________________
૨૯૯
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૪
એજતાદિક્રિયા યુક્તને=કમ્પનાદિ ક્રિયા યુક્તને, આરંભ આદિનો અવશ્યભાવ છે. જે પ્રમાણે આગમ છે – “જ્યાં સુધી આ જીવ કમ્પન કરે છે, વ્યક્ત થાય છે, ચાલે છે, સ્પંદન કરે છે” ઈત્યાદિતથી માંડીને) “આરંભમાં વર્તે છે” ઈત્યાદિ. ભાવાર્થ :
ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને કહે છે કે સાધુની નદી ઉત્તરણની ક્રિયામાં જલજીવોનો અનાભોગ હોવાથી સાધુને દોષ નથી. એ પ્રકારની પૂર્વપક્ષીની મતિ હોય તો કોઈ સાધુ સચિત્ત જલનું પાન કરે ત્યાં પણ તે દોષ મૂલ પ્રાયશ્ચિત્તથી વિશોધ્ય થાય નહીં. આશય એ છે કે પૂર્વપક્ષીના મતાનુસાર કેવલીના યોગથી હિંસા સ્વીકારવામાં આવે તો કેવલીને કેવલજ્ઞાનમાં તે જીવો સ્પષ્ટ દેખાય છે છતાં કેવલી તે પ્રકારની પ્રવૃત્તિ કરે તો કેવલીને ઘાતકચિત્તની પ્રાપ્તિ થાય. કેવલીના યોગથી હિંસા નથી તે સ્થાપન કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે કે નદી ઉત્તરણની ક્રિયામાં સાધુને પાણીના જીવોનો અનાભોગ છે, માટે ઘાતકચિત્તની પ્રાપ્તિ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પાણીના જીવોમાં ચેષ્ટા ન હોવાથી નદી ઊતરવામાં સાધુને જીવો વિષયક અનાભોગ છે તેમ જો પૂર્વપક્ષી કહે તો કોઈ સાધુ સચિત્તપાણી વાપરે ત્યાં પણ જલજીવોનો અનાભોગ હોવાથી સાધુને મૂલ પ્રાયશ્ચિત્તથી વિશોધ્ય દોષની પ્રાપ્તિ થવી જોઈએ નહીં; અને તેમ સ્વીકારવાથી શાસ્ત્રમાં કોઈ સાધુ સચિત્તપાણીનું પાન કરે તો મૂલપ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ સ્વીકારી છે, તે સંગત થાય નહીં. વળી, નદી ઊતરવામાં જલજીવોનો અનાભોગ છે અને સચિત્ત જલના પાનમાં જલજીવોનો આભોગ છે તેમ પૂર્વપક્ષી કહી શકે નહીં, કેમ કે પૂર્વપક્ષીના મતાનુસાર જેમાં સ્પંદનની ક્રિયા નથી એવા જલના જીવોમાં અનાભોગનું નિવર્તન કેવલજ્ઞાનથી જ થઈ શકે, માટે સચિત્તજલપાનમાં પણ સાધુને અનાભોગ છે તેમ પૂર્વપક્ષીએ સ્વીકારવું પડે. તેથી જેમ નદી ઊતર્યા પછી સાધુને ઈર્યાપ્રતિક્રમણરૂપ મિથ્યાદુષ્કૃતપ્રાયશ્ચિત્તથી તે પાપ શોધ્ય છે તેમ સચિત્ત જલનું પાન કરવાથી પણ થતું પાપ મિથ્યાદુષ્કૃત પ્રાયશ્ચિત્તથી શોધ્ય જ પ્રાપ્ત થવું જોઈએ.
વળી ગ્રંથકારશ્રી કહે છે કે જાણીને સચિત્ત જલપાનમાં મૂલછેદ્ય પ્રાયશ્ચિત્ત નથી એમ પૂર્વપક્ષી કહી શકે નહીં; કેમ કે તે કથન શ્રુતપરંપરાથી અવિરુદ્ધ છે જાણીને સચિત્ત જલપાન કરનાર સાધુને મૂલછેદ્ય પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ છે એ પ્રકારે શ્રુતપરંપરાથી સિદ્ધ છે. એથી પાણીના જીવોમાં આભોગ વિષયતા પણ પૂર્વપક્ષીએ અવશ્ય સ્વીકારવી જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે પાણીના જીવોમાં આભોગપૂર્વકની હિંસા હોવા છતાં સાધુને નદી ઊતરવામાં ઘાતકચિત્તની પ્રાપ્તિ નથી તેમ કેવલીના યોગથી પણ અશક્યપરિહારરૂ૫ હિંસા આભોગપૂર્વક હોવા છતાં પણ ઘાતકચિત્તની પ્રાપ્તિ નથી.
અહીં પૂર્વપક્ષીને પ્રશ્ન થાય કે સાધુની નદી ઊતરવાની ક્રિયામાં પણ આભોગપૂર્વકની હિંસા છે અને સચિત્ત પાણીના પાનમાં પણ આભોગપૂર્વકની હિંસા છે, તો પછી પ્રાયશ્ચિત્તનો ભેદ કેમ પ્રાપ્ત થાય છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –