________________
ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૫૩
૨૮૩ ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે સૂત્રવિધિસમગ્ર અધ્યવસાયની વિશુદ્ધિથી યુક્ત યતમાન મહાત્માથી જે વિરાધના થાય છે એ વિરાધના નિર્જરા ફળવાળી છે. ઓઘનિર્યુક્તિમાં કહેલો અર્થ પોતાના મતને પુષ્ટ કરે તે રીતે કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે –
સૂત્રવિધિસમગ્ર એવા સાધુને જે નિર્જરા થાય છે તે નિર્જરા પ્રત્યે જીવવિરાધના પ્રતિબંધક નથી માટે નિર્જરાનું કારણ છે તેથી જીવવિરાધના નિર્જરાનું કારણ નથી; પરંતુ પ્રતિબંધક નહીં થવાથી તે હિંસા નિર્જરાનું કારણ કહેવાય છે અને નિર્જરા પ્રત્યે સાક્ષાત્ કારણ તો વર્જનાનો અભિપ્રાય જ છે.
પોતાના કથનની પુષ્ટિ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે કે ઘનિર્યુક્તિના વચનને સ્થૂલથી ગ્રહણ કરીને જીવવિરાધનાને જ સાક્ષાત્ નિર્જરા પ્રત્યે કારણ માનવામાં આવે તો જેમ તપ-સંયમ અતિશય કરવું શ્રેયકારી છે તેમ કલ્યાણના અર્થી એવા સાધુએ જીવવિરાધના અતિશય કરવી શ્રેયકારી છે એમ માનવું પડે, પરંતુ જીવવિરાધના નિર્જરા પ્રત્યે પ્રતિબંધક છે અને વર્જનાભિપ્રાયરૂપ ઉપાધિના કારણે જીવહિંસાનું પ્રતિબંધક સ્વરૂપ ત્યાગ થાય છે તેમ સ્વીકારવાથી અધિક વિરાધના કરવી જોઈએ, તેમ માનવાનો પ્રસંગ આવતો નથી; પરંતુ જેઓ સૂત્રવિધિસમગ્ર સાધુથી થતી વિરાધનાને જ નિર્જરા પ્રત્યે સાક્ષાત્ કારણ માને છે અને પ્રતિબંધકાભાવરૂપે કારણ માનતા નથી તેઓને નિર્જરાના હેતુ તપ-સંયમની જેમ ઘણી વિરાધના કરવાની આપત્તિ આવે; કેમ કે જેમ ઘણું તપ-સંયમ પાળવાથી ઘણી નિર્જરા થાય છે એમ ઘણી વિરાધના કરવાથી ઘણી નિર્જરા પ્રાપ્ત થવી જોઈએ.
આ પ્રકારે ફૂટકલ્પના રસિક એવા પર વડે સાધુને હિંસાથી સંયમનાશ કેમ થતો નથી ? તે બતાવીને સાધુને જેમ અનાભોગજન્ય હિંસા છે તેવી હિંસા કેવલીને સંભવે નહીં અને કેવલીને આભોગપૂર્વક હિંસા છે તેમ સ્વીકારીએ તો કેવલીને ઘાતકચિત્તની પ્રાપ્તિ છે તેમ પૂર્વપક્ષી સ્થાપન કરે છે તે અસત્ છે, એમ ગ્રંથકારશ્રી કહે છે, કેમ કે નિશ્ચયનયની દૃષ્ટિથી જે નિર્જરા થાય છે તેના પ્રત્યે અધ્યાત્મની શુદ્ધિરૂપ ભાવ જ હેતુ છે અને તેના અંગભૂત વ્યવહારથી અપવાદપદાદિ પ્રત્યે હિંસાનું પણ નિમિત્તપણું છે. તેથી તે હિંસાને પણ સાક્ષાત્ નિર્જરા પ્રત્યે કારણ સ્વીકારવામાં દોષ નથી.
તેથી એ પ્રાપ્ત થાય કે સુસાધુ સંયમના કંડકની વૃદ્ધિના ઉપાયરૂપે નદી ઊતરતા હોય ત્યારે જિનવચનમાં ઉપયુક્ત થઈને સમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે જ જ્ઞાનાદિ વૃદ્ધિ અર્થે નદી ઊતરતા હોય છે, તેથી તેમનો અધ્યાત્મશુદ્ધિરૂપ ભાવ જ નિર્જરા પ્રત્યે હેતુ છે અને તે ભાવના અંગભૂત વ્યવહારથી નદી ઊતરવાની ક્રિયા છે, તેથી તે નદી ઊતરવાની ક્રિયામાં અપવાદિક હિંસા થાય છે તે હિંસા પણ નિર્જરા પ્રત્યે નિમિત્તકારણ છે તેથી સાધુ નદી ઊતરે છે ત્યારે આભોગપૂર્વકની હિંસા અધ્યાત્મની શુદ્ધિનું કારણ હોવાથી નિર્જરા પ્રત્યે કારણ બને છે, કેમ કે ભગવાનની આજ્ઞાનુસાર નદી ઊતરવામાં ઉપયોગ વર્તે છે તેથી મારા યોગથી હિંસા થાય છે તેવું જ્ઞાન હોવા છતાં જ્ઞાનાદિવૃદ્ધિના ઉપાયરૂપે જ આ નદી ઊતરવાની ક્રિયા છે તેનો ઉપયોગ હોવાથી નદી ઊતરવાની ક્રિયામાં થતી હિંસા જ્ઞાનાદિના ઉપાયરૂપે શુભ અધ્યવસાયનું કારણ હોવાથી નિર્જરાનું કારણ છે.