોની હિંસા પૂર્વપક્ષીના મતાનુસાર અનાભોગથી છે.
વળી પ્રકૃષ્ટ અવધિજ્ઞાનવાળા જીવોને પ્રત્યક્ષ યોગજન્ય વિરાધનામાં પણ પહેલા મહાવ્રતના ભંગની આપત્તિ આવે તેથી પૂર્વપક્ષીનું વચન અર્થ વગરનું છે. પઝા
ધર્મપરીક્ષા ભાગ-૨ સમાપ્ત
અનુસંધાન : ધર્મપરીક્ષા ભાગ-૩