________________
૨૮૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩
યતનાપરાયણ સાધુના યત્નથી અનાભોગને કારણે જે હિંસાદિ થાય છે તેમાં વર્જન અભિપ્રાય ઉપાધિ છે. તેથી તે ઉપાધિને કારણે તેમના પ્રયત્નથી થતી હિંસામાં જીવઘાતપરિણામજન્યત્વરૂપ સ્વરૂપનો ત્યાગ થાય છે તેથી તે હિંસા સંયમપરિણામના નાશનો હેતુ બનતી નથી.
કેમ તેમના યોગથી થતી હિંસા સંયમપરિણામના નાશનો હેતુ બનતી નથી ? તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે
જીવવિરાધના સંયમના નાશના પરિણામનો હેતુ છે તેમાં જીવઘાતપરિણામજન્યત્વ આત્મક સ્વરૂપ છે અને વર્ષના અભિપ્રાયથી તે સ્વરૂપનો ત્યાગ થવાને કારણે યતનાપરાયણ સાધુથી થતી એવી હિંસા પોતાના સ્વરૂપ રહિત થયેલી હોવાના કારણે સંયમ નાશનો હેતુ બનતી નથી. આ પ્રકારે કહીને પૂર્વપક્ષી એ સ્થાપન કરે છે કે છદ્મસ્થ સાધુથી અનાભોગજન્ય અશક્યપરિહારરૂપ હિંસા થાય છે અને તે હિંસામાં જીવઘાતના વર્જનનો અભિપ્રાય તે સાધુમાં વર્તે છે તેથી હિંસાનું કાર્ય થતુ નથી અર્થાત્ હિંસાના કાર્યરૂપ સંયમનાશ થતો નથી. જ્યારે કેવલીને તો કેવલજ્ઞાનથી જ્ઞાત છે કે પોતાના ગમનના સ્થાને જીવો છે; છતાં તેમનો નાશ થાય તે રીતે ગમન કરે તો તેમના યોગથી થતી હિંસાને કારણે સંયમનો નાશ થાય છે તેમ માનવું પડે. માટે કેવલીના યોગથી અશક્યપરિહારરૂપ હિંસા સ્વીકારી શકાય નહીં.
વળી પૂર્વપક્ષી છદ્મસ્થ સાધુના વર્જનાભિપ્રાયરૂપ ઉપાધિ દ્વારા હિંસાના સ્વરૂપનો ત્યાગ થાય છે, તેને સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જે ધર્મથી વિશિષ્ટ જે વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે તે ધર્મ ત્યાં ઉપાધિ છે. જેમ જપાકુસુમના રક્તત્વ ધર્મથી વિશિષ્ટ સ્ફટિકરૂપ વસ્તુ પોતાના નિર્મળ સ્વરૂપનો ત્યાગ કરે છે ત્યાં સ્ફટિકમાં, જપાકુસુમનો ધર્મ ઉપાધિ કહેવાય છે તેમ સુસાધુથી જે હિંસા થાય છે તે વખતે પણ દયાળુ પરિણતિવાળા સુસાધુ જીવહિંસાના વર્જન માટે જે યત્ન કરી રહ્યા છે તે વર્જનાભિપ્રાયના કારણે તેઓના યોગથી થતી જીવહિંસા જીવઘાતપરિણામજન્યવરૂપ સ્વરૂપનો ત્યાગ કરે છે તેથી તેમના યોગથી થતી હિંસા સંયમનાશનો હેતુ બનતી નથી.
તેથી શું ફલિત થાય ? તે પૂર્વપક્ષી કહે છે –
સંયમપરિણામના અનપાય દ્વારા વર્જનાભિપ્રાયજન્ય નિર્જરા પ્રત્યે જીવવિરાધના પ્રતિબંધકાભાવરૂપે કારણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે વર્જનાભિપ્રાયથી નિર્જરા થાય છે, જીવવિરાધનાથી નિર્જરા થતી નથી; પરંતુ જીવવિરાધના નિર્જરાની પ્રતિબંધક હતી અને વર્જનાભિપ્રાયના કારણે તે વિરાધનાના સ્વરૂપનો ત્યાગ થયો તેથી તે વિરાધના નિર્જરા પ્રત્યે પ્રતિબંધક થતી નથી. તેથી જીવવિરાધના નિર્જરા પ્રત્યે પ્રતિબંધકાભાવરૂપે કારણ છે; પરંતુ તે મહાત્માના યોગથી થતી હિંસા સાક્ષાત્ નિર્જરા પ્રત્યે કારણ નથી.
પોતાના કથનની પુષ્ટિ અર્થે પૂર્વપક્ષી ઓઘનિર્યુક્તિની સાક્ષી આપે છે –